ડૉ. આઈ.કે. વિજળીવાળા
બે ફરિસ્તા એક વખત સાધુનો વેશ લઈને ધરતી પર ફરવા નીકળ્યા હતા. એકે ઘરડા અને બીજાએ યુવાન સાધુનું સ્વરૂપ લીધું હતું. આમેય બન્નેની ઉંમરમાં કેટલીયે સદીઓનો તફાવત હતો. ગુરુ અને શિષ્યના સ્વરૂપમાં ચાલતાં ચાલતાં એ લોકો એક દિવસ સાંજના સમયે એક ગામામાં આવી ચડ્યા. એ સાંજે વરસાદ પણ ખૂબ વરસતો હતો. ગામમાં પ્રવેશતાં જ એક અમીર માણસનો આલિશાન બંગલો એમની નજરે પડ્યો. ત્યાં પહોંચીને બંને જણાએ દ્વાર ખખડાવ્યું. પેલા અમીર માણસે જ દરવાજો ખોલ્યો. ગુરુ-શિષ્યે એક રાતના આશરો અને થોડાક ભોજનની માગણી કરી.
પેલા અમીરે બંને સાધુઓને પગથી માથા સુધી નિહાળ્યા. ગંદાં કપડાં, ગારાવાળા પગ, વરસાદથી લથબથ શરીર, વધી ગયેલી જટા અને દાઢી સિવાય બીજું શું જોવા મળે? ઘડીક તો એને થયું કે આ બંનેને કાઢી મૂકું. પણ સાધુઓ કદાચ નારાજ થઈ જાય તો? એવી બીક લાગવાથી એણે એમને અંદર આવવાની હા પાડી. સાંજની વધી-ઘટી જે રસોઈ પડી હતી એ એણે બંને સાધુઓને જમાડી. પોતાના ઘરના ઉત્તમ રીતે સજાવેલા એક પણ કમરામાં આ બંને સાધુઓને રાખવાનો એનો જીવ ન ચાલ્યો. ગારાથી ખરડાયેલા આ બંને બાવા પોતાના મકાનના ભવ્ય ઓરડાઓને બગાડી નાંખશે એવી ભીતિ એને સતાવતી હતી. સાધુને વળી પલંગ શું કે ભોંયપથારી શું? એમ વિચારીને એણે બંને સાધુઓને મકાનના ભોંયતળિયે આવેલી એક અંધારી ઓરડીમાં શણના કોથળા પાથરી આપ્યા. ઓઢવા પણ શણમાંથી બનેલ કંતાન જ આપ્યાં. બંને સાધુ કંઈ પણ બોલ્યા વિના લાંબા થયા. આખા દિવસના પરિભ્રમણથી થાક લાગ્યો હશે એટલે પડતાં જ એમની આંખ મળી ગઈ.
થોડી વાર પછી કંઈક ખખડાટ સાંભળીને ચેલાની આંખ ખૂલી ગઈ. જાગીને જુએ છે તો ગુરુ ઓરડીમાંથી રેતી, ચૂનો, પથ્થર વગેરે શોધીને મકાનના પાયામાં પડેલું મોટું ગાબડું મરામત કરી રહ્યા હતા. એને ખૂબ જ નવાઈ લાગી. જે અમીર માણસે એમને આમ જુઓ તો લગભગ હડધૂત જ કર્યા હતા એના જ ઘરની ગુરુ મરામત કરી રહ્યા હતા. જેને શાપ આપવો જોઈએ એને મકાનનું સમારકામ કરીને આશીર્વાદ આપી રહ્યા હતા. ઘડીક વારમાં જ ગુરુએ પાયાની દીવાલને વરસોનાં વરસો સુધી કંઈ પણ ન થાય તેવી મજબૂત કરી આપી. કામ પતાવીને ગુરુએ લંબાવ્યું ત્યારે ચેલાથી બળાપો કાઢ્યા વિના ન રહેવાયું. એણે ગુરુ પાસે પોતાની નારાજગી વ્યક્ત કરી ત્યારે એટલું જ બોલ્યા કે, “બેટા ! આપણને જેવું દેખાય છે અને આપણે જેવું માનીને છીએ એ બધું હંમેશાં એવું જ નથી હોતું.” ગુરુની વાત સમજાઈ નહીં પણ એમાં કંઈક મર્મ હશે જ એમ માનીને એ ચૂપ થઈ ગયો. સવાર પડતાં જ બંને પેલા અમીરની રજા લઈને આગળ ચાલ્યા.
એ દિવસે પણ ખાસ્સું ફર્યા પછી સાંજ પડતાં જ એક ગરીબ માણસની ઝૂંપડી પાસે આવી પહોંચ્યા. ઝૂંપડીમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું. ડોસો અને ડોસી પોતાની પાસે એક ભેંસ હતી તેનું દૂધ વેચીને ગુજરાન ચલાવે. સંતાન તો કંઈ હતું નહીં. બંને જણાં સાધુઓને પોતાના આંગણે પધારેલા જોઈને હરખઘેલાં થઈ ગયાં, એમણે આગ્રહ કરીને સાધુઓને પોતાના તૂટેલા ખાટલા પર બેસાડીને એમના પગ ધોયા. પછી રોટલો, ભેંસનું દૂધ અને મરચાંની ચટણીનું ભોજન કરાવ્યું. આગ્રહ કરી કરીને બંને સાધુઓને એમણે ભરપેટ જમાડ્યા. ભોજન સાવ સાદું હતું પણ બન્નેનો ભાવ એવો અદ્દભુત હતો કે ગુરુચેલાને આ ભોજન પેલા અમીરના વધેલાં પકવાનો કરતાં પણ મીઠું લાગ્યું.
રાત પડી. ઝૂંપડી એટલી નાની હતી કે ફક્ત બે માણસ જ સમાઈ શકે. બાકી તો ભેંસ બાંધાવનું એક ઢાળિયું હતું. વરસાદનો સમય હતો એટલે બહાર સૂઈ શકાય તેવું તો હતું નહીં. ડોસા-ડોસાએ સમ દઈને બંને સાધુઓને ઝૂંપડીમાં સૂવડાવ્યા અને પોતે ભેંસની બાજુમાં એક ઢાળિયામાં સૂતાં.
વહેલી સવારે કોઈના રડવાનો અવાજ સાંભળીને ચેલાની ઊંઘ ઊડી ગઈ. જોયું તો ગુરુ નિર્લેપ ભાવે બેઠા હતા અને બહારથી ડોસા-ડોસાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. બહાર જઈ એણે જોયું તો એ વૃદ્ધ દંપતીની આજીવિકાનું એકમાત્ર સાધન એમની ભેંસ મરી ગઈ હતી. એ વૃદ્ધ પતિ-પત્ની માટે ભેંસ તો જીવાદોરી સમાન હતી. એના મરી જવાથી બંને માણસ પર વીજળી તૂટી પડી હતી. એમને આશ્વાસન આપવા માટેના શબ્દો પણ ચેલાને જડ્યા નહીં. શું બોલવું એને ન સમજાયું. એ કંઈ પણ બોલ્યો નહીં. ફક્ત એની આંખમાંથી પણ આંસુ સરી પડ્યાં. વૃદ્ધ દંપતીની મૂંગા-મૂંગા રજા લઈ એમને વિલાપ કરતાં છોડીને બંને આગળ વધ્યા.
ગુરુ તો ચૂપચાપ ચાલ્યે જતા હતા. પણ ચેલાથી હવે રહેવાયું નહીં. બે રાતથી દબાવી રાખેલો એનો આક્રોશ બહાર આવી ગયો. એ બોલ્યો, “ગુરુજી હવે તો હદ થાય છે. તમે તો અત્યંત શક્તિશાળી અને ચમત્કારી છો. તો પછી આમ કેમ? જેના ઘરે કોઈ વસ્તુની ખામી નથી એવા પેલા લોભિયા અમીરની દીવાલ તમે સારી કરી આપી. એણે તો આપણને હડધૂત જ કર્યાં હતા. છતાં તમે એને મદદ કરી, જ્યારે આ વૃદ્ધ દંપતીએ તો આપણને ખરેખર અતિથિ દેવોની જેમ જ સાચવ્યા હતા. એ વૃદ્ધ દંપતીનું તો જે કહો તે એમની ભેંસ જ હતી. તમારી હાજરી હોવા છતાં એમની ભેંસ મરી ગઈ. છતાં તમે નિર્લેપ જ રહ્યા. શું તમને એમની દયા પણ ન આવી?”
“જો બેટા ! આપણને જેવું દેખાય છે અને આપણે જેવું માનીએ છીએ એ બધું હંમેશાં એવું જ નથી હોતું !”
એટલું ખૂબ જ શાંતિપૂર્વક કહીને ગુરુએ તો પોતાની ધૂનમાં ચાલવાનું શરૂ જ રાખ્યું.
પણ આજે ચેલો એક પણ વાત માનવા તૈયાર નહોતો. એની નામરજી જોઈ ગુરુ ઊભા રહી ગયા. આકાશ સામે જોઈ કંઈક વિચાર્યું. પછી બોલ્યા, “જો ! તારે જાણવું જ છે ને ? તો સાંભળ ! પેલા અમીર માણસના મકાનના પાયામાં એના પિતાએ હજારો સોનામહોરો અને ઝવેરાત છુપાવેલું હતું. એના પાયાની દીવાલમાં ગાબડું પણ બરાબર એ જ જગ્યાએ પડ્યું હતું. જો હું એ ગાબડાનું સમારકામ ન કરત તો એ ખજાનો ક્યારેક આ લોભિયાને હાથ લાગી જ જાત. અને હવે માણસ એ ધન મેળવવાને બિલકુલ લાયક નથી રહ્યો. એટલે વરસો સુધી એ સોનામહોરો કોઈના હાથમાં ન આવે એવી રીતે મેં દીવાલમાં ભંડારી દીધી અને ઉપર એવું સમારકામ કરી નાંખ્યું કે એ જગ્યાએ ક્યારેય ગાબડું પડે જ નહીં !”
ગુરુની વાત સાંભળી ચેલાને આશ્ચર્ય થયું. એના મનનું અમુક અંશે સમાધાન થયું પણ પેલા વૃદ્ધ દંપતી અંગે પૂછ્યા વિના એનાથી ન રહેવાયું. એ બોલી ઊઠ્યો, “તો પછી ગુરુજી, પેલા વૃદ્ધ ખેડૂત દંપતીની ભેંસને શું કામ મરી જવા દીધી? એમાં પણ કંઈક રહસ્ય હોય તો મને સમજવો!”
માર્મિક હાસ્ય વેરતાં ગુરુએ કહ્યું, “બેટા ! કાલે રાત્રે તૂ સૂતો હતો ત્યારે મોતના દૂતો એ ડોસીમાનો જીવ લેવા માટે આવ્યા હતા. જો આ ઉંમરે માજી જતા રહે તો દાદાનું શું થાય? એ તો ખરેખર ભગવાનના દૂત જેવો માણસ છે. એની પાછળની જિંદગી વેરાન બની જાય. એટલે મેં યમદૂતને સમજાવીને માજીને બદલે એમની ભેંસનો જીવ લઈ જવા સમજાવ્યો. ઈશ્વરના આદેશથી એણે એ માન્ય રાખ્યું. એટલે ભેંસ મરી ગઈ પણ એ ડોસીમા બચી ગયાં!”
યુવાન સાધુ અહોભાવથી ગુરુ સામે જોઈ રહ્યો. અચાનક એનાથી પુછાઈ ગયું કે, “પણ ગુરુદેવ ! એ બંને ડોસા-ડોસી હવે ખાશે શું? ભેંસ એમની જીવાદોરી હતી. હવે એ બંને ઘરડાં માણસો ઘર કઈ રીતે ચલાવશે?”
“મેં આપણા ખાટલા પરની ગોદડીની નીચે એક ખોબો ભરીને સોનામહોરો રાખેલી છે. ઈશ્વરના આદેશથી એ સોનામહોર મેં પેલા લોભિયા અમીરના ખજાનામાંથી આ લોકો માટે જ લીધેલી. હવે એ બંને જણાં આનાથી પણ વૈભવશાળી જિંદગી જીવી શકશે.” આટલું કહી ગુરુએ એ જ માર્મિક હાસ્ય કર્યું. પછી આકાશ સામે એક દ્રષ્ટિ નાખીને બોલ્યા, “આપણને જેવું દેખાય અને આપણે જેવું માનતા હોઈએ એવું હંમેશાં નથી હોતું !”
ચેલાના મનનું સંપૂર્ણ સમાધાન થઈ ચૂક્યું હતું. બંને ફરીથી મસ્તીમાં ચાલવા લાગ્યા.
આપણે સૌ આવી જ રીતે આપણી ધારણા પ્રમાણે કંઈ ન બને એટલે પ્રારબ્ધનો કે ભગવાનનો વાંક કાઢતા હોઈએ છીએ. પણ દિલથી જો ભગવાન પર વિશ્વાસ રાખીએ તો ખ્યાલ આવતો જશે કે ભગવાન આપણા ફાયદા માટે બધું બરાબર જ ગોઠવતો જતો હોય છે. પણ જે-તે વખતે આપણે એ જાણતા નથી હોતા. એટલે કાયમ એ યાદ રાખવું જોઈએ કે આપણે માનીએ છીએ તેવું હંમેશાં નથી હોતું !
અનેકો વૈવિધ્ય ધરાવતો ઈન્ટરનેટનો મહાસાગર ખૂંદીને મેળવેલા અમૃતના બિંદુઓ જેવા આ પ્રસંગો ડૉ. આઈ કે વીજળીવાળાએ તેમના પુસ્તક અમૃતનો ઓડકાર અંતર્ગત સંકલિત કર્યા છે અવારનવાર તેમાંથી રજુ કરશો ફરી ફરી માણવાની મઝા આવશે
આ ૩૧મે સુરતમા અમૃતા પ્રિતમ અંગે પ્રોગ્રામ જરુર માણશો