બકો જમાદાર – ૧૯

  -   જયશ્રી પટેલ

નમસ્તે બાળકો,

       કેમ છો? મંગળવારની સુંદર રળિયામણી સવાર અને શાળા ના ઘંટનો કર્કશ અવાજ. ઓહ! પથારી છોડવી જ રહી અને સમય પર શાળામાં જવું જ રહ્યું નહિ? ચાલો આજે બકા જમાદારના મનની કંઈક ગંભીર ગડમથલની સમસ્યાનું નિરાકરણ તો કરવું જ રહ્યું. વાર્તા સાંભળીને તમે શું કરશો એ જરૂર કહેશો.

વાર્તા નં: ૧૯

      બકા જમાદાર અને બકરીબહેન જમી પરવારીને બેઠાં હતા કે, એમનું ધ્યાન બરકેશ અને દીકરી લવારી પર પડ્યું. બન્ને જણાં બે કલાકથી દફતરનાં ચોપડાંઓ અને નોટોમાં અટવાયાં હતાં. પણ ગૃહકાર્ય (હોમવર્ક)નો કોઈ અંત જ નહોતો આવતો અને બન્નેની આંખો તો ઘેરાયેલી હતી. 

      બકા જમાદારને ખૂબ દુ:ખ થયું. કેટલો બોજ છે ભણવાનો?અમારા સમયે પણ ભણતર હતું - પણ આ ભણતર તો બાળકોને બોજા નીચે મથી મથી ને દાબી દેશે. એમને થયું લાવ બન્ને ને પૂછું તો ખરો ક્યાં અટવાયાં છે?

     બરકેશે કહ્યુ કે, એણે જે લખ્યું હતું તે મળતું નથી.

     ”કેમ કયાં ગયું? શાંતિથી શોધ મળી જશે."

    પણ હવે ઉંઘ થાક અને બરાબર ગુસ્સો ભેગો થયો હતો. એટલે બધું ઉપર નીચે અને બન્નેની ભેગી થયેલી નોટો પરેશાન કરી રહી હતી.  ધીરે રહી બન્ને ભાઈ બહેનને બધું છુટું કરી આપ્યું ને છૂટા પાડ્યા. પછી નોટો જોઈ તો આશ્ચર્ય થયું. એક નોટમાં બધુ જ જુદું જુદું ને થોડા થોડા પાને જ લખાયેલું હતું. આમ કેમ?ત્યારે જાણ્યું કે શાળાએ જ આ રીતે નોટ આપી છે. એક પાઠ પતે કે તેના પાના ફાડી ને એક પીન મારી શિક્ષકને તપાસવા આપવાનાં. અરે બાળકની સાચવણી કેટલી? બધા કાગળ તો ખોવાઈ જાય. પછી શું? ફરી લખો નહીં તો ઝેરોક્ષ કરાવો. વાહ કાગળની બચત કે બગાડ? વજન ઓછું ઉચકવું પડેને?તેથી પુસ્તિકા શાળામાં છોડવાની. ઘર માટે બીજી પુસ્તિકા ખરીદવાની. બે ગણો ખર્ચો. સમજણ ના પડે તો ટ્યુશન્સ રાખવાના. કઈ પધ્ધતિ છે આ?ઓહ

     બકા જમાદારની તો ઊંધ જ ઊડી ગઈ. બરકેશથી ન રહેવાયું એણે પ્રશ્ન કર્યો,”તમારા જમાનામાં કે દાદાના જમાનામાં શુ ને કેવી પધ્ધતિ હતી?”

     બકા  જમાદારે કહ્યુ ,”દાદાના જમાનામાં ગુરૂકુળ હતાં. જ્યાં જ્ઞાન સાથે જીવનધોરણ પણ શિખવાડાતું .”

     પછી તેમણે સરસ વાર્તા કહી કે એક ગુરૂજીને ત્યા શિક્ષણ પુરૂ થયું અને ત્રણ શિષ્યો ગુરૂજીની રજા લઈ ઘરે જવા નીકળ્યા. ગુરુએ ત્રણેની પરીક્ષા લેવાનું નક્કી કર્યુ. ત્રણે શિષ્યો તો ઘરે જવાના ઉત્સાહમાં નિકળી પડ્યા.ગુરૂકુળના દરવાજે એક મોટો પત્થર અને થોડા કાંટા ઝાંખરા પડ્યા હતા.

      હવે પહેલો શિષ્ય નીકળ્યો. એણે આ જોયું તેણે કાંટા પર થોડા નાના મોટા પત્થર નાંખ્યા અને જવાનો રસ્તો બનાવી દીધો. એ ગયો થોડે સુધી તેને ગુરૂના એક માણસે ઊભો રાખ્યો.

      ત્યાં બીજો શિષ્ય નીકળ્યો. તેણે તો પત્થર કૂદીને માર્ગ મેળવ્યો. એને પણ આગળ રોકવામાં આવ્યો.

     ત્રીજો શિષ્ય આવ્યો ને એણે વિચાર્યું કે, મને થોડું મોડું થશે પણ રસ્તા પરથી સાફ કરીને આગળ જાઉ, જેથી બીજા માણસોને તકલીફ ન થાય. તેણે પત્થર, કાંટા અને ઝાંખરા ઉપાડ્યાં અને રસ્તો ચોખ્ખો કરી દીધો.

      ગુરૂ જે છુપાઈને જોતા હતા તે બહાર આવ્યા અને શિષ્યને ગળે લગાડી કહ્યુ , “તું સાચું જ્ઞાન મેળવી શક્યો છે. વેદો સાથે જીવતરનું પણ.”

      પેલા બન્ને શિષ્યને પાછા ગુરૂકુળમાં જવું પડ્યું. આમ ત્યાં ગાય ચરાવવી, દોહવી, કચરો સાફ કરવો એ બધાંની સાથે વેદોનો અભ્યાસ થતો.

      ધીરે ધીરે પાટી પેન અને શાળા આવી ને વિષયોના જુદા જુદા શિક્ષકો આવ્યા. એટલે વિષયોની ઋચિ બદલાય. હા! અમારા સમયે પાટી પર લખી ગૃહકાર્ય થતું. તેથી અમારી યાદ શક્તિ અજબની.

      જ્યારે અત્યારે ગોખણપટ્ટીને મહત્વ છે. અમારી શાળામાં માન મર્યાદા અને સત્ય હતું. શિક્ષા ઓછી અને શિક્ષણ વધુ હતું. એકતાની ભાવનાને આઝાદીનું જોમ હતું. શિક્ષક પિતા સમાન ને શિક્ષિકા માતા સમાન પ્રેમ કરતાં. એકબીજાને ન સમજ પડે તો શિખવતા. પ્રયોગાત્મક અભ્યાસ હતો. હુંસાતુસીને સ્થાન નહોતું. એકની નોટ બીજાને કામ લાગતી. પાઠ્યપુસ્તક અડધી કિંમતે મળતા અને બીજાના વાપરતા. પુસ્તક પર પૂંઠું ચઢાવી શોભાવતા. અભ્યાસ પૂરો થતો તો શિક્ષકોથી  જુદા પડવાનું દુખ લાગતું.

      અત્યારનો સમય એક કૂતરા કે મરધાની લડાઈ જેવું છે. ટકાવારી માટે જાન પર આવી બાજી લગાડવામાં આવે છે. જાન પર આવી જાય તો મરઘો પણ એના બળથી કૂતરાંને ચાંચોના પ્રહારથી ભગાડી મૂકે.

     ગોખણપટ્ટી કરી જ્ઞાન મેળવી કોલેજમાંથી નોકરી પર જનારા પાસે સામાન્ય જ્ઞાનનો પણ અભાવ હોયછે. બરકેશ જો તુ નિકળ્યો છે શાળાએ જવા અને તને તારું લખેલું કાગળ નથી મળતું? કારણ નોટમાં લખ્યા પછી તને ખબર નથી કે, શેમાં છે. માનું છું કે એક નોટમાં જ લખવાનું છે -  તો દરેક વિષયના થોડા પાના જુદા જુદા વિષયના બનાવો ને આરામથી મળશે.  પણ સીધી સરળ વાતને ઊંધા હાથે કાન પકડી જીવવાની તમને ટેવ પડી છે.

      બરકેશને થયું પિતાજીની સરળ વાત આપણને કેમ ન સમજાણી? કારણ જીવનધોરણનું  જ્ઞાન જ નથી. ચાલો પહેલાની જેમ ભણવું હોય તો ગણવું પણ પડશે. તો શુ કરશો?  ત્રીજા શિષ્ય બનવા ભણતર સાથે ગણતરને સ્વીકારશોને? ગોખવા કરતાં અભ્યાસુ બનશો ને? તો જરૂર જીવી જશો. શોધવું નહિ પડે જીવનને - તે હાથવગું હશે.

     હવે સમજાયું? જો એક ચોપડીથી ચાલતું હોય તો બે કેમ? એકને એકવાર વાંચી યાદ રાખો તો એ માટે વધુ ખર્ચ અને મેહનતમાંથી બચી જશો.

    ખંત એ જીવનની સૌથી મોટી મૂડી બની જશે.

    કરશો ને તમારી મિત્રની આ વાર્તામાંથી સાર ગ્રહણ? સાચું શિક્ષણ જીવનધોરણ અને સામાન્ય જ્ઞાન ને ત્વરિત બુદ્ધિ છે.

    ફરી બકા  જમાદારની સાથે આવતા મંગળવારે...


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.