દુનિયાની સફર – ૧૬

     -    કલ્પના દેસાઈ

http://www.lolwot.com/10-crazy-facts-about-life-in-ancient-rome/

વિચિત્ર રોમ!

      પ્રાચીન રોમનું નામ પડે કે આપણાં મનમાં ભવ્ય પોષાકમાં શોભતા, ખડતલ શરીરવાળા અને ચહેરે–મહોરે કોઈ હીરોનેય ટક્કર મારે એવા રાજા કે સેનાપતિ અને દુનિયાની શ્રેષ્ઠ સુંદરીઓને બાજુ પર મૂકે એવી પરી જેવી રાણીઓ જ દેખાતી થઈ જાય. ભવ્ય રથની આગળ બાંધેલા ઘોડા ધૂળની ડમરી ઉડાડતા હવામાં દેખાવા માંડે. લોકોની ચિચિયારીઓ વચ્ચે રેસ લગાવતા અને જીવસટોસટની બાજી ખેલતા યોધ્ધાઓની ફિલ્મો મનમાં ચક્કર કાપવા માંડે. જો કે, ખરેખર તો પ્રાચીન રોમમાં એ સિવાય પણ ઘણી બધી અજાયબીઓ હતી.

       ૧) મૂત્ર–બ્લીચ?

     માનવમૂત્ર દવામાં પણ કામ આવે એ શોધ તો ઘણા દેશોએ કરેલી. આપણા દેશમાં તો હજીય શિવામ્બુનો મહિમા ગાનારો એક વર્ગ છે જ. એના ઉપર પુસ્તકો પણ લખાયાં છે અને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ શિવામ્બુ–પાન કરતા એ વાત જગજાહેર છે. હવે માનવમૂત્ર દવા સાથે કપડાંને બ્લીચ કરવામાંય ઉપયોગી થાય એવું તો રોમના કોઈ ફળદ્રુપ ભેજાએ જ વિચારેલું! પરિણામે ત્યાંના સ્નાનાગારોમાંથી સામુહિક મૂત્ર ભેગું કરાતું, એના ઉપર ટૅક્સ લગાડાતો અને પછી જનતાના લાભાર્થે એને વેચાતું...(છી!) સ્નાનાગારમાં મૂત્રદાન કરનારાઓને કોઈ રાહત મળતી કે એમને બ્લીચ ફ્રીમાં મળ્યું હશે? કોણ જાણે. સૂગ શબ્દને તો ત્યારના રોમનો ધોઈને પી ગયેલાં!

      ૨) મોલ - રોમની શોધ?

     ‘આજે આપણે ‘સિટીપ્રાઈડ’ મૉલમાં ફિલ્મની સાથે ડિનરનો પ્રોગ્રામ બનાવ્યો છે. બધા ટાઈમ પર પહોંચી જજો.’ આજે તદ્દન સામાન્ય લાગતો આ સંવાદ કોઈ બે હજાર વરસ પહેલાં બોલ્યું હશે? એક સમયે દુનિયાભરને મૉલ કલ્ચરે ઘેલું લગાડેલું, તો શું રોમમાં મૉલ કલ્ચર હતું? એ વાત માનવામાં આવે? આજેય જોવા જેવી કે ફરવા જેવી જગ્યાઓમાં જેનું નામ લઈ શકાય, એ મૉલની શોધ કોણે કરેલી? આપણાં સૌનાં રોમેરોમ, જેનાં ઋણી છે એ રોમે બે હજ્જાર વરસ પહેલાં મૉલની શોધ કરેલી. એની કોઈ સાબિતી છે? જી હા, ત્યાં ટ્રાજન માર્કેટ આજેય છે!

૩) અપશુકનિયાળ ડાબોડીઓ!

     ‘ભાઈ, પેલા ડાબોડીથી દૂર રહેજો, સામે મળે તો રસ્તો કાપજો અને ભૂલમાંય ભટકાઈ જાય તો પાંચ દીવાની કે નાળિયેર વધેરવાની કે પાંચસો એક કે પછી ચાદર ચડાવવાની બાધા લઈ લેજો.’ આવું કોઈ કહે તો? દુનિયા આખીના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે વહેમની કોઈ જ દવા નથી. હવે એમાં ડાબોડીઓનો શો વાંક? રોમમાં બિચારા ડાબોડીઓ અપશુકનિયાળની સાથે સાથે ભરોસાપાત્ર પણ નહોતા ગણાતા! અરે! ‘ડાબું’ શબ્દનો અર્થ જ ત્યારે ‘ભયાનક’ થઈ ગયેલો. જ્યારે દુનિયામાં તો આજે ડાબોડીઓ બધા વહેમોની ઐસીકી તૈસી કરીને ભાગ્યશાળી, શુકનિયાળ અને હોશિયાર બન્યા છે એ કોણ નથી જાણતું?

૪) ઝેર એ જ દવા?

     ‘લાવ, મને બે ટીપાં ઝેર પી લેવા દે એના કરતાં.’ લોકો સાથે માથાં દુખવીને કે રાણીઓ સાથે ભેજાંમારી કરીને આખા દિવસનો થાકેલો રાજા જ્યારે આવું બોલતો હશે, ત્યારે વિચારો કે એ કેટલો ઉચાટમાં હશે? મારી ગાદી પચાવવા નક્કી મને કોઈ ઝેર આપી દેશે તો? આ રાણીઓનો પણ કોઈ ભરોસો નહીં. સેનાપતિ સાથે મળીને મારું કાટલું કાઢી નાંખે તો? એવા સતત ડર અને વહેમમાં જીવતા રોમના રાજાઓ જાતે જ, દરેક જાતના ઝેરનો નાનકડો ડોઝ રોજ લઈ લેતા! એક વાર ઝેરની ટેવ પડી જાય પછી કાતિલમાં કાતિલ ઝેર ક્યાંથી અસર કરે? એ ઝેરનો કટોરો પાછો રાજાને કોઈ મોકલે નહીં પણ એક શિંગડાવાળા ગધેડાના શિંગડામાંથી જ ખાસ બનાવેલો કટોરો એને જોઈએ કારણકે એ ભલે ઝેરનો કટોરો રહ્યો પણ એ કામ દવાનું કરે! ઝેર પણ પીવું છે ને મરવું પણ નથી!

૫) ડબલ રોલ!

     ફિલ્મોમાં કલાકારોના ડબલ રોલની મજાક–મસ્તી આપણે વરસોથી માણીએ છીએ. જ્યારે રોમના રાજા કૅલિગુલા વિશે એવી અટકળો બંધાયેલી કે એ માનસિક બિમાર છે અને એને ગુપ્ત રોગ થયો છે. એ અટકળોને બાજુએ મૂકીએ તો પણ એ રાજા ખૂબ જ ક્રૂર, ઘાતકી અને પાશવી હતો. આવો રાજા પ્રેમ શબ્દને બદનામ કરતો હોય એમ પોતાની જાતને અનહદ પ્રેમ કરતો કારણકે એને વહેમ હતો કે એ ભગવાન છે! હે ભગવાન! તારી દુનિયામાં કેવા કેવા ભગવાન? ભગવાન લોકોને પ્રેમ કરે કે પોતાને? સાચું કે ખોટું પણ એ રાજા દાઢીય રાખતો અને કપડાં બાબતે સ્ત્રીઓના પોષાકો પર પસંદગી પણ ઉતારતો! સાવ ઘનચક્કર જેવો રોમનો આ રાજા તો ભારે અજાયબીઓનો અવતાર જ હતો!

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *