એક બેબી વાદળનું આગમન

     કૅલેન્ડરમાં મે મહિનાનું પાનું ફરફરવા માંડતાં જ, અખિલ બ્રહ્માંડ પાણી પુરવઠા યોજનાના પ્રમુખે વાદળોની એક તાકીદની મીટિંગ બોલાવી. બધાં વાદળો ચેઈન્જ મળશે એ આશાએ બૈરીપોઈરાંને લઈને નીકળી પડ્યાં. પ્રમુખે તો વાદળોની એક ખાસ ટુકડીને મેના અંત સુધીમાં સજ્જ થવા જણાવી દીધું. ભારત દેશમાં ચાર મહિના મુકામ કરવાનો હોવાથી,  ટુકડીને બૅગ–બિસ્તરા પૅક કરવા વહેલી રવાના કરવામાં આવી. ભારત દેશના લોકોએ ઊંચે વાદળોની અવરજવરને સહર્ષ નિહાળી આનંદ વ્યક્ત કર્યો. આ વર્ષે ચોમાસું વહેલું આવવાનું.

     એક તોફાની બેબી વાદળ ઘડી–ઘડી મમ્મી–પપ્પાની આંગળી છોડાવી દોડમદોડ કરતું હતું. પપ્પા વાદળને ગુસ્સો આવી ગયો. ‘નીચે પડી જશે તો અમારામાંથી હમણાં તને કોઈ નીચે લેવા પણ નહીં આવે. સીધેસીધું અમારી સાથે ચાલતું રહે.’ પણ બેબી વાદળ તો જીદે ચડ્યું. બાળહઠ ! નાછૂટકે એકના એક બેબીની જીદ પૂરી કરવા મમ્મી–પપ્પાએ એની આંગળી છોડી દીધી. સાથે ચેતવણી પણ આપી, ‘એવા માણસની આંખ પાછળ જતું રહેજે, જેની આંખમાં કોઈ દિવસ વાદળે તોરણ ન બાંધ્યાં હોય.’ ને બેબી વાદળ તો ગડબડ ગડબડ ગબડતું ગબડતું મોજથી નીચે આવતું રહ્યું.

     બેબી વાદળના પપ્પાએ એને એડ્રેસ તો આપેલું પણ કોઈ જગ્યાએ એને ચશ્માંએ અટકાવ્યું તો કોઈ જગ્યાએ કૉન્ટેક્ટ લેન્સ નડી ગયાં, એટલે સાદીસીધી કોરી આંખ શોધતાં એને બહુ વાર લાગી. એક ઘરની બહાર એક માણસપપ્પા ઊભેલા જોયા ને બેબી વાદળ તો એમની આંખમાં કૂદીને છુપાઈ ગયું.

     માણસપપ્પાને અચાનક જ આંખમાં કંઈ ઝાંખું ઝાંખું લાગ્યું ને પછી ડબક ડબક થયું પણ એમને સમજ ન પડી, (પહેલી વાર જ થયું હતું ને !) એટલે એ તો ઘરમાં જતા રહ્યા. ઘરમાં તો ટીવીની સામે બેસીને મમ્મી ને દીકરી ડબક ડબક બોરાં પાડતાં હતાં. ત્યાં સાથે પપ્પા પણ ભળી ગયા ને ત્રણેય જણ ડબક ડબક, બોર બોર આંસુએ રોયાં ! બેબી વાદળને તો ઘડી ઘડી આંખની બહાર ડોકાવાની મજા પડી ગઈ. ટીવી જોવાનું મળે ને રોજ રાત્રે ભરપૂર આરામ મળે. દિવસના પણ ખાસ કંઈ કામ નહીં. જ્યારે ટીવી ચાલે ને જાતજાતની સિરિયલો આવે ત્યારે મા–દીકરીની આંખો ઝગારા મારવા માંડે કે વાદળે પપ્પાની આંખની બહાર આવી દોડમદોડ કરવા માંડવાની.

     જોકે પપ્પાની આંખમાં વાદળ આવવાથી મમ્મી અને દીકરીને તો મજા પડી ગઈ. જેવા પપ્પા ડબક ડબક ચાલુ કરે કે મા–દીકરી મરક મરક ને પછી ખડખડ ખડખડ ખડખડ ખડખડ. તેમ તેમ પપ્પા ડબક ડબક ! સિરિયલમાં સાસુ વહુને ચીમટો ભરે કે પછી વહુ સાસુની સામે એલફેલ બોલે કે પપ્પાની આંખો વરસી પડે. બેબી વાદળના રહેવાથી પપ્પાનું દિલ પણ નાજુક થઈ ગયું, બીકણ બની ગયું. હૉરર શૉ જોતી વખતે તો પપ્પા સોફામાં પગ ઊંચા લઈ લે, બંને કાન પર અંગૂઠા દાબી દે અને આંગળીઓના પડદાની આડશે ટીવી જુએ. ટીવી પર બિલાડી કે મીણબત્તી દેખાય ને પપ્પાના હ્રદયના ધબકારા વધી જાય. મમ્મી ને દીકરી મળી પપ્પાને ચીડવે તો પપ્પા રિસાઈને આંખમાં વાદળને ઊંચકી ચાલતી પકડે. સીધા જ બેડરૂમમાં જઈ પલંગમાં પડતું મૂકે ને વાદળ તો તકિયાનું કવર ભીંજવી કાઢે.

       મા–દીકરીને તો જાણે સોનાનો સુરજ ઊગ્યો ! પપ્પાને અચાનક જ આ શું થઈ ગયું ? આમ કેમ કરે છે ? બિચારાની હાલત તો જુઓ. આખી બાજી પલટાઈને એમના હાથમાં આવી ગઈ હતી, આવો ચાન્સ છોડાય ? તોય ગભરાતાં ગભરાતાં શરુઆતના દિવસોમાં, આદત મુજબ મમ્મી ને દીકરીએ ડબકવાળી કરીને પપ્પા પાસે પૈસા કઢાવવાની જૂની ટ્રિક વાપરેલી પણ ઊલટાનું સામે પક્ષે પપ્પા તો બેબી વાદળના સહારે પોસપોસ આંસુએ રોવા માંડ્યા ને મા–દીકરી હતપ્રભ !

     હવે બંને જોગણીઓએ ડબકવેડાં છોડી અવાજમાં જરા જરા કરડાકી લાવવા માંડી. બે વાર ઊંચે સાદે બોલે કે, પપ્પાને લાગે ખોટું ને બેબી વાદળ તો ટાંપીને જ બેઠું હોય. આંખની બહાર કૂદમકૂદ કરીને ગાલ પર સીધી લસરપટી જ ખાઈ લેવાની. પપ્પાની આંખો તો, આંખમાં કંકુના સૂરજ આથમ્યા હોય એવી લાલમલાલ!

     જૂનના પહેલા વીકમાં જ, વાદળનાં મમ્મી–પપ્પા ત્રણચાર મહિનાની તૈયારી સાથે ભારતમાં ઊતરી પડ્યાં. આખા ભારતમાં ફરી વળ્યાં, ત્રણ મહિના પૂરા થયા– સપ્ટેમ્બર અડધે પહોંચ્યો તોય એમનું બેબી વાદળ કશે નજરે ન ચડ્યું. અણસાર સુધ્ધાં નહીં ને ! આખરે થાકી–હારીને એક બગીચામાં એ લોકો પોતાનાં કપડાં નિચોવીને બાંકડે બેઠાં હતાં કે, બાજુને બાંકડે એક પુરુષને ડબક ડબક રડતો જોયો. નજીક ગયાં તો પેલા દુ:ખી જીવની આંખમાં એમનું તોફાની બેબી મસ્તી કરતું દેખાયું. બંનેએ એને બહુ બોલાવ્યું, વહાલથી ને ધમકાવીને પણ. પણ એ તો આંખને ખૂણે લપાઈને બેસી ગયું. બંનેને નવાઈ લાગી. લોકો તો વાદળ ઉપર સવાર થઈને આકાશમાં ફરવાનાં સપનાં જુએ અને આ અમારું બેટું ! એક જ જગ્યાએ બોર નથી થતું ? બેબીએ તો કહી દીધું, ‘મને ટીવી જોવાની બહુ મજા આવે છે. હું ગમે ત્યારે અંદર–બહાર આવું જાઉં, નાચું–કૂદું મને કોઈ રોકટોક નથી. મારે નથી આવવું. ’

     પણ એ તો મમ્મી–પપ્પાનું એકનું એક બેબી ! એ લોકો તો જબરદસ્તીથી બેબી વાદળને ઊંચકીને લઈ ગયાં, ‘આવતે વર્ષે પાછું આવજે બસ ?’ ‘પણ મારી બધી સિરિયલ અડધી રહી જશે.’ ‘ના–ના. આવતા વર્ષે તો હજી તારે વધારે કામ કરવું પડશે. તું અમારી જેમ મોટું પણ થશે ને ઘરડું પણ થશે ને, તો પણ આ બધી સિરિયલો તો ચાલુ જ રહેવાની. એટલે બહુ અફસોસ કરવા જેવો નથી. ’ બેબી વાદળ તો માની ગયું ને હરખાતું હરખાતું પપ્પાને ખભે ચડી, પપ્પાના વાળ પકડી ખેંચવા માંડ્યું.

     બેબી વાદળની વિદાય થતાં જ, અચાનક જ પપ્પાની કોરીધાકોર આંખોમાંથી કંકુ ખરી ગયું ને સૂરજની રોશની પ્રગટી. મગજ ફાટફાટ થવા માંડ્યું, કમર ટટાર ને પગમાં જોર ! ઘર તરફ એક વાવાઝોડું ધસી રહ્યું હતું ! મા–દીકરી હવે દર વર્ષે બેબી વાદળની રાહ જોશે.

      -    કલ્પના દેસાઈ

નોંધ -

    કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.