જીવનમાં અનેક પ્રસંગો બનતા હોય છે જે આપણને જીવતા શીખવાડે છે. ઘણા પ્રસંગો લાંબે ગાળે સમજાય છે હું કોલેજમાં હતી ત્યારે ફેશન ડિઝાઈનર બનવું હતું ઘરમાં રહીને દરજી બેસાડી કપડાં ડિઝાઇન કરતી, દરજીકાકાને સતત કામ કરતા જોતી દરવખતે દરજીકાકા કાતર વાપર્યા પછી પોતાના પગ નીચે મુકતા અને પોતાનાં અંગુઠાથી દબાવી રાખતાં. અને જયારે જયારે પણ તેઓ પોતાની સોય ઉપયોગ કરે તો તેનો ઉપયોગ કર્યા બાદ પાછી તેને પોતાની ટોપીમાં ખોસી દેતાં. સોય અને કાતર આ બે જ દરજી કામ માટેના તેમનાં સાધનો હતાં. એવું કેમ,” એકવાર મેં તેમને પુછ્યું। કાકા બોલ્યા સોય એ સન્માનને લાયક છે જયારે મારી કાતરને દરેક ઉપયોગ પછી સજાની જરૂર પડે છે.”“પણ એવું કેમ?” “આવું કરવાનો શો અર્થ!”કાતર પણ તમને ઉપયોગી છે ને ?
દરજીકાકા એ કહ્યું હતું તે હજી પણ યાદ છે , “કાતર કાપવાનું કામ કરે છે, જયારે સોય છે તે જોડવાનું કામ કરે છે. જે જોડવાનું કામ કરે છે તે હંમેશાં વધારે શક્તિશાળી હોય છે.”કશું તોડી નાંખવું, છોડી દેવું, પડતું મુકવું એ બધું તો એકદમ સહેલું છે.જેને સર્જન કર્યું છે તે હંમેશાં તેને તોડવા વાળા કરતાં વધુ શક્તિમાન હોય છે.”ઇર્ષામાં બાળકને કોઈના રમકડાં તોડતા તમે જોયા જ હશે. તેમ વડીલો ને ભેદભાવમાં જીવતા જોયા છે ને ?, અનેક પ્રકારના વિરોધાભાસ વચ્ચે બે બાજુને જોડતો એક સેતુ બાંધીએ તો કેમ ?
વાત સોયની જેમ સાંધવાની છે. તોડવું સહેલું છે પણ ફક્ત તેને વાવવામાં અને ઉછેરવામાં જ કરુણા, કાળજી અને પ્રેમની જરૂર પડતી હોય છે. સર્જનાત્મક કાર્ય એ શક્તિ છે, એ જ ધર્મ છે.
- પ્રજ્ઞા દાદભાવાલા