સાચાહાડના શિક્ષક : ફાજલભાઈ

સાભાર - શ્રી. ઉત્તમ ગજ્જર, ડૉ. બળદેવ ભક્ત ( કામરેજ)

     ફાજલભાઈનો નિકટ પરિચય હું આંબલા લોકશાળામાં શિક્ષક તરીકે દોઢ વરસ રહ્યો ત્યારે થયો. ત્યારે તેઓ ગ્રામદક્ષિણામૂર્તિ - આંબલાની પ્રાથમિક શાળાના આચાર્ય હતા. એમનો પહેરવેશ એકધારો – ખાદીનાં સફેદ લેંઘો–કફની. એમની ચાલ એકધારી – શાંત અને દૃઢ. એમની કામગીરી એકધારી – શાળામાં એટલા ખૂંપી જવું કે, ઘર–પરિવાર ભુલાઈ જાય. એમની દૃષ્ટિ એકધારી – વડીલો પાસેથી શીખતા રહેવું અને પોતાની દૃષ્ટિએ એને શાળામાં યોજતાં રહેવું. એમની ભાવના એકધારી – શાળામાં આવતાં બાળકો(સધ્ધર કે સાધારણ, ઉજળિયાત કે અસ્પૃશ્ય)ને સમાન પ્રેમ આપવો, સમાન કાળજી લેવી. એમનો સંતોષ એકધારો – પોતે કાંઈ બહુ જ્ઞાની નહીં; પણ સમજણ પાકી. એ મુજબ કાર્ય કરવું. કામની મોટાઈ રાખવી નહીં. સૌ સાથે મીઠપથી વર્તવું. ટુંકા પગારમાં પણ તૃપ્તિનો ઓડકાર ખાતાં રહેવું.

      હું લોકભારતીમાં અધ્યાપક બન્યો. ફાજલભાઈનો પરિચય વધતો ગયો, તેમ તેમ ઉપરનાં ગુણલક્ષણોનો વધુ ને વધુ પરિચય થતો ગયો. મને જિજ્ઞાસા પણ ખરી કે પ્રાથમિક શાળાના એક શિક્ષકમાં આ બધું આવ્યું કેવી રીતે? એટલે એમનાં મૂળિયાંને પોષણ આપતાં તત્ત્વોમાં રસ પડ્યો. જન્મ તા.  ૨૯, એપ્રિલ - ૧૯૩૭ . પાંચ વરસની વયે માતૃત્વ છીનવાયું. પણ કુટમ્બ પ્રેમસભર. દાદા સાલેહભાઈ ચોકીદાર – પ્રામાણિક અને પરગજુ. એમનો સ્નેહ ફાજલભાઈને મળ્યો. પિતા વલીભાઈ ચૌહાણ .

     સમઢીયાળા(મુલાણીના)માં શિક્ષક હતા. જૂના જમાનાના; પણ વિષયમાં તૈયાર, વિદ્યાર્થી વત્સલ. આર્થિક સ્થિતિ સાધારણ. પગાર તો તે કાળે કહેવા પૂરતો. પિતાના મનમાં ભણતરની કિમત ઊંચી. બન્ને દીકરાને ભણાવ્યા. સાચી રીતે ઘડાય માટે લોકભારતીની પીટીસીમાં ભણવા મોકલ્યા.

      લોકભારતીના ગુરુજનો અને વાતાવરણે ફાજલભાઈના ડીએનએમાં જ કેટલુંક દાખલ કરી દીધું. વિદ્યાર્થીઓ સાથે સહજ સમ્બન્ધ, નવા નવા પ્રયોગો કરવા, વિષયશિક્ષણ જેટલું જ મહત્ત્વ ઈતર તમામ પ્રવૃત્તિઓને આપવું અને ગામ સાથે ગાઢ સમ્બન્ધ રાખવો. આ બધું જાળવવું હોય તો જ્યાં રહેતા હોઈએ તેને જ વતન ગણીને રહેવું. આ બધું મનમાં એવું બેઠું કે આંબલા ગામ તેમનું વતન બની ગયું. ૧૯૫૫ થી ૧૯૯૫  સુધી આંબલા પ્રાથમિક શાળામાં કામ કર્યું.

     આંબલા પ્રાથમિક શાળા એ કાળે જીલ્લા પંચાયત દ્વારા ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાને સોંપાયેલી પ્રયોગશીલ શાળા હતી. માર્ગદર્શક હતા અનીલભાઈ ભટ્ટ – આંતરસૂઝવાળા, પ્રયોગશીલ કેળવણીકાર. અનીલભાઈને વિચાર આવે તેને ફાજલભાઈ ભોંય પર ઊતારે. છગનભાઈ, પ્રેમજીભાઈ સૌ સાથે હોય. દેશમાં નઈ તાલીમ શાળાના પ્રવેશદ્વારનાં બૉર્ડમાં સંકોડાઈ ગઈ હતી ત્યારે એ આંબલામાં સોળે કળાએ ખીલેલી હતી. શિક્ષક–વિદ્યાર્થીના આત્મીય સમ્બન્ધમાંથી જન્મેલું મોકળાશભર્યું સ્વતંત્ર વાતાવરણ આંબલામાં મહોર્યું હતું. દેશમાં નઈ તાલીમની ગતિ–સ્થિતિથી વ્યથિત ઉપરાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેને આંબલાનું કામ જોયું, મનુભાઈ પંચોલી અને અનીલભાઈની સાથે વાતો કરતાં પૂછ્યું કે, ‘અહીં આચાર્ય કોણ છે?’ ફાજલભાઈના ફળિયામાં વૃક્ષ નીચે કાથીના ખાટલામાં પાથરેલ ગોદડા પર બેસીને ઝાકીરહુસેનજી ફાજલભાઈનાં પત્ની જેનુબહેનના હાથના રોટલા, દહીં, પાપડ અને કચુમ્બર ખાતા હતા. ફાજલભાઈ મહેમાનની સરભરામાં હતા. મનુભાઈએ ઓળખાણ કરાવી – ‘આ અમારા ફાજલભાઈ. અહીંનું બધું જુએ છે.’ ઝાકીરહુસેનજી પ્રસન્ન થયા, ‘નઈ તાલીમ અહીં જીવે છે’ એવું પ્રમાણપત્ર આપ્યું. ફાજલભાઈ આમેય, પડદા પાછળના જીવ. એટલું માંડ બોલ્યા કે,

‘બનતા હૈ ઉતના કરતા હું.’

     ફાજલભાઈ, ભાઈઓ અને પરિવારને ભણાવવામાં સતત ખેંચમાં રહ્યા; પરન્તુ તમામને તેમના જોગ અનુકૂળતા કરી આપતા. તો ગામના, આર્થિક રીતે પોસાણવાળા નહીં એવા વિદ્યાર્થીનું ભણતર અટકે નહીં,  તે માટે આંગળી ચીંધવાનું પુણ્ય લેતા રહ્યા. ગામ લોકોને વિશ્વાસ તો એવો હતો કે, કોઈના કુટુમ્બમાં વાંકું પડે તો ફાજલભાઈને બોલાવે. ફાજલભાઈ કોઠાસુઝવાળા. ખાનગી ખૂણે બે વેણ કહી પણ શકે. સૌનું સન્માન જળવાય એવો રસ્તો ચીંધે. સરખું થાય એટલે પોતે ખસી જાય. પોતે ભલા અને પોતાની શાળા ભલી.

      આંબલાના કામે તેમને ભરપૂર તૃપ્તિ આપી. ગામ પણ તેમનાં દીકરા–દીકરીનાં લગ્નમાં પોતાનાં ગણી પડખે રહ્યું. પરન્તુ નિવૃત્તિ વખતે કાંઈ ઝાઝી બચત નહીં. સંસ્થાનું મકાન છોડવાનું હતું. જેનુબહેને એમનો સંસાર સહજ–સરળ વહેવા દીધો હતો. નિવૃત્તિ પછી પોતાને માટે પડતર જગ્યામાં ઝુંપડી જેવું મકાન બનાવી રહ્યા, એ પણ એટલું જ સાહજિક. એમાં માંદગી ખબર લઈ ગઈ. આ બધા વચ્ચે ઉપયોગી થવાય ત્યાં થતા રહ્યા. ફાજલભાઈ કદી ‘ફાજલ’ બેસે નહીં.

    ૨૦૦૦ની સાલમાં મેહુરભાઈ લવતુકાને વળાવડ(શિહોર નજીક)માં કન્યાવિદ્યાલય ખોલવાનું મન થયું. બહેનોની નિવાસીશાળા ચલાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું. લોકોની નજર સાંકડી. કાંઈક બને, તો હજાર ગણું મોટું થઈને વગોવણી થાય. મેહુરભાઈનું ધ્યાન ફાજલભાઈ ઉપર. તેણે શરત કરી કે, ‘તમે પલાંઠી વાળીને બેસો, બાકીની બધી જવાબદારી મારી.’ આજે પંદર વરસમાં વળાવડનું કન્યાવિદ્યાલય અનેક દૃષ્ટિએ કેવળ તાલુકાનું જ નહી; જિલ્લાના મહત્ત્વનાં કન્યાવિદ્યાલયની પ્રતિષ્ઠા પામ્યું છે. આચાર્ય અમીનભાઈ ચૌહાણ આંબલા–લોકભારતીના અને ફાજલભાઈના કેળવણી સંસ્કાર પામેલા છે.

     ફાજલભાઈ પાસે જિંદગીના અનુભવની મૂડી છે, મેહુરભાઈનો સાથ છે. તેમણે વૃક્ષો ઉછેર્યાં, ગૌશાળામાં વાછરડાં ઉછેર્યાં તેમ એ કન્યાઓની ભાવનાને પોષણ આપીને ઉછેરી છે. હવે તો એ ‘ફાજલદાદા’ તરીકે ઓળખાય છે. વિદ્યાલયની  ૩૦૦ જેટલી દીકરીઓને તેમનામાં ‘દાદા’નો અનુભવ થાય છે. એ દીકરીઓ આત્મવિશ્વાસ, નરવી સમજ અને સ્વાવલંબનના સંસ્કાર લઈને જાય છે.

     વારસો શિક્ષણનો હોય એવું અનેકમાં હોય છે; પરન્તુ એનો વિકાસ કરવો એ પોતીકો પુરુષાર્થ છે, તપ છે. ફાજલભાઈએ મોટાઈના ભાર વિના મોટાં કામો કર્યાં છે, કરતા રહે છે. આઠ દાયકાની લાંબી જીવનયાત્રામાં માતૃસંસ્થા લોકભારતીએ ‘ઉત્તમ ભુતપુર્વ વિદ્યાર્થી’ તરીકે તેમનું ગૌરવ કર્યું છે; તો ‘અખિલ ગુજરાત સિપાહી સંસ્થા’ના પ્રમુખ તરીકે અને ભાવનગર જિલ્લા ‘પેન્શનમંડળ’ના અગ્રણી તરીકે તેમનું સન્માન થયેલું છે. પરન્તુ ફાજલભાઈને તો પોતાનું ‘કામઢાપણું’ જ સન્માન છે. હવે શરીરને થોડી અસરો આવી છે; પણ મન હજી સ્ફૂર્તિભર્યું છે. અનુજોનાં નવાં આયોજનોમાં એમની ‘હા’ આશીર્વાદ જેવી બની જાય છે.

     ફાજલભાઈને પુછવામાં આવેલું કે, ‘કુટુમ્બની જવાબદારી, નહીંવત્ બચત, માંદગી, આ બધામાંથી તમે કેવી રીતે પાર ઊતર્યા? એમનો જવાબ ટુંકો; પણ એમને ઓળખાવે તેવો હતો :

‘ખુદાને ભરોસે નાવ તરતી મુકી હતી. એમણે તરતી રાખી છે.’

    એમની આ શ્રદ્ધા ફલવતી બની છે. એટલે એમને ખાધેલું પચે છે, રાતે નિરાંતની ઊંઘ આવે છે અને સવારે ઉઠે ત્યારે સ્ફૂર્તિથી ભરેલા હોય છે.

     દરેક શાળાને આવા ફાજલભાઈ મળવા જોઈએ. તો ભારતીય કેળવણીનો ચહેરો બદલાઈ જાય.

–શ્રી.  મનસુખ સલ્લા

(જાન્યુઆરી - ૨૦૧૭ ના ‘અખંડ આનંદ ’ માસિકમાંથી )

‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’- પુસ્તક પરિચય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *