એક હતો ચકો.
એક હતી ચકી.
ચકો લાવ્યો ચોખાનો દાણો
ચકી લાવી દાળનો દાણો.
(આ વાર્તા વર્ષો જૂની હોવા છતાં; ટૂંકમાં જ જણાવી દીધું છે કે, ત્યારે પણ મોંઘવારી તો હતી જ ! પરણેલાં ને એકલાં રહેવા છતાં કમાવા તો બન્નેએ જ જવું પડતું. )
ચકાચકીએ સાદીસીધી ખીચડી ખાઈને ખાસ્સી એવી બચત કરી પછી, 'બે બાળકો બસ' વાળો સંસાર શરૂ કર્યો. ચકાએ ચકીને કહ્યું, ‘હવે તું ઘરમાં રહીને બાળકોને સાચવ અને એમને મોટા કર. ’
અહીંથી શરૂ થઈ ચકાચકીની અસલી કહાણી. ‘તું પણ નોકરી છોડી શકે, હું જ શું કામ?’ ચકીએ સમાન હકની વાત કરી. ‘સમાજમાં કેવું દેખાય ?’ પ્રશ્ને વાત અટકી, પણ બાળકોના સંસ્કાર ને ભણતરની વાત આવતાં આખરે વાત પતી.
થોડા દિવસો પછી. ચકાએ તો દાળ ને ચોખા લાવવાની ડબલ ડ્યૂટી કરવા માંડી. સ્વાભાવિક છે કે એ થાકીને ઠૂસ થઈ જતો તેથી ઘરે આવીને સીધો સોફામાં પડતું મૂકતો. (બચતમાંથી એમણે વેલ–ફર્નિશ્ડ ફ્લૅટ વસાવેલો). ચકલી અહોભાવથી ને પ્રેમથી હાથમાં પાણીનો ગ્લાસ લઈ હાજર થતી (!) ને લાડથી પૂછતી, ‘ચા મૂકી દઉં ?’
‘રોજ રોજ શું પૂછવાનું ? મૂકી જ દેવાની ને. ’ ચકાને એકના એક સવાલથી કંટાળો આવતો.
‘બાળકો ક્યાં છે ?’ ઘરમાં શાંતિ જણાતાં એને યાદ આવતું.
‘તારી રાહ જોઈને હમણાં જ સૂઈ ગયાં. ’ ચકી નિરાશ સ્વરે બોલતી. ચકાનો મૂડ આઉટ થઈ જતો.
રજાના દિવસે ચકો, ચકી અને બાળકોને લઈને ફરવા જતો. આખો દિવસ આનંદના ગીતો ગાવામાં ચકાનો આખા અઠવાડિયાનો થાક ઉતરી જતો. બધાને ખૂબ મજા પડતી.
પગારમાં વધારો થતાં ચકાએ ટી.વી. વસાવ્યું. હવે ચકો રાત્રે ઘરે આવતો ત્યારે બાળકો સૂઈ નહોતાં જતાં. ચકી સાથે બેસીને સૌ ટી.વી. જોવાની મજા લેતાં. શરૂઆતના દિવસોમાં તો ચકો ઘરમાં આવતો કે બાળકોમાંથી કોઈ દોડીને પાણીનો ગ્લાસ લઈ આવતું, કોઈ ચા મૂકી દેતું ને મમ્મીને આનંદ થતો. ‘મારા દિકા બૌ ડાહ્યા.’
પછીથી ચકો જાતે પાણી લઈને પીવા માંડ્યો અને ચાના નામનું એણે પાણી મૂકી દીધું !
ચકાચકીની જિંદગીમાં હવે ટી.વી.એ બહુ મોટો વળાંક લાવી દીધો. (કહાનીમેં ટ્વિસ્ટ !)
ચકી સિરિઅલો જોતી હોય કે બાળકો કાર્ટૂન જોતાં હોય, ત્યારે ચકાએ અવાજ નહીં કરવાનો એવો નિયમ થઈ ગયો. બીજો નિયમ તે, થાળી ઢાંકી હોય તે ચૂપચાપ જમીને ધોઈને મૂકી દેવાની!
ચકાએ કંટાળીને બીજું ટી.વી. વસાવી લીધું. હવે એ નિરાંતે જમતી વખતે ક્રિકેટ કે સમાચાર જોઈ શકતો.
(આના કરતાં જો ચકાએ પણ સિરિઅલો જોવાની મજા લીધી હોત તો એને ચકી ને બાળકો સાથે મજાનો સમય પસાર કરવા ના મળ્યો હોત? કેટલા બધા, વગર કામના ઝઘડાઓ ટળી ના ગયા હોત ? પણ ચકાને એવું બધું આવડ્યું નહીં અને એ નાહકના ખોટા ખર્ચાના ખાડામાં ઉતરી ગયો.)
પછી તો, રજાના દિવસોમાં પણ બધા ટી.વી.ની સામે જ ચોંટી રહેતાં ને સાથે હરવાફરવા કે ખાવાપીવાની વાતો કોઈને યાદ આવતી નહીં. ટી.વી.ના કલાકારો બધે ફરતાં, ખાતાંપીતાં ને આનંદ માણતાં તે જોઈને ચકાનો પરિવાર ખુશ થતો! ચકો પોતાના જેવા બીજા, એકલા પડી ગયેલા ચકાઓને ફોન કરીને કશેક મળવા બોલાવી લેતો ને પછી બધા ખાઈ–પીને, હસીમજાક કરીને છૂટા પડતા.
ટી.વી.એ બધાની જિંદગી સરસ ગોઠવી આપી હતી કે, અચાનક જ મોબાઈલ નામના વાવાઝોડાએ એમના માળાને ધ્રૂજાવી દીધો. ચકાની ઓફિસમાં દિવાળીની ગિફ્ટમાં બધાને મોબાઈલ મળ્યો. ચકો તો ખુશ થતો ઘરે આવ્યો. ચકી ને બાળકો પણ નવું રમકડું જોઈ ખુશ થયાં. બહુ વખતે બધાં બહાર ફરવા ને ખાવા ગયાં.
‘આપણે બહુ વખતે બધાં સાથે બહાર નીકળ્યાં, નહીં ?’ બધાંએ એકબીજાને કહ્યું. એમને લાગ્યું કે, ટી.વી.એ એમને એકબીજાથી દૂર કરી દીધાં તે ઘણું ખોટું થયું; પણ બસ, હવે વધારે દૂર નથી રહેવું. પાછાં પહેલાંની જેમ જ રહીએ. હવે ફરી રજામાં બહાર નીકળી પડવું, એવું નક્કી થયું.
પછી તો રજાના દિવસોમાં ફરીથી ચકો પરિવાર ફરવા નીકળવા માંડ્યો ને મજા કરવા માંડ્યો. પણ જ્યારથી મોબાઈલે ચકાના પરિવારની ખુશીમાં દખલ દેવા માંડી ત્યારથી.....? હસીમજાકની વાતો ચાલતી હોય ને બાળકો આઈસક્રીમ ખાતાં હોય ને ચકી એની અચાનક જ મળી ગયેલી કોઈ સખી સાથે વાતે લાગી હોય કે ચકાનો મોબાઈલ ગાજી ઊઠતો અને ચકો વાતે લાગી પડતો. વાતમાં એ ભૂલી જતો કે ચકી ને બાળકો એની સાથે છે, એની રાહ જુએ છે!
પછી તો ચકાને ઘરનાં વગર ચાલતું પણ મોબાઈલ વગર ન ચાલતું! ચકો મોબાઈલ વગર શ્વાસ ન લેતો, તો પછી શ્વાસ મૂકવાની તો વાત જ ક્યાં? ચકાને લાગતું કે મોબાઈલ વગર એ અધૂરો છે. (જે પહેલાં ચકી વગર અધૂરો હતો !) એની જિંદગીમાં જો મોબાઈલ ન હોત તો ? એને ધ્રૂજારી છૂટી જતી.
ચકીની સતત કચકચ અને બાળકોની જીદ આગળ નમતું જોખીને આખરે ચકાએ બધાને મોબાઈલ લઈ આપ્યા. હવે બધા પોતપોતાનાં મોબાઈલમાં ખુશ છે, બીઝી છે. પણ હવે ફાધર્સ ડે પર ચકો, એના પરિવાર–એના બાળકો પાસેથી કોઈ સરસ ગિફ્ટની રાહ જુએ છે ! ફાધર ચકાને ગિફ્ટમા શું મળશે ? તમને શું લાગે છે ?
- કલ્પના દેસાઈ