- લતા હીરાણી
માનવતાની મહેક
તિહાડ જેલનું વાતાવરણ જોઈને કિરણ બેદીનું હૈયું હચમચી ઉઠ્યું. તેઓ ખળભળી ઉઠ્યાં. એક માનવી બીજા માનવી સાથે આવી ક્રૂરતા આચરી શકે ? જેલના કર્મચારીઓનું પાશવી વર્તન જોઈ એમનું હૈયું કકળી ઉઠયું.
કિરણ બેદી માનતાં કે, જેલમાં જવું એ જ મોટી સજા છે. જેલમાં જનાર કેદી એ સમાજની નજરમાં હલકો પડી જાય છે. સમાજમાં એનું કોઈ સ્થાન નથી રહેતું. સગાં-સંબંધી-મિત્રો, સૌ કોઈ એનો તિરસ્કાર કરે છે. તે આર્થિક અને સામાજિક રીતે પાયમાલ થઈ જાય છે, કેમકે તેનો નોકરી-ધંધો, વ્યવસાય બધું જ છૂટી જાય છે. આમ જેલમાં જવાથી જ એને આપોઆપ બહુ મોટી સજા થઈ જાય છે. ત્યાર પછી કેદી તરીકે પણ જો એની પર ત્રાસ, જુલમ ગુજારવામાં આવે તો એ વધારાની સજા થાય.
કેદી પણ આખરે માનવી છે. એની સાથે સહાનુભૂતિપૂર્ણ માનવીય વ્યવહાર થવો જોઈએ. જરૂર પડે ભલે કડકાઈ બતાવવામાં આવે, પરંતુ સૌને ક્રૂરતા અને સખ્તાઈ એક લાકડીથી હંકારાય નહીં. જેલમાં આવેલા કેદીને પોતાનું જીવન સુધારવા માટે પૂરતી તક આપવી જોઈએ. એની સાથે આત્મીય વર્તન થાય તો એનું હૃદયપરિવર્તન થઈ શકે. પોતે કરેલાં ખોટાં કામનો એને પસ્તાવો થાય તો એ સાચે રસ્તે વળી શકે.
કિરણ બેદી પાસે અડગ આત્મશ્રદ્ધા હતી અને લોકકલ્યાણનાં કાર્યો કરવાની ઉમદા નેમ હતી. કોઈ પણ સમસ્યાને સમજવાની સંવેદનશીલતા હતી અને એને ઉકેલવા માટે પ્રખર બુદ્ધિમત્તા હતી. એમની કાર્યપદ્ધતિ એવી હતી સમસ્યાનાં મૂળ શોધી એને નાબૂદ કરવી. એમણે જોયું કે જેલમાં કેદીઓ પર થતાં અત્યાચારના મૂળમાં જેલના કર્મચારીઓની પાશવી વૃત્તિઓ છે. તેઓ પરપીડનમાંથી વિકૃત આનંદ મેળવતાં હતાં. આથી એમાં સુધારો લાવવાની જરૂર હતી.
એમણે જેલનાં કર્મચારીઓનું માનસ બદલવાનું કાર્ય હાથ ધર્યું. કર્મચારીઓ સાથે વારંવાર બેઠકો યોજી અને કર્મચારીઓને આત્મનિરક્ષણ કરવાનું કહ્યું કે તેઓ કેદીઓ સાથે જે વ્યવહાર કરે છે એ શું યોગ્ય છે ? આમ કરવામાં એમનો હેતુ શુદ્ધ છે ખરો? એમના મનમાં કેદીઓનાં કલ્યાણની ભાવના વસે છે ખરી ?
કેદીઓ માટે ભોજન રાખવાનાં પિત્તળનાં વાસણો જૂનાં અને કલાઈ વગરનાં હતાં. ક્યારેક લોખંડના કટાયેલાં વાસણોનો પણ ઉપયોગ થતો. કિરણ બેદીએ આ વાસણો બદલી નાખી સ્ટીલનાં વાસણો ખરીદી લેવા જણાવ્યું.
કર્મચારીઓએ આનો વિરોધ કરતી ઘણી દલીલ કરી. સ્ટીલનાં વાસણો મોંઘા પડે છે, એ જલદી તૂટી જાય છે અને ફરી વેચવા જતાં કશું ઊપજે નહીં, એવાં એમનાં વાંધાઓ સામે કિરણ બેદીએ એમને એક વેધક સવાલ પૂછ્યો,
“તમારે તમારા કુટુંબને ભોજન પીરસવાનું હોય તો તમે આવાં વાસણ વાપરો ખરાં ?”
કોઈ કંઈ જવાબ આપી ન શક્યું. એમના હુકમનો તાત્કાલિક અમલ થઈ ગયો.
આમ કિરણ બેદી મનની શુદ્ધ ભાવનામાં વિશ્વાસ રાખતાં. બીજા લોકો પાસેથી પણ તેઓ એ જ ઇચ્છતાં. જો ભાવના સાચી હોય તો અંતે પરિણામ સારું જ આવે. એમણે દરેક વોર્ડમાં, દરેક સેલમાં કેદીઓને મળવાનું શરૂ કર્યું. અગાઉના ઇન્સ્પેક્ટર જનરલ (આઈ.જી.) ક્યારેક જ જેલની મુલાકાત લેતા હતા અને જયારે એ રાઉન્ડમાં નીકળતા ત્યારે કેદીઓને કોટડીઓમાં પૂરી રાખવામાં આવતા. કિરણ બેદીએ દરેક કેદીને એની ખોલીમાં મળવાનું શરૂ કર્યું.
નીડરતા તો એમના રોમે-રોમમાં વ્યાપેલી હતી. ખૂંખાર કેદીઓની વચ્ચે પણ વિશ્વાસથી જઈને ઊભાં રહે. દરેક કેદીની ફરિયાદ સાંભળે. મુશ્કેલીની જાતતપાસ કરે. પોલીસ અધિકારી હોવાને કારણે આક્રમક ટોળાંઓ વચ્ચે ફરવાની એમને આદત હતી. આવું કરવાથી કેદીઓ એમની સાથે ઘણી આત્મીયતા અનુભવવા લાગ્યાં. આ પગલાંની અસર કર્મચારીઓ પર પણ થઈ.
એમણે કર્મચારીઓને સમાજકલ્યાણનો સાચો રસ્તો બતાવી એમાં સહભાગી થવા જણાવ્યું. એમણે કર્મચારીઓને સમજાવ્યું કે જેલના કેદી સાથે ક્રૂરતા આચરવાથી તો સમાજમાં ગુનાખોરી વધે. ગુનાખોરી એ સમાજનું કલંક છે. ગુનાખોર માનસ સમગ્ર સમાજનું વાતાવરણ બગાડે છે. ગુનેગારને જેલમાં પૂરી દેવાથી સમસ્યા હલ થઈ જતી નથી. સજા કરવાથી એનું માનસ બદલાઈ જતું નથી. કેદીઓને સુધારવાના પ્રયત્નો કરવાં જોઈએ.
તેઓ જયારે જેલમાં રાઉન્ડ લેવા નીકળતાં ત્યારે પોતાના અહેવાલમાં ઝીણામાં ઝીણી વિગતોની નોંધ કરતાં. કયું કામ કરવાની જરૂર છે, એ કામ કોણે કરવું, કોનો સંપર્ક કરવો, ક્યારે કરવું વગેરે નિર્ણયો તેઓ સ્થળ પર જ લઈ લેતા હતાં. જરૂરી ટિપ્પણી સાથે રોજેરોજ આવો અહેવાલ વોર્ડના નોટીસબોર્ડ પર લગાવી દેવાતો હતો. જેથી જેલના દરેક કર્મચારીઓ એ વાંચી શકે અને એકબીજાના કામથી માહિતગાર રહી શકે. વળી ક્યાંય કોઈની ભૂલચૂક થાય તો બીજા લોકો એનું ધ્યાન દોરી શકે.
જેલના કર્મચારીઓમાં થોડા એવા લોકો પણ હતાં જેમને થતું કે સ્ત્રી અધિકારી આખરે કેવું કામ કરી શકશે? જેલમાં કામ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. કોઈને એમ પણ થતું કે, મહિલા છે, નવા નવા અધિકારી છે એટલે ઉત્સાહ બતાવશે; પરંતુ બહુ જલદી એમને વાસ્તવિકતા સમજાઈ જશે. ખબર પડી જશે કે આ કંઈ ખાવાના ખેલ નથી. અને આપણે ફરી આપણી દાદાગીરી ચલાવી શકીશું.
કિરણ બેદીએ આવા નઠોર કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં કડક ચેતવણી આપી દીધી. જ્યાં જરૂર પડી ત્યાં કડક પગલાં ભરતાં પણ તેઓ અચકાયા નહીં. આમ બૂરી દાનતવાળા લોકોના દાવ ખોટા પડ્યાં. એમને ખ્યાલ આવી ગયો કે આ નારી જુદી માટીની ઘડાયેલી છે. એ કહે એમ કરવું જ પડશે. એની પાસે કોઈ ખોટી રમત નહીં ચાલે.
એમણે કેદીઓની જેમ જેલના કર્મચારીઓ સાથે પણ માનવતાસભર અને સૌજન્યપૂર્ણ વ્યવહાર કર્યો. ‘ઇન્સ્પેકશન’ જેવી કાર્યવાહી એમણે બન્ધ કરી દીધી. કર્મચારીઓને કહ્યું કે તમે પોતે જ વિચારી લો કે તમારા કાર્ય પાછળની તમારી ભાવનાઓ કેટલી શુદ્ધ છે? આનું પરિણામ એ આવ્યું કે કર્મચારીઓ પોતાની ભૂલો જાતે જ બતાવવા લાગ્યાં. એના ઉપાયો પણ પોતે જ સૂચવવા લાગ્યાં. આમ સમગ્ર રીતે કિરણ બેદીની શુદ્ધ ભાવના અને ઉમદા વ્યવહારથી વાતાવરણ અસરકારક રીતે બદલાવા માંડ્યું. પરિણામ સારું જ નહીં, માની ન શકાય એવું ચમત્કારિક આવવા લાગ્યું.