બકો જમાદાર – ૧

  -   જયશ્રી પટેલ

     ખૂબ ખૂબ પ્યાર સહિત ...અમારા સમય માં અમે બકોર પટેલની વાર્તા વાંચતા ને તેને માટે રોજ વર્તમાનપત્ર માટે (એટલે કે તમારૂ ન્યૂસપેપર) રાહ જોતા.
     આજે આપણે બકોર પટેલની નવી પેઢીની શરૂઆત કરીએ. પણ બકોર પટેલ નામ તો ન રાખી શકીએ. તો  નવી પેઢીનું નવું નામ શું રાખીશું ? ચાલો,  'બકો જમાદાર' રાખી લઇએ.

♥  ♥  ♥  ♥  ♥  ♥  

     બકોર પટેલની નવી પેઢી ગામડેથી શહેરમાં રહેવા આવી ગઈ. ધીરે ધીરે શહેરીપણું પહેરવેશથી લઈ ને ભાષામાં પણ આવી ગયું. બોલવામાં અંગ્રેજી છાંટ ને પહેરવામાં ટાઈ સૂટ. હાથમાં લાકડી પણ કૂતરાંના ડરને લીધે.  ગમે તેમ પણ બકરાની જાત એટલે ગભરૂ તો ખરા!

    બાળકો નેકહેવાય કે, 'સિંહ જેવી ગર્જના કર ને; શું બકરી ની જેમ બેં બેં કરે છે?'  બાળકો, બોલો બકરી થવું ગમે કે સિંહ? એક વાર તે બહાર નિકળી પડ્યા - સમુદ્રકિનારે ફરવા.  સાંજનો સમય છે ને જુએ છે દરિયાની સપાટીએ સૂરજ ઢળી રહ્યો છે. દરિયો સોનેરી રંગ સમો દેખાઈ રહ્યો છે.  આ ક્ષણને ક્ષિતિજ નો સમય કહે. આ સુંદરતા મનને ગમી ગઈ. પણ થોડોક કચવાટ પણ થયો.

     લોકો ખાઈને, ઠંડા પીણા પીને પ્લાસ્ટિક, કાગળ ને બીજો અનેક કચરો ફેંકી રહ્યા હતા. બકો જમાદાર બહુ દુઃખી થયા.  એમણે નક્કી કર્યુ કે, આવતા રવિવારે આ જ સમયે આવીને સ્વચ્છતા માટે કંઈક કરશે અને તેઓ સૂઈ ગયા.

     બીજો રવિવાર આવ્યો. બકો જમાદાર નક્કી કર્યા પ્રમાણે પહોંચ્યા અને જે કચરો ફેંકે તે એક થેલીમાં ભરે. તેમને આમ કરતાં જોઈ લોકો તો હસવા લાગ્યા.  મશ્કરી કરવા લાગ્યા. આમ એક પછી એક રવિવાર એમ બે મહિનાના આઠ રવિવાર ગયા. હવે બકા જમાદારની ટોળીમાં બીજા દસ મિત્રો જોડાયા. હવે લોકોને પણ શરમ નડવા માંડી. એમને પણ થયું કે, આપણે ખરેખર સાર્વજનિક(જાહેર) જગ્યાને પણ આપણી જ સમજી લઈએ તો? આમ ધીરે ધીરે દરિયાકિનારો સ્વચ્છ ને સુંદર રમણીય લાગવા લાગ્યો. 

     બકો જમાદાર દરિયા કિનારે લોકોના પ્રિય દાઢીચાચા બની ગયા.

     બાળકો, મને વચન આપો - તમે પણ સર્વ સાર્વજનિક જગ્યા જેમકે રેલ્વે, રેલ્વે સ્ટેશન, બાગ, નદીકિનારા, મંદિર, મસ્જિદ, ચર્ચ, વગેરે સ્વચ્છ રાખશો. ગંદકી કરનારને શીખવશો.

    મિત્રો પસંદ આવી વાર્તા? તો મળીએ આવતા મંગળવારે બકા જમાદાર સાથે નવા સાહસ સાથે.

પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

One thought on “બકો જમાદાર – ૧”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *