દુનિયાની સફર – ૧૩

     -    કલ્પના દેસાઈ

http://www.toptenz.net/10-weirdest-cities-around-world.php

https://edition.cnn.com/2014/09/26/living/earthships-new-mexico/

https://en.wikipedia.org/wiki/J%C3%BAzcar

૧) સસલાંની સમસ્યા

     અમેરિકાના વૉશિંગ્ટન રાજ્યના સિએટલ નજીક એક નાનકડા ટાપુ ઉપર એક નાનકડું શહેર છે–લૅંગલે. આ શહેરની એક નવાઈ લાગે એવી પણ નાજુક સમસ્યા છે–સસલાં!  જી હા, સસલાંએ આ શહેરને મુસીબતમાં મૂકી દીધું છે. કારણમાં તો ફક્ત એ જ કે થોડાં વરસો પહેલાં, થોડાં સસલાં આપણા મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ મેળામાં એટલે કે આ શહેરમાં ખોવાઈ ગયેલાં. આમ તેમ અટવાતાં સસલાંઓની કોઈએ દરકાર ન કરી એટલે એમણે ગુસ્સામાં આવીને વસ્તી–વિસ્ફોટ કર્યો. લોકોના શાકભાજીના બગીચાઓનું નુકસાન કરતાં સસલાંને કહેવાવાળું કોઈ રહ્યું નહીં.

       હવે? શહેરમાં જ્યાં ને ત્યાં સસલાંની દોડાદોડ! મજાની વાત તો એ કે એમને મારવા ત્યાં શિકારી કૂતરાં કે બિલાડાંય નહોતાં. સરકાર એમને કુદરતી રીતે મરવા દેવા ચાહતી હતી. લોકોને પણ પોતાનું શહેર ટૂરિસ્ટોનું આકર્ષણ બને એમાં રસ હતો. પછી? સરકારે થોડી વ્યવસ્થા કરી શિકારી પ્રાણીઓને વસાવવાની પણ સસલાંની વસ્તી? ઘટવાનું નામ ન લે! શું થાય?

૨) તેલ ઉપર તરતું શહેર

       જ્યારે સોવિયેટ રશિયાના મગજમાં રાઈ ભરેલી ત્યારની વાત. દરિયામાંથી તેલ કાઢવા માટે એણે કાસ્પિઅન સમુદ્રમાં એક આખું ને આખું વિશાળ શહેર જ ઊભું કરી દીધું હતું. અઝરબૈજાનની માલિકીનું આ શહેર નેફ્ટ દશલરી દાયકાઓ સુધી દરિયામાંથી તેલ કાઢતું રહ્યું. કઈ રીતે? તો જે જમીનમાંથી તેલ નીકળે તેની બાજુના દરિયામાંથી પરપોટા થઈને તેલ બહાર આવે એવું ત્યાંના જાણકારો કહી ગયેલા. બધી જ સગવડો ધરાવતું એ તરતું શહેર નજીકની જ જમીનમાંથી લાવેલા ઝાડ અને ખાતર–માટી વડે બનેલા તાજા શાકભાજી ને ફળોના બગીચાઓથી શોભતું હતું. થિએટર, ફૂટબૉલનું મેદાન અને લાઈબ્રેરીની સગવડ ધરાવતું એ સમૃધ્ધ શહેર હતું.

      હવે શેખચલ્લીનું શહેર કેટલોક સમય ટકે? ધીરે ધીરે સમયની થપાટોની સાથે એને દરિયાની થપાટો પણ લાગી અને શહેર ખતમ થવા માંડ્યું. અમુક હિસ્સો ભરતીના પાણીમાં ગરક થયો તો અમુક ખારા પાણીએ સડી ગયો અને નજીકના ભવિષ્યમાં એનું કોઈ ભવિષ્ય નહીં રહે. તોય આશાવાદી લોકોએ તેલના છેલ્લા ટીપા સુધીની આશા નથી છોડી. તગડા પૈસા મળવાની લાલચે એ લોકો ત્યાં ટકી પડ્યા છે!

૩) વેસ્ટમાંથી બેસ્ટ

    આવું બનાવનારા કોઈ ને કોઈ એવી વસ્તુ તો શોધી જ કાઢે, જે બીજાની નજરે કચરો હોય. સ્ત્રીઓમાં એ આવડત સારી હોય છે. પણ આજે વાત ન્યૂ મેક્સિકોના તાઓસના રેનોલ્ડ્સની કરીએ.

      લોકોએ ફેંકી દીધેલી વસ્તુઓમાંથી રહેવા લાયક મકાન કે ઘર બની શકે? કેમ નહીં? જો આખે આખું મકાન જ ખાલી બોટલો, ફેંકાયેલા ટીનનાં કૅન અને પડી રહેલાં ટાયરોને વાપરીને સિમેન્ટ કોંક્રીટથી ચોંટાડી દેવાય તો એ મકાન સંપૂર્ણપણે ટકાઉ અને રહેવાલાયક બની જાય. બાથરૂમના પાણીનો નિકાલ આસપાસના બાગબગીચામાં કરીને એનો પણ ઉપયોગ કરી લેવાય, અનાજ ને શાકભાજી પણ ઉગાડી શકાય. સોલર એનર્જી વાપરતું આ ઘર રહેવા લાયક ને દુનિયામાંથી નીકળતા કચરાનો મહત્તમ ઉપયોગ કરતું હોવાથી, રેનોલ્ડ્સની ડિઝાઈનનું આ મકાન–અર્થશિપ– ધીમે ધીમે એની ઉપયોગીતા પુરવાર કરી રહ્યું છે. દુનિયાના ઘણા દેશોમાં આવાં મકાનો બની રહ્યાં છે.

      રેનોલ્ડ્સનું કહેવું છે, કે જો એની પાસે જમીન અને પૈસા હોય તો અથવા કોઈ મદદ કરે તો એ અને એની ટીમ બહુ ઝડપથી આવા ઘરો કે મકાનો તૈયાર કરી આપે. મકાનની મજબૂતાઈ બતાવવા એણે મેક્સિકોના ડુંગરાઓ ઉપર પણ ઘરો બનાવ્યાં. આપણા દેશમાં તો આવા કચરાનો મહત્તમ ઉપયોગ કરીને લોકોના રહેઠાણની સમસ્યા હલ કરી શકાય. તો રાહ કોની જોવાની? ભારતીય રેનોલ્ડ્સની?

૪) ભુરું શહેર

     સ્પેનના એન્ડલુસિયામાં આવેલા ઝૌકર નામના શહેરમાં થોડાં વરસો પહેલાંની એક પરંપરા તૂટી. મકાનો પર હમેશાં ચૂનો ધોળાવતાં શહેર ઝૌકર પર સોની પિક્ચર્સે જાદુ કર્યો. વાત એમ બની કે ૨૦૧૧ની વસંત ઋતુમાં સોની પિક્ચર્સ નામે કંપનીએ પોતાની ‘સ્મર્ફ’ ફિલ્મના પ્રિમિયરની ઉજવણી માટે આ શહેરને આછા બ્લ્યૂ રંગે રંગવાની વાત કરી. ફરી મૂળ રંગ(ચૂનો) કરવાની શરતે, ચર્ચ અને કબરો સહિત શહેર આખાને ભૂરા રંગના વાદળોમાં ઢાંકી દેવાયું.

     અબ હુઆ યૂં કી...... જ્યાં માત્ર ત્રણસો ટુરિસ્ટો આવતા ત્યાં છ જ મહિનામાં એંસી હજાર ટુરિસ્ટોએ દોટ મૂકી. પરિણામ? રહેવાસીઓની મરજીથી ઝૌકર ભૂરા રંગે જ મોજ કરે છે. આપણા દેશમાંય આવા પ્રયોગો કરવા જોઈએ એવું નથી લાગતું? કોઈ બોલાવો સોની પિક્ચર્સવાળાને. સાફસુથરાં અને એકસરખાં ઘરો ને મકાનોથી દેશની રોનક બદલાય કે નંઈ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.