જાતે ઊપાડેલી જવાબદારી

 -    છાયા ઉપાધ્યાય

      (શિક્ષિકા, આનંદ કન્યાશાળા, ચિખોદરા, આણંદ)   

     બાળ સંસદની ચૂંટણીની જાહેરાત થઈ ગયેલી. નામાંકન પત્ર ભરવાના દિવસે ય તેણે નામ ના નોંધાવ્યું. શિક્ષકને નવાઈ લાગી એટલે પૂછ્યું પણ ખરું. કહે, "બસ, મન નથી."

    બીજે દિવસે આવતા વેંત કહે, "મારે ઊભા રહેવું છે ચૂંટણીમાં." વીટો વાપરી એનું નામ શામેલ કરી શકાય. પણ, એમ કરવું યોગ્ય ના લાગ્યું. થયું, "ચલો, એ બહાને તેને 'યોગ્ય સમય'નો ખ્યાલ આવશે." તેને કહ્યું, "કામ તો છે જ ઘણા. તું વર્ગના કામમાં લીડરશીપ લેજે."

     તે ખૂબ ચંચળ અને ઉત્સાહી છે. નૉટની જાળવણી કે અક્ષરના ઠેકાણાં નહીં. આખાબોલી ય ખરી કારણકે, દુનિયાદારી પ્રવેશી નથી. ઘણીવાર એ અમારી 'તારણહાર' બની છે. જ્યારે અને જે કોઈ ના બોલે, ત્યારે તેણે તે બોલીને 'આબરુ' સાચવી છે.

      ચૂંટણી પત્યે મંત્રી મંડળની બેઠક અને ખાતા વહેંચણી અને ખાતાના કાર્ય અને 'ક્ષેત્રો' એમ બધું ક્રમશઃ ગોઠવાતું ગયું. જન્મદિવસ ઉજવણી માટે કાર્ડ બનાવવું, આજે કોનો જન્મ દિવસ છે, તે નામ યાદીમાંથી તૈયાર રાખવું, કાર્ડ પર સંબંધિત વિદ્યાર્થીના નામનો અર્થ અને શુભેચ્છા સંદેશ લખાવવો અને સંબંધિત વિદ્યાર્થીને તે કાર્ડ પહોંચે તે જોવું - એ ' સાંસ્કૃતિક સમિતિ' નું કાર્ય ક્ષેત્ર.

      કાર્ડની ડિઝાઈન બદલીએ,  એ હેતુથી સ્કુલ ખુલતામાં જ,  મોબાઈલ પરથી નવી જાતનું કાર્ડ બનાવતાં તે શીખી ગઈ હતી. એટલે તેણે જ કાર્ડ બનાવવાની જવાબદારી લઈ રાખેલી અને એમાંથી એ ખસી નહીં. ચૂંટણી ઘટના પછી તેણે કાર્ડ સંબંધી જવાબદારીઓ ક્રમશઃ ઉપાડી લીધી. તેના નસીબે, સાંસ્કૃતિક મંત્રી થોડા ઢીલા પણ પડ્યા.

 તેણે પોતાના માટે ક્ષેત્ર બનાવી લીધું, ચૂંટણી વગર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.