કાચબા અને સસલીની વાર્તા – ૧

    - નિરંજન મહેતા

 

જાગતા હૈ સો મહાન હૈ

- શ્રી વિનય પાઠક

(સ્ટેજ ઉપર કાચબો એક બાજુ પડી રહ્યો છે).

સસલી (કૂદાકૂદ કરે): જુઓ, આ આપણા કાચબાભાઈ. છે તો મારો મિત્ર પણ સાવ આળસુનો પીર છે. લાવ એને જરા ઝંઝોટુ. ચાલો. થોડી ગમ્મત કરીએ.

(કાચબા પાસે જઈને)

ઓ ભાઈ કાચબાકુમાર, ઉઠો. જરા હરતા ફરતાં થાઓ.           

કાચબો (થોડું હલનચલન કરે): સસલીબેન, હું જાગુ જ છું, ઊંઘતો નથી.              

સસલી: તો આમ પડી શું રહ્યો છે? ચાલ મારી સાથે શરત લગાડવી છે?

કાચબો: શરત? કેવી શરત?

સસલી: દોડવાની શરત.

કાચબો: દોડવાની શરત અને એ ય તમારી સાથે? શું કામ મારી મશ્કરી કરો છો?

સસલી: મશ્કરી શાની? હિંમત હોય તો લગાવ શરત.

કાચબો: આમાં હિંમતની વાત ક્યા આવી? પણ તમારી સાથે દોડવાની શરત? ના, ના, મને નહીં ફાવે.

સસલી: બસ, ડરી ગયોને? ડરપોક ક્યાંયનો!

કાચબો: ના, ના, એવું નથી હોં .......

સસલી: તો ઉભો થા અને આવી જા મેદાનમાં.

કાચબો: એમ? ચાલો ત્યારે, ક્યાં દોડવું છે?

સસલી: (ઑડિઅન્સ સામે જોઇને) ફસાયો, બરાબર ફસાયો. આજે મજા ચખાડું બેટમજીને. મારી સામે દોડવાની શરત લગાવી બેઠો, મુર્ખ જ છે ને.......

સસલી: (કાચબા સામે જોઇને) જો, અહીંથી શરૂ કરીને સામે પેલું ઝાડ દેખાય છે ને ત્યાં સુધી પહોંચવાનું. જે પહેલું પહોંચે તે જીત્યું ગણાય. અને જે હારે તેણે જે જીતેલું હોય તે જે સજા ફરમાવે તે માન્ય રાખવાની – બોલ છે કબૂલ?

કાચબો: કબૂલ છે.

સસલી: ચાલ તો આવી જા અહિયાં. અહીંથી દોડવાનું શરૂ કરી સામે પેલું ઝાડ દેખાય છે ત્યાં પહોંચવાનું. રેડી?

કાચબો: રેડી.

(સસલી one, two, three કહી કૂદકા મારતી દોડવા માંડે છે – કાચબો ધીમે ધીમે આગળ સરકે છે. સ્ટેજના પોણા ભાગ સુધી પહોંચીને સસલી પાછળ જુએ છે.)

સસલી: લે, હજી તો પેલો ચાર ડગલાંએ ચાલ્યો નથી. એને આવતા તો ઘણી વાર લાગશે... લાવ થોડો આરામ કરી લઉં.... હવે ઝાડ ક્યા દૂર છે? આ પેલું સામે દેખાય.... બે છલાંગ મારીને પહોંચી જઈશ.

(સસલી ‘હાશ’ કહીને બેસી જાય છે. ઝોંકુ ખાઈને આડી પડી જાય છે. કાચબો ધીરે ધીરે આગળ વધે છે.)

કાચબો: લો, આ સસલીબેન તો ઘસઘસાટ ઘોરે છે. ઘોરવા દો આપણું શું જાય? આપણે તો ચાલતા રહીએ. આ સસલીબેન તો બે કૂદકા મારીને પહોંચી જશે આપણે તો ચાલતા રહેવું સારૂં.

(ધીમે ધીમે સ્ટેજના બીજા ખૂણા સુધી જાય છે.)

કાચબો (જોરથી બૂમ પાડે): ઓ સસલીબેન, હું જીતી ગયો... હું જીતી ગયો... હું જીતી ગયો...

(સસલી એકદમ જાગી જાય છે અને જુએ છે તો કાચબો ઝાડ સુધી પહોંચી ગયો હતો).

સસલી: એ, તું કેમ કરીને પહોંચી ગયો?

કાચબો: ચાલતો ચાલતો.

સસલી: આવું ના ચાલે. તારે મને ઉઠાડવી જોઈએને?

કાચબો: હું શું કામ ઉઠાડું? મારે તો રેસ જીતવી હતી....જીતી ગયો ભાઈ, હું જીતી ગયો.

સસલી: બેસ બેસ હવે, જીતી ગયોવાળા. લુચ્ચો છે તું સાવ.

કાચબો: આમાં લુચ્ચાઈ ક્યાં આવી? તમે ઉંઘી ગયા એ તમારી ભૂલ કહેવાયને? જો ચાલત હૈ વોહ પાવત હૈ જો સોવત હૈ વોહ ખોવત હૈ.

સસલી (છણકો કરીને) સારૂં...સારૂં, બહુ ચાંપલો ના થા હવે.

કાચબો: પેલી કહેવત છે ને SLOW AND STEADY WINS THE RACE.                     

સસલી (ગુસ્સામાં): હવે દોઢડાહ્યો થયા વગર રહેવા દે ને. તારૂં ડહાપણ તારી પાસે રાખ. મને ઉપદેશ નહીં આપ.

(સસલી મોં ફેરવીને બેસી જાય છે. કાચબો ધીરે ધીરે તેની પાસે આવે છે).

કાચબો: સસલીબેન, આમ નારાજ નહીં થવાનું. આ તો ફક્ત રમત હતી,,,,બે ઘડી મજા...બાકી મારી શું હેસિયત કે હું દોડવામાં તમને હરાવી શકું? આવી હારજીતથી આપણી દોસ્તી તૂટવી ન જોઈએ.

(સસલી તો ય મોં ફેરવીને બેસી રહે છે. કાચબો તેનાથી થોડે દૂર જઈ બેસે છે).

સસલી: અરે, આ તો રિસાયો લાગે છે. વાત તો સાચી છે. હું ઉંઘી ગઈ અને રેસ પૂરી ના કરી શકી એમાં આ બાપડાનો શો વાંક?

(થોડીવાર વિચાર કરીને)

સસલી: ના..ના...ના... પણ આ ધીમી ચાલે ચાલનારો કાચબો મારી જેવી ઝડપી ચાલવાળી સસલીને હરાવી જાય તે તો ન જ ચાલે. કાંઇક તો કરવું પડશે.

(થોડીવાર વિચારીને કાચબા પાસે આવે છે. કાચબાને મનાવતી હોય તેમ) લે ભાઈ, તું તો રિસાઈ ગયો. આવું તે કાંઈ ચાલતું હશે? આમ જો તો મારી સામે.

કાચબો (ઉંધો ફરીને) ઉંહું.

સસલી: મારો ભાઈલો કરૂ. આવું શું કરે છે? મારી સાથે વાત તો કર.

કાચબો: શું વાત કરૂં? મેં તો પહેલા જ કહ્યું હતું કે મારે આવી શરતો નથી લગાવવી... પણ તે જ મને આગ્રહ કરીને રેસમાં ઉતાર્યો. હું તો ફક્ત ટાઈમપાસની રમત સમજીને જ રમતો હતો. એમાં ચાંપલો ને એવું બધું કહેવાની શું જરૂર હતી?

સસલી: સોરી. સોરી કહ્યું ને? હવે એવું નહીં કહું, બસ? હવે તો મારી સામે જોઇને વાત કર.

કાચબો (ફરી જાય છે): લે.. આ જોયું... બોલ શું કહેવું છે?

સસલી: જો ભાઈ, આપણે મિત્રો છીએ અને મિત્રો જ રહેવાના.

કાચબો: બરાબર.

સસલી: અને હા... તેં શું કહ્યું...દોસ્તીમાં હારજીત ન હોય ફક્ત ટાઈમપાસ માટે જ રમત હોય.

કાચબો: હા... મારા માટે તો આ ટાઈમપાસની રમત જ હતી.

સસલી: તો એક કામ કરીએ. ફરી ટાઈમપાસ કરવા આ રમત રમીએ.

કાચબો: એટલે.... કઈ રમત?

સસલી: બસ, આ જ, દોડવાની.

કાચબો: ના બેના ના, શરત એ ઝઘડાનું મૂળ છે અને આપણી દોસ્તી બગાડે... તું જીતી હું હાર્યો. કબૂલ કરૂં છું કે હું હાર્યો.... હવે ખુશ?

સસલી: ગાંડા.... એમ ‘જીતી’ કહેવાથી જીતવાની મજા ન આવે. શરત જીતીએ તો જ ખરા જીત્યા કહેવાય અને આપણે તો ખાલી ટાઈમપાસ જ કરવો છે ને.... (કાલાવાલા કરે છે) ચાલને દોડીએ.... આવું શું કરે છે? આટલું તો મારૂં માન.......

કાચબો (વિચાર કરીને): ઠીક છે તારી વાત માની લીધી...ચાલ ફરી દોડીએ.

સસલી (ઑડિઅન્સ સામે જોઇને): બેટમજી ફરી ફસાયા.....હવે બરાબર દોડીશ. ક્યાંય થાક ખાવા રોકાઈશ નહીં. જોઉં છું આ કાચબો મને કેમ હરાવે છે....(કાચબાને) ચાલ ભાઈ, રેસ શરૂ કરીએ.

કાચબો: હા... પણ જો પહેલી રેસ હું જીત્યો છું એટલે મારી એક શરત માનવી પડશે.

સસલી(આશ્ચર્યથી): તારી શરત! શાની શરત?... કેવી શરત?


પછી શું થયું? - આવતા રવિવારે

One thought on “કાચબા અને સસલીની વાર્તા – ૧”

  1. જુની અને જાણીતી વાર્તા ને ખૂબ સુંદર વળાંક આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.