રુડી રુપાળી ચોપડીને
પુંઠું ચડાવી દઉં,
તમને ગમે તો સરસ મઝાનું
સ્ટીકર લગાવી દઉં.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં....
તમે કહો તો બુટ તમારા
પાલીસ કરી દઉં,
બ્રશ લગાવી, કપડું મારી
ચકચક કરી દઉં.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં....
તુળસી ફુદી રસે રસેલી
ચાય બનાવી દઉં,
ખાંડ ખપાવો ખોબો તોયે
દાદીને ના કહું.
દાદા, મને લખવાનું કહેશો નહીં....
દાદા, મને ભણવાનું કહેશો નહીં....
મા’દેવ–મંદીર દર્શન જવું તો
તમારી લાકડી થઉં,
પગ માંડ્યેથી પીડા થાય તો
કાવડમાં લઈ જઉં.
દાદા, મને ભણવાનું કહેશો નહીં....
સ્વ. બળવંત પટેલ–ગાંધીનગર
સાભાર - શ્રી. ઉત્તમ ગજ્જર, સન્ડે - ઈ મહેફીલ