મને મળી ગયો છે મારો હિમાલય

     ‘મને મળી ગયો છે મારો હિમાલય’…કોણ બોલ્યું?

     ‘મારું જીવન એજ મારો સંદેશ’ …સચ્ચાઈ, સાદગી, સમાનતા , સેવા ને સહકારની એક જીવંત છબી આગળ, એક એકવીસ વર્ષનો મેઘાવી નવજુવાન, અમદાવાદની નજીક આવેલા કોચરબ આશ્રમમાં ઊભો છે. વાતે વળગે છે ને બોલી ઊઠે છે …’મને મળી ગયો છે મારો હિમાલય’… ગાંધી બાપુ
  જૂન-૭, ૧૯૧૬ના રોજ આ ઉદગાર કાઢનાર જુવાનનું નામ છે વિનાયક નરહરિ ભાવે. આજે બાળમિત્રો આ વિનાયકની, આઝાદીની ચળવળના આ સત્યાગ્રહી સપૂતની રસભરી કહાણી માણીશું.

મહારાષ્ટ્રના કોલાબા જીલ્લાનું આ નાનકડું ‘ગાગોડે’ ગામ છે. વહાલથી નાનો વિનાયક પૂછે છે.. મા તું કેટલા સરસ અભંગો ગાય છે..એક વધારે ગા ને! માતા રખુબાઈ કે રુકિમણીબાઈ ને પિતા નરહરિની નું એ લાડકું સંતાન. વહેલી પરોઢે માતાના સૂરિલા કંઠમાં વહેતાં સંત તુકારામ ને સમર્થ રામદાસના અભંગો સાંભળી ,ભક્તિમાં રંગાતો પથારીમાંથી રોજ ઊભો થાય. માતાની સાથે વ્રત, પૂજા ને ચારિત્ર્ય કથાઓ સાંભળવા જવા , એ સદાયે ઉત્સુક. શીશુવયથી જ આધ્યાત્મિક ભાવો તેના બાળ- હૃદયમાં છલકાતા જતા હતા. ગણિતનાં પલાંખાં અને કોયડા રોજ પિતાને પૂછે અને તેની કુશાગ્ર બુધ્ધી જોઈ, શાળામાં શિક્ષકો તેને ભૂમિતિ ને ગણિતનો એક્કો કહેતા. પિતાજીએ આ હોનહાર બેટાને આગળ ભણવા વડોદરા મોકલ્યો , પણ આ વિનાયકનું મન સંસ્કારથી સંન્યાસી જેવું. મેટ્રીક પછી આગળ, મુંબાઈ કોલેજ જવાને બદલે , એ હિમાલયની પાવનતા ઝીલવા ઉપડી ગયો કાશી. કાશીમાં અન્નક્ષેત્રમાં જમે ને પ્રાચીન શાસ્ત્રોનું અધ્યયન કરે. જે શાસ્ત્રો સમજતાં બાર વર્ષો લાગે ,તે તેણે બાર મહિનામાં આત્મસાત કરી લીધાં. હવે વિચારવા લાગ્યો કે હિમાલય જાઉં કે બંગાળની ક્રાન્તિકારી ભૂમિ બાજું. પણ આ જુવાનનું ભાવિ કઈંક જુદું જ વિચારતું હતું.

કાશીમાં બનારસ યુનિવર્સિટિનો ઉદઘાટન સમારંભ , ગાંધીજીના વરદ હસ્તે રાખેલો છે. એ જમાનાના રજવાડી અને માન્ય નેતાગણો પધાર્યા છે. વિનાયક રસપૂર્વક, બીજે દિવસે છાપામાં આ બધી વાતોના સમાચાર રસપૂર્વક વાંચી રહ્યો છે. ગાંધીજીની સરળ વાતો એ વાંચતો જાય ને તેને અહોભાવ થતો જાય..અનેક પ્રશ્નો તેના મનમાં રમે. લાવને ગાંધીજીને જ પ્રશ્નો લખી જવાબ માગું તો?. વિનાયકે તો લખ્યો કાગળ ને તેના આશ્ચર્ય વચ્ચે જવાબ મળ્યો ગાંધીજીનો…’અહીં આવો’ . વિનાયકતો ઉત્સુકતાથી અમદાવાદ કોચરબ આશ્રમે પહોંચી ગયો.

બાળમીત્રો , જાણો છો..ગાંધીજી આ સમયે શું કરતા હતા? આશ્રમના ભોજન માટે શાક સમારતા હતા. વિનાયકને પાસે બોલાવી કહે..’આવ , શાક સમારીએ.’ વિનાયકતો બાજુમાં ગોઠવાઈ ગયો ને સાથે સાથે મનમાં રમતા પ્રશ્નોની વાત કરતો જાય. ગાંધીજીએ દેશના લોકોમાં ચેતના જગવવા જે જેહાદ ઉપાડી છે, તે જોઈ તે અંજાતો જાય. બાપુ..આ આશ્રમો શું કરવા બનાવવા છે? ગાંધીજી કહે , જેમ વિજ્ઞાન શીખવા પ્રયોગ શાળા જોઈએ , તેમ આ આશ્રમો સામાજિક પ્રયોગ શાળા છે. આશ્રમ એટલે સેવા , સહકાર ને સ્વમાન ભણી સ્વાશ્રયી કુચ. હિમાલયમાં જવા નીકળેલો આ વિનાયક..ગાંધીજી સામે નમી બોલી ઊઠ્યો…’મને મળી ગયો…મારો હિમાલય’… બાળમીત્રો કેવી મજાની વાત નહીં!

ગાંધીજીએ આ નવજુવાનનું હીર પારખ્યું ને કહે ..’ ભાઈ તમે મરાઠી બ્રાહ્મણ ..ને અમે સન્માન માટે ગુજરાતમાં નામ પાછળ ‘ભાઈ’ લગાડીએ, જ્યારે તમે ‘બા’ લગાડો…રાઘોબા… તુકોબા… વિઠોબા ..બરાબરને? ચાલ વિનાયક તને હવે હું ‘ વિનોબા’ કહીશ…ચાલશે? આજે સૌના જીભે રમતું આ નામ ‘વિનોબા’ એટલે ખ્યાત ‘ભારત્ન રત્ન’ એજ આ આપણો આ વિનાયક. પછીથી ખુશખુશ વિનાયક, ગાંધીજીની રજા લઈને, ઘેર વતનમાં બાર માસ માટે ઉપડી ગયો. શીખેલાં શાસ્ત્રોના વિષયો પર ઠેરઠેર, ભાષણોથી લોકોએ તેમને આચાર્ય વિનોબા ભાવે બનાવી દીધા. ભાષા શીખવાનું તો એને બહું જ ગમે..મરાઠી , સંસ્કૃત, ગુજરાતી, હિન્દી , ઊર્દુ અને ઈંગ્લીશ.. શીખતો જ જાય…સાહિત્યના અભ્યાસે તેની તેજસ્વીતા છલકાતી જાય.

આ વિદ્વાન વિનોબા જુવાન વતનથી, ગાંધીજી પાસે પાછો, આશ્રમમાં આવ્યો. સઘળું કામ ખંતથી એવું કરે કે સાથીદારોને લાગે નહીં કે આ મહાવિદ્વાન આપણા જેવા સામાન્ય જન સાથે આટલું હળી જશે.ગાંધીજીએ વિનોબાને કહ્યું ,’ ભાઈ તારે હવે વર્ધા આશ્રમનું કામ સંભાળવાનું છે , ને પછી આવા જ આશ્રમો આપણે ભારતમાં સ્થાપવા છે. ગાંધીજીની આજ્ઞા મળતાં જ , વિનોબા ૮મી એપ્રીલ ૧૯૨૧એ પહોંચ્યા વર્ધા. વિનોબાએ સૌને બોલાવ્યા.. ‘આવો મિત્રો મંગલ વિધિનો પ્રારંભ કરીએ…

શરુઆત વિનોબાના હસ્તે કેવી રીતે થઈ? એ વાત પણ મજાની છે ….ટોપલીમાં અનાજ લાવવામાં આવ્યું. બધા દળવાની હાથ ઘંટી પાસે ભેગા થયા. ફૂલ મૂક્યા ને વિનોબા જાતે અનાજ દળવા બેઠા. સ્વાશ્રયના પાઠથી, સેવા અને સહકારની આ ધરોહર વિનોબાએ સંભાળી લીધી. સાથે સાથે ‘મહારાષ્ટ્ર ધર્મ’ માસિકથી વિચાર ને આચારની જ્યોત આસપાસના પ્રદેશોમાં જગાવવા માંડી. આદ્ય શંકરાચાર્યની ભારતના ચાર ખૂણે મઠ સ્થાપનાની વાત યાદ કરીને , ભારતના વિભિન્ન પ્રદેશોમાં આવા આશ્રમો બનાવવા , ગાંધીજીના વિચાર પગલે, આ યુવાન હવે પૈદલ યાત્રાએ નીકળી પડ્યો. લોકોને મળતો , જે તે પ્રદેશની લોકબોલી શીખતો, ઘૂમે ને ભારતને ઝીલે. વિનોબાની આ યાત્રા બિહાર પહોંચી ને બોધીગયાની પૂણ્યભૂમિમાં જગ્યા પસંદ કરી આશ્રમ સ્થાપવાની શરૂઆત કરી.અનેક પંથના વિચારો જનકલ્યાણ માટે જ છે એમ કહી..આ આશ્રમને નામ આપ્યું..’સમન્વય આશ્રમ’. લોકોને સેવામાં જોડી ને ‘ રેંટિયો… દીન તણો દાતાર’ કહી, વિનોબાએ આત્મવિશ્વાસ જગાવવા માંડ્યો .

‘વિનોબા મેલ’ એ અમારો પ્રિય શબ્દ. અમને શાળામાંથી નજીક કોઈ પ્રવાસે લઈ જવાનું થાય ત્યારે એક શિક્ષક કહેતા..આપણે ‘વિનોબા મેલ’ માં જવાનું છે, એટલે કે ભાઈ પગપાળા પ્રવાસનું આયોજન છે. ..સવારે સમયસર આવી જજો. મિત્રો ..વિનોબાના આ પગપાળા પ્રવાસની યાત્રા બાર વર્ષ ચાલી . ને સૌને શબ્દ મળ્યો આ ‘વિનોબા મેલ’. આ મેલથી તેમણે કુલ છ આશ્રમો સ્થાપ્યા..મહારાષ્ટ્ર-પવનાર(બ્રહ્મ વિદ્યા),પંજાબ. પઠાણકોટ (પ્રસ્થાન આશ્રમ), આસામ- લખમીપૂર (મૈત્રી આશ્રમ), મધ્ય પ્રદેશ – ઈન્દોર (વિસર્જન આશ્રમ) અને કર્ણાટક – બેંગ્લોર (વલ્લભનિકેતન) … મહેનતનો રોટલો ને સ્વમાનથી જીવવા.. દેશ માટે કઈંક કરવાની ભાવના આશ્રમો થકી મક્કમ ગતિએ પ્રગટવા લાગી.

ગાંધીજીએ હવે અંગ્રેજીની હકૂમત સામે સત્યાગ્રહનું શસ્ત્ર સજવા તૈયાર કરી. વિનોબાને કહે થઈ જા કપરી પરીક્ષા માટે તૈયાર..જેલ જવું પડશે..તું મારો પ્રથમ ‘વ્યક્તિગત સત્યાગ્રહી’. ૫મી ઑક્ટોબર , ૧૯૪૦ના દિન તેમને આ સન્માન મળ્યું ને આ જુવાન ચળવળમાં જોડાયો. ધૂલેમાં અંગ્રેજોએ પકડી છ માસનો કારાવાસ દઈ દીધો. તે વખતે જેલવાસ એટલે માનવો સાથે પશુઓ જેવો વ્યવહાર. અનેક લોકોની સાથે જેલમાં બેસી , તે ગાંધીજીના શબ્દો યાદ કરે ‘ ઈશ્વર સિવાય કોઈનો ડર ના રાખો’. તેમણે ગીતાજીના બોધનાં પ્રવચન દઈ જેલવાસીઓમાં આત્મબળ પૂરવા માંડ્યું. આજે તો આ ‘ ગીતા પ્રવચનો’નું સંકલન થઈ પુસ્તક રૂપે પ્રગટ થયું છે અને અનેક ભાષાઓમાં ભાષાન્તર થઈ, તેમની પ્રતિભાનો પરિચય દઈ રહ્યું છે.
આઝાદી મળ્યા બાદ , વિનોબાએ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર થઈ, અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરી. જમીન વિહોણાઓને મફતમાં જમીન દાનમાં આપવા, જમીનદારોને વિનંતી કરતા તેઓ , કેરલ, તામિલનાડું, ઓરિસ્સા, બિહાર ને ઉત્તર પ્રદેશમાં ‘ભૂદાન’ પ્રવૃત્તિ માટે ઘૂમી વળ્યા ને ડંકો વગાડી દીધો.. ‘ગ્રામદાન’ ની પ્રવૃત્તિથી એક હજાર ગામમાં અનોખી રચનાત્મક સુધારાની જ્યોત જગાવી..સહકાર ને કૃષી સાથે ગૌ સેવાની ભાવના ખીલવતા ..આ દાઢીધારી સંતે, મૌનીબાબા બની, સર્વોદયની ભાવનાની લહેર લહેરાવી દીધી.

બાળ મિત્રો, વિનોબાની ચીંતનશીલ કલમે લખાયેલ સુંદર પુસ્તકો..’સ્વરાજ્ય શાસ્ત્ર’..’ગીતાઈ’..’.સ્થિતપ્રજ્ઞ દર્શન’… એ વાંચવા સાચે જ લ્હાવો છે. મહારાષ્ટ્રના પવનાર(પુનાર) આશ્રમ ખાતે જીવનના અંતિમ દિવસો પાસ કરતાં, આ વિદ્વાન, ચીંતનશીલ, કર્મયોગીએ સર્વોદયની જ્યોત જગાવી, ૧૫મી નવેમ્બરે, ૧૯૮૨ના રોજ જીવનલીલા સંકેલી લીધી.

‘ભારત રત્ન’ ના સર્વોચ્ચ ઈલકાબથી નવાજીત આ આઝાદીના લડવૈયા, ‘ વિનોબા ભાવે’ ભારતવાસીઓના હૈયામાં અમીટ છાપ છોડી અમર થઈ ગયા. આ મહાપુરુષના ચરણકમળમાં શત શત વંદન.


રજૂઆત સંકલન લેખ-રમેશ પટેલ(આકાશદીપ)
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.