રોલ નંબર – ૧૪

     - અજય ઓઝા

રોલ નંબર ચૌદ..

      ‘યસ સર.’ પ્રયાગ બોલ્યો. ‘સર, સર, કાલે હું પ્રાર્થનામાં ગીત ગાઈશ હો સર.’

     મેં હા કહી એને બેસાડ્યો. મારાથી સહેજ અજાણપણે મલકી જવાયું. તેનું રસપ્રદ પ્રોફાઈલ જુઓ કે તેના ફોટામાં એ દસ રૂપિયાની નોટ હાથમાં રાખીને ઊભો છે!  હા, એનો ઇતિહાસ પણ એટલો જ સમજવા જેવો.

     આજે એ ભલે પ્રાર્થના માટે આટલો ઉત્સાહ બતાવે છે, પણ શરુઆતના એ દિવસોમાં એ પ્રાર્થનામાં આવવાથી હમેશા દૂર રહેતો. હું રોજ એને કહુ કે ‘ચાલ પ્રાર્થનામાં જવાનો સમય થયો છે, બેલ પડ્યો.’

      એ સ્પષ્ટ ‘ના’ કહી દેતો, પછી તો માત્ર ખભા ઉલાળી દેતો. કેટલોક સમય એની આ દાદાગીરી મારે ચલાવવી પડેલી. પ્રાર્થના દરમિયાન એ વર્ગમાં જ બેસી રહે, એક ક્ષણ પણ બહાર આવે નહી. આવો ક્રમ તો લગભગ બે મહિના ચાલ્યો. એટલે એક દિવસ મેં ભારપૂર્વક એને કહ્યું, ‘હવે કેટલા દિવસ આમ કરવાનું છે ? તારે આજથી પ્રાર્થનામાં આવવાનું જ છે.’

     એણે મને પૂછયું, ‘સાય્બ, તમે અહીં રૂમમાં જ રહેવાના છો ?’

     ‘ના, હું તો તને લેવા જ આવ્યો છું, ચાલ જલ્દી.’ મેં કહ્યું.

    ‘ના, મારે નથી આવવું.’ કહેતો એ ખભા ઉલાળી પોતાના દફતર પાસે બેસી ગયો.

     વળી થોડા દિવસ એને મેં સાચવ્યો, પણ એક દિવસ ધીરજ ખૂટી, ‘ચાલ ભાઈ આજે તો તું નહીં આવ તો હું પણ અહીં જ તારી પાસે બેસીશ ને પ્રાર્થનામાં પણ તને લેશન કરાવીશ.’

     મેં જોયું કે એની આંખમાં ડર ને બદલે જરા ચમક આવી, અને મને પૂછે છે, ‘સાય્બ તમે હાચું અહીં રૂમમાં જ રહેશો આજે ?’

    ‘હા, મારે કામ છે એટલે અહીં બેઠો છું.’ મેં કહ્યું.

    ‘તો તમે બેઠો ને હું પ્રાર્થનામાં જાઉં.’ કહેતોક ને એ રૂમની બહાર જવા લાગ્યો. મને અચરજ થયું કે, આજે અચાનક એ પ્રાર્થના માટે ઉત્સાહમાં કેમ આવી ગયો, તેથી એને અટકાવી પાછો બોલાવ્યો, ‘ઊભો રહે તો પ્રયાગ, મારી પાસે આવ તો.’

   ‘સાયબ, મારે જલ્દી ગીત ગાવા જાવું છે.’ બોલતો એ પાસે આવ્યો.

     મેં પૂછ્યું, ‘કેમ આજે પ્રાર્થનામાં જવા તરત જ માની ગયો ? તું કહે તો રોજ તને ગીત ગાવા મળશે. પણ તે આજે ખભા પણ ન ઉલાળ્યા ?’

     એ નિખાલસપણે બોલી ગયો, ‘એમ નહી, પણ સાયબ.  છે ને, તમે અહીં બેઠા છો ને, તો જઈ આવું, ને હા મારા દફતરમાં છે ને દસ રૂપિયાની નોટ છે, તો તમે છે ને, અહીં બેઠીને દસ રૂપિયાનું ધ્યાન રાખજો હો, કોઈ લઈ નો જાય !”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *