બાળકોની સાથે સાથે- ૩

- જયશ્રી મર્ચન્ટ

     મારાં વ્હાલાં બાળમિત્રો,

      મને યાદ છે ત્યાં સુધી, તે દિવસે મારો તેરમો જન્મદિન હતો, જેને આજની ભાષામાં કહીએ, તો હું હવે કાયદેસર “ટીન-એજ” નો ઊંબરો વટાવવાની હતી. આ વાત આજથી છપ્પન- સત્તાવન વર્ષો પહેલાંની છે. એ સમયે, જે દિવસે જન્મદિન હોય તે જ દિવસે એની ઉજવણી થતી.

    આજથી સાત-આઠ દસકા પહેલાં, બહેનો અને માતાઓ બહાર આજીવિકા રળવા નહોતાં જતાં. આજે તો સ્ત્રીઓ પણ ખભેખભો મિલાવી, ઘરની પરિસ્થિતિ પ્રમાણે બહાર કામ કરવા જતી હોય છે, આથી જન્મદિવસની ઉજવણી આગળ-પાછળ ગોઠવી પડે છે. તમે સહુએ આ અનુભવ્યું હશે કે આજકાલ, જન્મદિન પહેલાંનો કે પછીનો, જે “વીકએન્ડ”- શુક્ર-શનિ-રવિ આવે, એમાંથી કોઈ એક અનુકૂળ દિવસે બર્થ ડે ની ઉજવણી કરવામાં આવે છે. ધીમે ધીમે, ભારતમાં પણ, પરદેશની રીતે જન્મદિન મનાવવાના આચાર-વિચારો બદલાવવા માંડ્યાં છે.

     ક્યારેક આપણે એવું માની લઈએ છીએ કે જૂનું એટલું જ સારું કે, સાચું. પણ, સાથે આપણે એ ભૂલી જઈએ છીએ કે નવી રીતભાતો જ્યારે રોજિંદા જીવનમાં ઊતરવા માંડે, ત્યારે આસપાસના સંજોગો પણ બદલાયા હોય છે. કોઈ પણ પ્રથા અમસ્તી જ બદલાતી નથી.

     મારી મા આજથી સાઈઠ-સિત્તેર વર્ષો પહેલાં કહેતી કે, જીવનમાં કોઈ પણ ફરક પડવા-પાડવાની પાછળ, જો કારણ સાચા હોય તો જ બદલાવના પરિણામો સાચા આવે છે. મારા જન્મદિવસની ઉજવણી રૂપે, અમારા સ્વજનો પણ સાંજના જમવા આવવાના હતાં. મારી માએ મને ભાવતી બધી જ વાનગીઓ ખાસ બનાવી હતી. ઘરમાં એક ઉત્સાહનું વાતાવરણ  એટલે પણ ખાસ હતું, કારણ કે, તે દિવસથી અમારી શાળામાં નાતાલ-ક્રિસમસની રજાઓ શરૂ થવાની હતી. એટલું જ નહીં, મારું અને મારા ભાઈઓનું મિડ-ટર્મ પરીક્ષાનું પરિણામ પણ સરસ આવ્યું હતું.

     મારો મોટાભાઈ તે સમયે નવમા ધોરણમાં ભણતો હતો. એ એનું રિઝલ્ટ લઈને ઘરે આવ્યો ત્યારે મારી માએ એને પૂછ્યું, “તારી મહેનત પ્રમાણે તારું રિઝલ્ટ બરાબર છે?” મારી માને લખતાં-વાંચતાં નહોતું આવડતું.  મારો ભાઈ કહે, “હા, મા. આ વખતે તો જયરામનો પહેલો નંબર આવતાં આવી ગયો; પણ આવતા વખતે હું એને હરાવીને પહેલો નંબર લઈ આવીશ.”

     મારી માએ એને પાછું પૂછ્યું, “તને લાગે છે કે તું પહેલો નંબર લાવવા જેટલી મહેનત કરીને ભણી શકે છે?”

    મારા ભાઈએ કહ્યું, “હા, કેમ નહીં?”

    મા બોલી, “તો બેટા, તારો પહેલો નંબર લાવવાની મહેનત કરતી વખતે, જયરામનો પહેલો નંબર ક્યાં વચમાં આવ્યો? તને ફળ મળે એ તો પ્રભુની કૃપા પણ, તું મહેનત કરી શકવા શક્તિમાન છે તો બસ, તારું કારણ એટલું જ હોવું જોઈએ. જો બેટા, કારણ સાચા નહીં હોય ને, તો તને તારા સારા કામના પણ સારા પરિણામ નહીં આવે. દીકરા, મારી આટલી વાત યાદ રાખજે.”

     મારા મોટાભાઈએ ત્યારે માથું હલાવી ‘હા' પાડી અને હું ત્યાં હાજર હતી આથી મેં પણ ડોકું ધૂણાવ્યું. મારા તેરમા જન્મદિવસની ઉજવણી પૂરી થઈ, પણ, માની આ વાત મારા મનમાં ઘર કરી ગઈ હતી.

     સ્કૂલ-કોલેજથી માંડીને, લગ્નજીવન કે અમેરિકામાં જોબ કરતાં, જ્યારે પણ કઈંક એવા સંજોગ ઊભા થતાં તો હું એકાદ વાર તો મારા એ કામ કરવા પાછળના કારણો તપાસી લેતી કે, 'હું અદેખાઈથી કે ખોટાં હેતુથી તો પ્રેરિત નથી ને?'

     મારાં બાળકો અમેરિકામાં મોટાં થતાં હતાં. એમની ઉમર જ્યારે બાર- તેરની થઈ;  ત્યારે મેં એમને આ વાત કહી કે, "નાની આવું કહેતાં હતાં કે,  જો કોઈ પણ કામ કરવા પાછળ, કારણો સાચાં ન હોય, તો પરિણામ સારાં ન મળે."

     તો બેઉ જણાં અંગ્રેજીમાં મને કહે, “એ નક્કી કોણ કરે કે, સાચું કારણ શું અને ખોટું શું?”

     હું થોડુંક વિચારમાં પડી ગઈ અને પછી મેં કહ્યું, “આજના ટાઈમમાં કદાચ, આવનારો સમય જ આ નક્કી કરશે.” અને વાત પૂરી થઈ.

     

    એ વાતને આજે ત્રીસ વરસ થઈ ગયાં છે. હમણાં જ એક બનાવ બન્યો. મારી પૌત્રીને આઠમા ધોરણમાં નેશનલ લેવલની ડિબેટ સ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું. અમે બધાં ખૂબ જ ઉત્સાહમાં હતાં. એક દિવસ એ સ્કૂલમાંથી પાછી આવી અને ખૂબ જ ઉદાસ લાગતી હતી. મારી દીકરીએ કારણ પુછ્યું, " કઈં સ્કૂલમાં થયું? આટલી નિરાશ કેમ છે?" 

   

      તો એ બોલી, “આ વર્ષે મને સ્કૂલમાંથી ડિબેટ કૉમ્પિટીશન માટે મોકલવાનું નક્કી થયું હતું. પણ, અલકાનાં મમ્મી-પપ્પા આજે સ્કૂલમાં આવીને કહે કે અલકા ગયા વર્ષે ટ્રોફી જીતી આવી હતી તો એને જ ફરી મોકો મળવો જોઈએ. પણ, બીજા કોઈને અલકા સિવાય સ્કૂલ મોકો જ નહીં આપે તો બીજું કોઈ જીતે પણ કેવી રીતે? તને ખબર છે, મમ્મી, અલકા તો મારી ખાસ મિત્ર છે. એણે મને કહ્યું પણ ખરું કે, એને આ વર્ષે નાટકની હરિફાઈઓમાં જવું છે, ડિબેટમાં નથી જવું, પણ એના મમ્મી-પપ્પા કહે છે કે, તું નહીં જાય તો સીમાને મોકો મળી જશે ડિબેટ જીતવાનો. જો એક વાર એ જીતી ગઈ તો તારી વેલ્યુ નહીં રહે!”

    અને મારી પૌત્રી સીમાએ રડવાનું ચાલુ કર્યું. રડતાં રડતાં તે બોલી, “મમ્મી, અલકા તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એ જીતે તો મને શું કામ ન ગમે? પણ, જો આ વખતે સ્કૂલ પોતે મને મોકલી રહી છે તો અલકાનાં મમ્મી-પપ્પાએ આવી વાતો ન કરવી જોઈએ ને?”

     તે દિવસે, મેં જે શબ્દો મારી દીકરીના મોઢે સાંભળ્યાં તેનો મને ભરોસો જ નહોતો પડતો! મારી દીકરીએ સીમાના માથે વાત્સલ્યથી હાથ ફેરવતાં કહ્યું, “જો બેટા, સ્કૂલમાંથી તને જો ડિબેટમાં મોકલે તો તારે કપરી મહેનતથી, તારી સ્કૂલ તરફથી સારામાં સારો દેખાવ ડિબેટમાં કરવાનો, એ તારું કામ છે. બાકી કોણ જશે અને કોણ જીતશે એ આપણા હાથમાં નથી. અલકાના મમ્મી-પપ્પાના, અલકાને ડિબેટમાં મોકલવાના કારણ સાથે તારે શું લેવા-દેવા? તારા કારણો તું સિમ્પલ અને સાચાં રાખ, તો રિઝલ્ટ સારું જ આવશે, ઓકે?”

      મારા કાનમાં મારી માએ આજથી છપ્પન- સત્તાવન વર્ષો પહેલાં, મારા મોટાભાઈને કહેલા શબ્દો ગૂંજતાં હતાં.

    “જો કારણો સાચા હશે તો પરિણામ સાચું અને સારું આવશે, પણ ખોટા કારણોસર કરેલું કોઈ પણ કાર્ય કદી સારું કે સાચું રિઝલ્ટ લાવશે નહીં.”


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

--

2 thoughts on “બાળકોની સાથે સાથે- ૩”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.