- પાર્મી દેસાઈ
મોસમ રિઝલ્ટની ચાલી છે. બાળકો તો કદાચ બિન્દાસ હશે પણ એમના પેરેન્ટ્સની ઊંઘ ઊડી ગઈ હશે. એક વણ નોતર્યો હાઉ દરેકના મનમાં ઉછરી રહ્યો હશે. જો પૂછીએ કે કેમ એવું? તો જવાબ મળે;
"હરિફાઈનો જમાનો છે, ટેંશન તો લેવું જ પડે ને!"
વાતને નકારી તો ના જ શકાય...પણ આ ભણતરને હરીફાઈ શબ્દ લાગ્યો ક્યારથી એ જ નથી સમજાતું.
આપણે ય ભણ્યા તો છીએ જ..અને ખરેખર તો મોટાભાગના લોકોને અત્યારે પૂછીએ તો તેઓ "વેલસેટલ્ડ છું" એમ જ કહેશે. આપણાં માંથી દરેકનું રિઝલ્ટ તો કઈ સારું નહોતું આવતુ..કેટલાય લોકોનો તો "એટીકેટી" શબ્દની શોધને સાર્થક કરવામાં મહત્વનો ફાળો રહ્યો હશે.
ટૂંકમાં કહેવું એ જ છે..જે પણ પરિણામ આવે, એ પરિણામ અને આપણા બાળક બન્નેનો પ્રેમથી સ્વીકાર કરીએ. જિંદગીની કોઈ પણ ખુશી કે કોઈ પણ કસોટી છેલ્લી નથી હોતી. મને યાદ છે કે પપ્પા પૂછતાં;
"રિઝલ્ટ ક્યારે છે...આઈસ્ક્રીમની કોઠીનો ઓર્ડર આપવાનો ખ્યાલ આવે." અને જે દિવસે પેલું લીલાશ પડતું ફરફરિયું હાથ માં આવે..ને એમા "પાસ" લખાયેલું હોય એટલે જગ જીત્યા. કુટુંબીઓ ભેગા થઈ એ દિવસને સેલિબ્રેટ કરતાં. હું જાણું છું આપણામાંથી ઘણા લોકોનો આ અનુભવ હશે જ..અને આવું અત્યારે પણ થઈ જ શકે. બસ જરૂર છે કે આપણે પણ આપણા વડીલોની માફક વર્તવાની.
અને સાચું કહું,
અત્યાર સુધીનો અનુભવ તો એમ જ કહે છે કે ભણતર હોય ના હોય...ગણતર હોવું બહુ જ જરૂરી. માતા-પિતા(ઓ) ને વિનંતી કે ગણતર પાછળ પણ એટલું જ ધ્યાન અપાય તો બાળકનું જીવન આપોઆપ લેમિનેટેડ થશે..ડિગ્રી/માર્કશીટની જેમ ઉપરથી કરાવવું નહીં પડે.
કયા સમજે!
Very True. Agree. We must bring change the way we are thinking in present days.