ત્રણ વર્ષનો નોઆ ડિસેમ્બર ૨૦૧૭ની મધ્યમાં લગભગ નાતાલની રજાઓ શરુ થતાં પહેલા અમારા ક્લાસમાં આવ્યો. માતા પિતા શિકાગોથી આવ્યા હતા. મૂળ મેક્સિકોના વતની એટલે શિકાગોની બર્ફીલી આબોહવા માફક ના આવી. નોઆ એમનુ પહેલું સંતાન એટલે સ્વભાવિક સઘળો પ્રેમ એના પર ન્યોછાવર, અને એ અમને દેખાયું પણ ખરું. સંતાન તો હમેશા બધા માતા પિતાની આંખની કીકી જેવા હોય, પણ ઘણીવાર વધુ પડતો પ્રેમ બાળકની પ્રગતિમાં અવરોધ પણ ઊભો કરી શકે.
ખેર વાત અહીં આપણે નોઆની કરીએ છીએ. નોઆને ગોદમાં ઉઠાવી મમ્મી ક્લાસમાં આવી અને પપ્પા એક હાથમાં મોટી સ્લીપીંગ બેગ પોચો મોટો તકિયો, મખમલી ઓઢવાનુ, બીજા હાથમાં એના ડાયપરની બેગ, વધારાના કપડાં, વેફર્સની મોટી બેગ, ક્લાસ સપ્લાયનુ બોક્ષ બધું લઈ અમારી સામે જોતા ઊભા રહ્યા. બે ઘડી અમે પણ એમની સામે જોતા ઊભા રહ્યાં !! આટલો સામાન મુકવો ક્યાં? મેક્સિકન હોવાં છતાં બન્ને જણા ફાંકડું અંગ્રેજી બોલતા હતા. બધી પુછપરછ પતી, અને મમ્મીએ નોઆને નીચે ઉતાર્યો. પહેલો દિવસ, અજાણ્યું વાતાવરણ, નોઆનો ભેંકડો તાણવો સ્વભાવિક હતો.
મમ્મી પપ્પા પાંચ દસ મિનીટ બેઠા પણ અમારા કહેવાથી છેવટે ક્લાસની બહાર તો નીકળ્યા પણ દરવાજાની બારીમાંથી થોડીવાર જોતા રહ્યા. નોઆ તો થોડીવાર રડીને શાંત થઈ ગયો. અમારું મેજીક શસ્ત્ર સંગીત અને બાળગીતો લગભગ બધા બાળકોને રડવાનુ ભુલાવી શાંત કરી દે. આખો દિવસ થોડો ડઘાયેલો રહ્યો, બપોરના બધા બાળકોના સુવાના સમયે એને જરા થાબડ્યો કે એની સ્લીપીંગબેગમાં ભરાઈને સુઈ ગયો. ખરી મજા બીજા દિવસે આવી.સવારે મમ્મી પપ્પા એને મુકવા આવ્યા અને એમના હાથમાં થી મે નોઆને લેવાનો પ્રયાસ કર્યો ને ધડ દઈને મારા ગાલે એણે એક તમાચો ઝીંકી દીધો. મમ્મીનુ મોઢું જોવા જેવું થઈ ગયું, બિચારી સોરી સોરી કરતી રડવા જેવી થઈ ગઈ, માંડ માંડ એને સમજાવી પણ ત્યારથી મમ્મીને અમે કહ્યું કે તમે ક્લાસમાં આવી અને નોઆને મુકી જજો જ્યાં સુધી એ ક્લાસના વાતાવરણથી ટેવાઈ ના જાય.
ધીરે ધીરે નોઆનુ રુટીન ગોઠવાવા માંડ્યું અને પંદર દિવસની નાતાલની રજા પડી. રજા પછીનો પહેલો દિવસ તો નોઆ લગભગ આખો દિવસ ઊંઘમાં જ રહ્યો. બીજા દિવસે મમ્મી એને ક્લાસમાં મુકવા આવી ત્યારે થોડી ચિંતીત હતી. અમને પૂછવા માંડી કે નોઆ ક્લાસમાં કોઈને મારે છે? કોઈના ગાલે ચુંટલી ખણી લે છે? અમને નવાઈ લાગી કારણ ક્લાસમાં બે દિવસમાં એનુ વર્તન બરાબર હતું.
મમ્મીની ચિંતા અકારણ નહોતી. નાતાલની રજામાં નોઆના માસી,મામાના બાળકો એમના ઘરે નાતાલની ઉજવણી માટે ભેગા થયા હતા અને નોઆ એમને મારી આવતો, ચુંટલી ખણી લેતો એટલે મમ્મીને જાણવું હતું કે ક્લાસમાં નોઆનુ વર્તન કેવું હતું? ઘરમાં નોઆનુ વર્તન અલગ હતું એનુ કારણ કદાચ એ પણ હોઈ શકે કે જે બાળકો ઘરમાં હતા એ કદાચ નોઆને નાનો સમજી મસ્તીમાં ચીડવતા હોય અને એના પ્રતિભાવ રુપે નોઆ મારી આવતો હોય. ક્લાસમાં નોઆનુ વર્તન બરાબર છે એ જાણી એની મમ્મીને ધરપત થઈ.
પંદર દિવસ ઘરે રહ્યા પછી નોઆ સ્કુલમાં હસતાં હસતાં આવ્યો, એ અમારા માટે કોઈ ઈનામથી ઓછું નથી.
અત્યારે નોઆ બોલતો નથી, પણ એનુ હાસ્ય અને ચમકતી આંખો ઘણુ કહી જાય છે.
ભવિષ્યમાં આ ચમકતો તારલો જરુર આસમાનની ઊંચાઈએ પહોંચશે!
- શૈલા મુન્શા
અઢી વરસનો વિરાજ – પ્રિ નર્સરીમાં આજે વિરાજનો પહેલો દિવસ છે. હું વધારે નર્વસ અને વધારે ઉત્સુક પણ છું.
જો કે અઢી કલાકનું શેશન જ છે તોય મને કોઇ અજાણી લાગણી એને નવા વાતાવરણમાં મોકલતાં થઇ રહી છે.
હું છેલ્લા અઠવાડિયામાં ઘણીવાર એને કહું કે તને મજા આવશે તો કહે ‘હું રડીશ ઉં ઉં ઉં…’ એવી એક્ટીંગ કરે, ધાપલાવેડા કરે એટલે
અહિં ત્રણ વરસના નોઆની વાત સમજી શકાય એવી છે.
સરસ. આવી વાતો પ્રસારવી જોઈએ કેમ કે આનાથી વિપરીત બનાવો વધારે છે. નાના બાળકોને રડતાં બંધ કરવા એમને ડરાવવાનો પ્રયાસ કરતી શાળાઓ હજુ પણ છે જ ! આવા સરસ કામ જાણીને આનનાદ થયો.