હૃદયાંજલિ

       આજે જ મારા એક અંગત મિત્ર સાથે વાત થઈ રહી હતી. હમણાં જ સાવ જ નજીકના ભૂતકાળમાં એમણે એમના મા કે જેની સાથે આપણું અસ્તિત્વનું અણુ એ અણુ જોડાયેલું છે એમને ગુમાવ્યા . માની વિદાય એટલે જાણે આપણી ચેતનાનું ખોરવાઇ જવું. ક્ષણભર  આપણી ચેતના બધિર ન બની જાય તો જ નવાઇ.

     

 

       સૌ એમ જ માને અને એમ જ કહેતા હોય કે, 'જે ગયું છે એની પાછળ વિલાપ કરીએ તો એના આત્માને દુઃખ થાય.' અવશ્ય દુઃખ થતું ય હશે પણ એથી કરીને આપણે આપણી સંવેદનાઓ, આપણી ચેતનાને શા માટે મુક-બધિર બનાવવી ? મા કે કોઇપણ સ્વજન માટે આંખમાંથી રેલાતા આંસુ એ એક સહજ અને સ્વભાવિક પ્રતિક્રિયા છે. એને શા માટે રોકી લેવી? આંસુ તો એમના પર કરેલો લાગણીનો અભિષેક છે. સંસ્મરણોની સ્મૃતિની માળ પ્રબળતમ બનીને સંવેદનથી છલકાવે ત્યારે જ આંસુ  આવતા હોય છે આમ જોવા જઈએ તો આંસુ આપણાં અંતરમાં, એમનું સન્માનનીય સ્થાન સુરક્ષિત રાખે છે

      સૌ કહે છે અને સદીઓથી સ્વીકારાયેલું સત્ય છે કે,  જે આવ્યું છે એ એક દિવસ જવાનું જ છે. આત્મા અવિનાશી છે  નજર સામે હતું એ તો માત્ર ખોળિયું હતું જે નાશવંત છે.' આ સત્યની સામે એક બીજું સત્ય એ પણ છે કે આપણે મનથી તો આપણી નજર સામે જીવી ગયેલા એ તન સાથે જ જોડાયેલા હતા ને! જેને હવે આપણે ક્યારેય જોઇ કે મળી શકવાના નથી.

        આપણે એને જોઇ કે મળી તો શકવાના નથી જ પણ એની સાથે જીવેલી ક્ષણોને તો આપણે નવેસરથી ફરી જીવી જ શકીએ ને? એ વ્યક્તિને આપણા મનમાં સદાય જીવંત તો રાખી શકીએ ને? અને એ તો કેટલી સરળ વાત છે !

      મારી મા ને ગમતી દરેક વસ્તુ હું એની રીતે કરી જ શકું ને? કોઇના મનમાં એવો વિચાર આવે કે, 'મા ને લાડુ બહુ ભાવતા હતા એટલે મેં તો લાડુ આખી જીંદગી માટે છોડી દીધા.'  ભાઇ ! શા માટે?  એના કરતાં મા ને લાડુ બહુ ભાવતા હતા તો એને યાદ કરીને આપણે લાડુ ખાઇએ આપણે ય એનો રાજીપો જરૂર અનુભવીશું. લાડુ તો એક પ્રતીક છે. ખરેખર તો આપણે એવા દરેક કાર્ય કરી શકીએ જે એમને પસંદ હતા. આજે એ આપણી સાથે હોત અને એવું આપણે શું કરીએ તો એ ખુશ થાય ? આજે એ આપણી સાથે નથી તો શું થયું એમની યાદ તો આપણી સાથે આપણા મન સાથે જડાયેલી તો છે જ ને?

      હ્રદય મનમાં શોક કે સંતાપ છે એ કંઇ એકદમ વિખેરાઇ જવાનો નથી અને આપણે એમને સતત યાદ કરીએ તો એમાં કશું ખોટું પણ નથી. હમણા બે એરિયામાં દાદાના નામે ઓળખાતા શ્રી હરિક્રિષ્ણ મજમુંદારનું દેહાવસાન થયું. એમના પરિવારજનો એ એમની યાદમાં — Remembering Harikrishna Majamundar- “Celebration of Life” નામની એક સાંજ ઉજવી. કેટલી સરસ વાત ! જે વ્યક્તિએ પોતાના સમગ્ર જીવનની એક એક ઘટના યાદગાર પ્રસંગની જેમ જીવી હોય અને લોકમાનસમાં પણ  એની યાદ એવી જ રીતે જડાયેલી રહેવાની હોય એમાં શોકસભા કે પ્રાર્થના સભા તો ન જ હોય. એમની યાદ પણ એક ઉત્સવની જેમ જ ઉજવવાની હોય ને?

   તનથી વિખૂટા પડેલા સદગત આત્માના સદવિચારોને સાચા મનથી સ્વીકારીને અને સદકાર્યોને આપણા જીવનમાં અપનાવીને પણા અમર રાખી શકીએ તો એ સાચું તર્પણ કર્યું કહેવાય.

- રાજુલ કૌશિક

c08446e4f9b7e7f4a0febd58da14845b.jpg
CEm6Nr2UUAA8ddd.jpg

3 thoughts on “હૃદયાંજલિ”

  1. રાજુલબેને સાદા શબ્દોમાં સચોટ વાત કહી અને તેને દેવીકાબેનનો સાથ મળ્યો.

  2. Well said…
    “તનથી વિખૂટા પડેલા સદગત આત્માના સદવિચારોને સાચા મનથી સ્વીકારીને અને સદકાર્યોને આપણા જીવનમાં અપનાવીને પણા અમર રાખી શકીએ તો એ સાચું તર્પણ કર્યું કહેવાય.”

  3. Very well said “
    તનથી વિખૂટા પડેલા સદગત આત્માના સદવિચારોને સાચા મનથી સ્વીકારીને અને સદકાર્યોને આપણા જીવનમાં અપનાવીને પણા અમર રાખી શકીએ તો એ સાચું તર્પણ કર્યું કહેવાય.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *