બાળકોની સાથે સાથે – ૧

- જયશ્રી મર્ચન્ટ 

    ખૂબ વ્હાલાં બાળમિત્રો, આજે મારે આપની સાથે એક સરસ મુસાફરી કરવી છે. આ સફર છે મારા બાળકોના બાળપણને યાદ કરવાની. આ યાદોને તમારા સહુની સાથે વહેંચવાની મને ખૂબ મજા આવશે. અને આશા રાખું કે તમને સહુને પણ મજા આવે. આજે, પાંચ-છ વરસના બાળકો, જે પહેલા ધોરણમાં ભણતા હશે એમને થતું હશે એ જલદી જલદી એટલા મોટા થાય કે પ્રાથમિક શાળામાંથી પાસ થઈને પાંચમા ધોરણમાં ભણવા જાય! આવું જ પાંચમા ધોરણમાં ભણતા બાળકોને થતું હશે કે મીડલ સ્કૂલના ધોરણો પૂરા કરીને એ જલદીથી હાઈસ્કૂલમાં ભણવા જાય! સાચું કહું તો આ વાત આજથી ૬૫ વરસો પહેલાં જ્યારે હું મોટી થતી હતી ભારતમાં, ત્યારે પણ સાચી હતી અને આજે મારા સંતાનોના સંતાનો અમેરિકામાં મોટાં થઈ રહ્યાં છે, ત્યારે પણ એટલી જ સાચી છે. જો કે, એવાંય કેટલાક બાળકો છે જેમને ભણીને મોટાં થઈ જવાની કોઈ જલદી નથી હોતી. આજે તમને આવા બાળકોની મારી આપવીતીની હળવી વાત કહેવી છે.

    અમે છેલ્લાં ૪૧ વરસોથી અમેરિકા રહીએ છીએ. હાલમાં, હું પણ મારા દિકરા સાથે, અમેરિકામાં રહું છું. મારા સાડા ત્રણ વરસના પૌત્રને ભણવું નથી ગમતું. એને “એ બી સી ડી” લખતાં શીખવવાનું અમને સહુને ઘરમાં બહુ જ ભારે પડતું હતું. એને બધા જ અક્ષરો અને આંકડા વાંચતા આવડે પણ લખવાનું જરાય ગમતું નહોતું. એક દિવસ મેં એને અંગ્રેજીમાં પૂછ્યું, “બેટા, તને એવું નથી થતું કે તારા મોટા ભાઈની જેમ તું પણ સરસ વાંચે –લખે અને પહેલા ધોરણમાં જાય?” એણે એકદમ નિર્દોષતાથી અંગ્રેજીમાં જ કહ્યું, “દાદી, પહેલા ધોરણમાં જ નહીં, હું તો દીદીની જેમ કોલેજમાં પણ જવા તૈયાર છું! પણ, મારે લખવાનું ભણવું નથી. શું કોલેજમાં લખ્યા વિના જઈ શકાય?”

    હું હસી પડી અને એને વ્હાલ કરીને કહ્યું, “દિકરા, તારા પપ્પાએ આજથી ચાળીસ સાલ પહેલાં, એ જ્યારે સાડા ત્રણ વરસનો હતો ત્યારે, આવું જ કઈંક કહ્યું હતું. પણ, પછી તો એ લખવાનું શીખ્યો ને ખૂબ ભણ્યો. તને ખબર છે કેવી રીતે એ લખતા શીખ્યો?” એણે માથું ધૂણાવીને “ના” પાડી.

     મેં એને મારા ખોળામાં બેસાડીને કહ્યું, “તારા પપ્પા કેવી રીતે લખતા શીખ્યા એ “મેજિક” “ટોપ સિક્રેટ” રાખે તો જ કહું.” એ તો ખોળામાંથી કૂદીને મારી સામે ઊભો રહીને કહે, “ગોડ પ્રોમિસ”!” મેં એને કહ્યું, “જા તું તારી રફ નોટબુક લઈ આવ અને સાથે એક પેન્સિલ, કલર પેન્સિલો, ઈરેઝર – રબ્બર લેતો આવજે. મેં તારા પપ્પાને શીખવાડ્યું હતું, એ જાદુ તને શીખવું.”

     એ તો એટલો ખુશ થઈ ગયો કે આજે એને મેજિક શીખવા મળશે. એ દોડતો એના રૂમમાં ગયો અને એની રફ નોટબુક, પેન્સિલ અને રબ્બર લઈ આવ્યો. મેં એની રફ નોટબુક લીધી અને એને પૂછ્યું, “તને ક્યો કલર ખૂબ ગમે?”

    એ બોલ્યો, “બ્લ્યુ.” મેં એને કહ્યું, “તું સ્લાઈડ - લસરપટ્ટી કરે છે, એવી એક ઉપરથી નીચે જતી હોય તેવી લીટી – લાઈન આ બ્લ્યુ- ભૂરી પેન્સિલથી હું બનાવું છું. તું મને એક મદદ કરીશ? જ્યારે હું આ લસરપટ્ટી - સ્લાઈડીંગ લાઈન બનાવું ત્યારે મારી હથેલી પકડીશ, જેથી મારો હાથ હલી ન જાય?” એ તો ખૂબ ખુશ થઈ ગયો. “જરૂર દાદી.” અમે સાથે એક એવી લીટી બનાવી.

      પછી મેં એને કહ્યું, ‘બીજો ક્યો કલર તને ગમે?” તો એ બોલ્યો, “ગ્રીન.” મેં ગ્રીન પેન્સિલ લીધી અને કહે હવે આપણે આવી જ એક લીલી સ્લાઈડીંગ લીટી આ પહેલી બ્લ્યુ લીટીને ઉપરથી જોડીને બનાવીએ?”

     એણે માથું ધૂણાવીને હા પાડી. મેં જેવી ગ્રીન-લીલી કલર પેન્સિલ લીધી કે એણે મારી હથેલી પૂછ્યા વિના પકડી લીધી. મેં કશું કહ્યા વિના લીલી લાઈન, ભૂરી લાઈનને ઉપરથી જોડે એમ બનાવી.

     એ લાઈન બની ગઈ પછી એ બોલ્યો, “આ બેઉ લાઈનને નીચેથી જોડી દઈએ તો ત્રિકોણ બને, અને વચ્ચે એક લાઈન કરીએ તો “A” – અંગ્રેજી અક્ષર ‘એ” બને, તને ખબર છે દાદી?”

    હું હસી અને બોલી, “વાહ, તને તો કેટલું બધું આવડે છે? તારે ત્રિકોણ બનાવવો છે તો આપણે એ બનાવીએ. “એ” પછી લખીશું.“ તો, મને જવાબ આપ્યા વિના એણે લાલ રંગની પેન્સિલ લઈને,  વચ્ચે લીટી પોતે જ દોરી દીધી અને કહે, “મલ્ટી કલર (રંગબેરંગી) ‘એ”. કેવો સરસ લાગે છે!”

     પછી તો મેં ઉદાહરણો આપીને દેખાડ્યું કે “એ, બી, સી, ડી” અક્ષરો બીજું કઈં જ નથી પણ લાઈનો, સર્કલ (વર્તુળાકાર), હાફ સર્કલ (અર્ધ વર્તુળકાર), ડોટ (ટપકું) અને વળાંકવાળી લાઈનોના જાદુ સિવાય બીજું કઈં જ નથી. વળાંક વાળી લાઈનો કે અંગ્રેજી અક્ષર “J -જે” વગેરેમાં આવે છે, એ લખતી વખતે “ટ્વીંગ” કરીને મેં અવાજ કર્યો તો ખૂબ જ હસ્યો.

     મેં એને કહ્યું, “હવે આ “ટ્વીંગ” મેજિક તને આવડે છે તો, જે પણ અક્ષરો તારે અલગઅલગ કલરમાં લખવા હોય તે લખ. આપણે તારા મમ્મી-પપ્પા ઓફિસથી આવશે તો તારી લખેલા અક્ષરો બતાવીને એમને જાદુનો કમાલ બતાવીશું.” તમે માનો કે ન માનો, પણ જે છોકરો, એક અક્ષર પણ લખવા તૈયાર નહોતો થતો, એણે ખંતથી, (જોકે લાઈનો અને સર્કલ–હાફ સર્કલના આકાર એકસરખા નહોતા) પૂરી એ, બી સી, ડી લખી.

                તમને એક મજાની વાત કહું? ૭૦ વરસે મને એવો વિચાર આવે છે કે હું મારા પૌત્રની ઉંમરની થઈ જાઉં તો કેટલી મજા આવે! 


નોંધ - નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

Video embed code not specified.
-- --

5 thoughts on “બાળકોની સાથે સાથે – ૧”

  1. જયશ્રી બહેન
    તમે તો મારી મા વીણાબહેનની ઉમરનાં.
    પ્રણામ સાથે – ઈ-વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારા અનુભવે મારી જિના અને વિરાજને ભણાવતી વખતના અનુભવોને તાજા કરી દીધા.
    અમને તમારી પાસેથી ઘણું શીખવા મળશે.

  2. બાળ માનસને પોરસ ચડાવી, સહજતાથી અભ્યાસમાં રત કરતી, વાત ખૂબ જ ગમી…ઈ વિદ્યાલયને અજવાસથી મઢી દીધું…સુશ્રી જયશ્રીબેન

    ખૂબ ખૂબ અભિનંદન

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *