સ્વયંસિદ્ધા – ૧૮

    -    લતા હીરાણી

પ્રેમનો સ્પર્શ

       વ્યસન ખૂબ ખરાબ આદત છે. પછી તે ગુટકા,તમાકુ જેવી ચીજનું હોય કે પછી કેફી દ્રવ્યોનું હોય. વ્યસની માનવી વ્યસનનો એટલો ગુલામ બની જાય છે કે, તે માનસિક રીતે નિર્બળ બની જાય છે. એને જેની આદત હોય એ ચીજ ન મળે ત્યારે એના હોશ-કોશ ઊડી જાય છે. પછી એ ચીજ મેળવવા માટે એ હવાતિયાં મારે છે. આ માટે એને સારા-નરસાનું પણ ભાન નથી રહેતું. એ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.

..

      જેલમાં મોટા ભાગના કેદીઓને કોઈને કોઈ વ્યસનનું વળગણ હોય છે. જેલમાં બીડી પીનારા કેદીઓ પુષ્કળ હતા. સતત બીડી પીવાને કારણે કેદીઓ ખાંસતા રહેતા હતા અને દમિયલ બની ગયા હતા. કિરણ બેદીએ પૂરી કડકાઈ કરી તમામ વ્યસનો પર પ્રતિબંધ લગાવી દીધો. કોઈને દારૂ, બીડી, સિગારેટ,તમાકુ કંઈ જ મળે નહીં. કેદીઓને આ બધું મેળવવામાં છાને ખૂણે કર્મચારીઓ મદદ ન કરે એ માટે સખત જાપ્તો ગોઠવી દીધો. એમની એવી ભાવના હતી કે બધા જ લોકો વ્યસનમુક્ત થઈ અને સ્વસ્થ સુખી જીવન જીવે.

       જેલમાં વ્યસન પર પ્રતિબંધ લાગતાં સેંકડો કેદીઓની હાલત ખરાબ થઈ ગઈ. કિરણ બેદીએ દરેક પરિસ્થિતિનો સામનો કરવાની અને એને માટે તમામ ઉપાયો યોજવાની તૈયારી રાખી હતી. એમણે કેદીઓને દાક્તરી સારવાર અપાવી. એમને પીડા ન થાય અને એમની તકલીફ ઘટે એવી દવાઓ અપાવી. એમનું સ્વાસ્થ્ય સુધરે તથા એમનું શરીર આ પીડાનો સામનો કરી શકે એ માટે એમને દૂધ, ફળો તથા પૌષ્ટિક આહાર મળે એવી વ્યવસ્થા કરી.

       પાકા બંધાણી એવા રીઢા ગુનેગારોએ કિરણ બેદીનાં આ પગલાંનો ભારે વિરોધ કર્યો. ઘણા ધમપછડા કર્યા. પરંતુ એમનું કંઈ ઉપજ્યું નહીં. કિરણ બેદીએ જરા પણ નમતું ન જોખ્યું. છેવટે સૌએ આ કાર્યમાં સહકાર આપવો જ પડ્યો. કિશોરોની બીડી પીવાની બાબતમાં પણ એમણે આવી જ સખ્તાઈ કરી હતી.

        કુટેવોની બાબતમાં એમણે ઘણી કડકાઈ બતાવી તો બીજી બાજુ એટલી જ કરુણા અને સમભાવ પણ દર્શાવ્યાં. કેદીઓની ભાવના સમજી એમને રક્ષાબંધન, દિવાળી, ભાઈબીજ જેવા તહેવારો રંગેચંગે ઉજવવાની છૂટ આપી. એમની તકલીફો સમજવા ને એનો ઉપાય કરવા માનસશાસ્ત્રીઓને આમંત્ર્યા. આમ એમણે કેદીઓનાં દિલ જીતી લીધાં.

       કિરણ બેદીએ જેલમાં એટલા બધા સુધારાઓ કર્યા, એટલાં પરિવર્તનો કર્યા કે એના કારણે તિહાડ જેલની સૂરત જ બદલાઈ ગઈ. જાણે સમૂળી ક્રાંતિ જ થઈ ગઈ! આટલા વર્ષોના સડેલા તંત્રને કિરણ બેદીએ બે વર્ષમાં ધરમૂળથી એવું બદલી નાખ્યું કે, સૌએ મળીને તિહાડ જેલને નવું નામ આપ્યું ‘તિહાડ આશ્રમ’ જેલમાં હવે ખરેખર આશ્રમનું વાતાવરણ રચાઈ ગયું હતું.

      જેલમાં થયેલાં સુધારાઓને પગલે પગલે જેલના કર્મચારીઓનું કામ ઘણું વધ્યું હતું પરંતુ એમનું માનસ પરિવર્તન થઈ ચૂક્યું હતું. વળી પોતાનાં કાર્યોનાં ઊજળાં પરિણામો તેમને દેખાઈ રહ્યાં હતાં. પોતે કોઈકના માટે કંઇક કરી છૂટે છે એવી ભાવના એમને આનંદ આપતી હતી. પોતાના ઉપરી અધિકારીને પૂરતા સહકાર આપવાની તથા એમનો વિશ્વાસ સંપાદન કરવાની લાગણી પણ પ્રગટી હતી.

      તેઓ સારાં કાર્યો બદલ કર્મચારીઓની પ્રશંસા કરતા તથા આ વાતની બીજા લોકોને પણ જાણ થાય એટલે એમનાં નામ નોટિસબોર્ડ પર મુકાવતાં. કર્મચારીઓ તથા કેદીઓ એમ બંને પક્ષે એમણે વિશ્વાસ સંપાદિત કરી સ્નેહ અને સહકારનો સેતુ રચ્યો હતો.

     અમેરિકામાં જેલસુધારણા પર સંશોધન ચાલતું હતું. અમેરિકન જેલ કમિટીએ જે જે સુધારાઓ સૂચવ્યા હતા એ હજી કાગળ પર હતા જયારે અહીં કિરણ બેદીએ એ સુધારાઓ અમલમાં મૂકી બતાવ્યા હતાં. તત્કાલીન અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને એમને અમેરિકાની જેલોની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું અને એમનું બહુમાન કર્યું. અનેક દેશોમાંથી એમને આવાં નિમંત્રણો મળ્યાં.

      હવે કેદીઓ કે કર્મચારીઓ કોઈ જ એવું ઇચ્છતા નહોતા કે કિરણ બેદીની તિહાડ જેલમાંથી બદલી થાય. એમને પરેશાન કરવાનો મનસૂબો ધરાવનારની યોજનાઓ ધૂળધાણી થઈ ગઈ હતી. એમની ઈર્ષ્યા કરનારની બોલતી બંધ થઈ ગઈ હતી. જેલમાં પણ આવું સુંદર કામ કરી શકાય ખરું ? અશક્ય લાગે એવું કામ કિરણ બેદીએ કરી બતાવ્યું હતું.

      ફરી ચક્રો ગતિમાન થયાં. કિરણ બેદીની તિહાડ જેલમાંથી બદલી થઈ જાય એવાં એંધાણ વર્તાવા લાગ્યાં. પણ જુઓ એમની લોકપ્રિયતા! કેદીઓએ જાહેર કરી દીધું કે, એમની બદલી થશે તો અમે ધરણા કરીશું. સામૂહિક રીતે ઉપવાસ પર ઊતરી જઈશું!

     કિરણ બેદી વિશે વિકિપિડિયા પર આ રહી.

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *