કહેવતકથા – ૧૯

  -   નિરંજન મહેતા

વિના સહકાર નહીં ઉદ્ધાર

       એક વ્યક્તિ એકલી કામ કરવા અસમર્થ હોય અને તેને બીજાનો સાથ ન મળે ત્યારે તે કામ પૂરૂં કરી શકાતું નથી. એટલે જ્યારે બધા મળીને કામ કરે ત્યારે કહેવાય છે કે 'વિના સહકાર નહીં ઉદ્ધાર.'

      આનું યોગ્ય ઉદાહરણ છે સહકારી રહેઠાણની વ્યવસ્થા જ્યાં વ્યક્તિ પોતાની સ્વતંત્રતા ગુમાવ્યા વિના પણ અન્યોના સાથ વડે પોતાનો જીવન વહેવાર સારી રીતે વ્યતીત કરી શકે છે.

       એવા પણ દાખલા છે, જ્યાં ગામ સ્વચ્છ રાખવું, ગામના રસ્તા બનાવવા, ગામમાં કૂવો ખોદવો, પૂર આવે ત્યારે અન્યોને મદદ કરવી, જેવા કાર્યો બધા સાથે મળીને કરે છે અને તેનું પરિણામ પણ સુંદર આવે છે.

      આ કહેવતને લગતી કેટલીક બોધકથાઓ પણ છે જેમાની એક:

      એક જગ્યાએ કબૂતરો ચણવા આવતાં -  તે એક શિકારીના ધ્યાનમાં આવ્યું. તેણે એક જાળ બિછાવી અને તેની અંદર અનાજના દાણા વેર્યા. દાણા જોઈ નિર્દોષ કબૂતરો ચણવા ઊતર્યા પણ તે જાળમાં ફસાઈ ગયા. પાસેના ઝાડમાં સંતાયેલ શિકારી આ જોઈ ખુશ થયો અને થોડી રાહ જોઈ પછી જાળમાં ફસાયેલ કબૂતરોને પકડવાનું વિચાર્યું.

      બીજી બાજુ જ્યારે બધા કબૂતરો ગભરાઈ ગયા હતાં ત્યારે તેમાના એકે કહ્યું કે, જો આપણે બધા એક સાથે જોર કરશું તો આ જાળ સહિત ઊડી શકશું અને આપણો છૂટકારો થશે. બધાને આ સમજાઈ ગયું અને જેવો પેલો શિકારી ઝાડ પાછળથી બહાર આવી તેમના તરફ આગળ વધ્યો,  ત્યાં તો બધા કબૂતરોએ જોર કરી પાંખો ફફડાવી અને જાળ સાથે ઊડવા લાગ્યા. પેલો શિકારી તો આશ્ચર્ય પામ્યો અને તેમની પાછળ દોડ્યો પણ કબૂતરો તો બહુ ઊંચે પહોંચી ગયા હતાં. આમ તે શિકારીએ પોતાની જાળ પણ ગુમાવી.

       માટે જીવનમાં અન્યોના સહકારની જરૂર હોય ત્યારે તે લેવો એ યોગ્ય નિર્ણય બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.