- મુર્તઝા પટેલ
"જશના (માથે નહીં) પણ પગે જૂતાં મળે તે આનું નામ..."
વાત એમ બની કે ગયા વર્ષે ડિસેમ્બરમાં ફિલિપાઇન્સની રાજધાની મનિલામાં આંતર-શાળા એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાઈ. ત્યાંના નાનકડાં શહેરોની શાળાઓમાંથી આવેલાં સેંકડો બાળકોમાં એક સેકન્ડરી સ્કૂલની ૧૧ વર્ષની બાળા 'રિયા બુલ્લોઝ' પણ શામેલ હતી. જેનો કોચ હતો પ્રેડિરિક વેલેનઝુએલા.
સ્પર્ધાઓ શરુ થઇ. પણ રિયા થોડીક નિરાશ હતી. કારણ કે ત્યાં હાજર ઓલમોસ્ટ બધાં દોડવીરોના પગોમાં તેણે અવનવાં બ્રાન્ડેડ સ્પોર્ટ્સ શૂઝ જોયાં. જયારે તેના ખુદના પગ તો કુટુંબની ગરીબી દર્શાવતી બેન્ડેજના પાટાથી વીંટળાયેલા હતા.
શક્ય છે રિયાને મનમાં થયું હશે કે "મારી લાયખા ! આ બધાંય લોકા ખાસડાં પે'રીને દોડશે તો આપડુ આજે આઈ બનવાનું લ્યા. વગર ખાસડે આપડુ જોર ચેટલુંહેં ભ'ઇ!!!!"
પણ આ ખરેખર દોડવા માંગતી રિયાએ ખુદની નિરાશાને પળવારમાં એક નાનકડી ક્રિયેટિવિટીના ઝબકારાથી પાવરફૂલ બનાવી દીધી. આ રીતે.
કાચી સેકન્ડ્સમાં તેણે કોચની એક બોલપેન વડે પગના બંનેવ બેન્ડેજ પર તેને ગમતી વિશ્વ-પ્રસિદ્ધ બ્રાન્ડ 'નાઈક' (કે નાઈકી?!)'નો મશહૂર સિગ્નેચર લોગો દોરી કાઢ્યો. ને બસ! એ જ લોગો તેનું પરિબળ અને મનોબળ મજબૂત કરવાનું સબળ કારણ બન્યું.
સ્પર્ધાઓ સમાપ્ત થઇ. ત્યારે રાહયા તો સુપર-ખુશ હતી પણ કોચ પ્રેડિરિક થોડોક વધારે ખુશ હતો. કારણકે તેની શિષ્યા રિયાના નામે ૪૦૦ મી., ૮૦૦ મી અને ૧૫૦૦ મી.ની દોડમાં ૩ ગોલ્ડ મેડલ્સ નોંધાઈ ચુક્યા હતા.
તેને થયું કે રિયા સ્પોર્ટસ શૂઝ વગર પણ દોડવામાં આટલી સૂઝ ધરાવતી હોય તો જો તેને પ્રોપર સરંજામ આપવામાં આવે તો એથેલિટિક્સમાં તે ફિલિપાઇન્સનું નામ રોશન કરી શકે એમ છે.
એટલે કોચબાપુએ તુરંત તેના મોબાઈલ વડે (અહીં મુકેલો) ફોટો ખેંચી તેને ફેસબૂક પોસ્ટ તરીકે મૂકી દીધો. જેમાં એક મીઠ્ઠા ટોણાથી નાઈકને જણાવ્યું કે 'જુઓ આ અમારા દેશી નાઈકના નવા સ્પાઈક શૂઝ.'
પછી શું થયું? - પોસ્ટ બની વાઇરલ અને વાત પહોંચી મીડિયામાં. જેણે વાતને હવા અને વાહ! આપી. એક તરફ મનિલામાં આવેલ સ્પોર્ટ્સ સૂઝની દુકાને રિયાને નવા નક્કોર નાઈક શૂઝ ભેંટ આપ્યા.
તો બીજી તરફ નાઈકના મીડિયાને ખબર પડતા જ તેણે તો સ્પોર્ટ્સ ગિયર્સ-કિટ (ટ્રેક સૂટ, સ્પોર્ટ્સ બેગ વગેરે)સાથે આખા વર્ષની સ્પોર્ટ્સની ખરીદીનું ગિફ્ટ-વાઉચર પણ બોનસમાં આપી દીધું.
(બાય ધ વે, આ બધો શિરપાવ તેને એટલા માટે મળ્યો જ્યારે 'નાઇકવારાઓ'ને એમ ખબર પડી કે રિયાએ હજુ એક મહિના પહેલા જ દોડવાની પ્રેક્ટિસ શરુ કરી 'તી.)
તો હવે સોશિયલ મીડિયામાં જ્યાં વધુ ભાગે લોકો 'લાઈક' મેળવવાની ચાહના રાખે છે. ત્યાં બહુ જૂજ લોકો 'નાઈક' મેળવવાનીયે ચાહના રાખે છે. બોલો હવે ! તેમના માટે એમ કહી શકાય ને કે,
'જશના માથે નહીં પણ પગે જૂતાં' આ રીતે પણ આવી પડે છે હોં !
આપણી કેવી હરીફી વ્યવસ્થા છે કે મેડલ મેળવવા પહેલા શૂઝ સાથે કે પછી સૂઝબૂઝ સાથે માઈલોબંધ 'જવું' પડે છે. પછી જ જશ-યશ-કેશ-એશ મળતાં થાય છે!
કુછ તો લોગ કહેંગે,
'લોગો' કા કામ હૈ,
કુછ કહેના ઔર બહુત કુછ દેના ભી.