ઈસ્માઈલ

પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું,
કેવું અદ્ભૂત છે મારૂં બાળપણ.
મોજ મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું,
કેવું અજાયબી છે મારૂં બાળપણ.

[ આખું ગીત અહીં...]

      મસ્તીખોર આ બાળપણ એકવાર જાય પછી પાછુ ક્યાં મળે છે ?! પણ આપણે આપણા બાળકોમાં, પૌત્ર પૌત્રીમાં ફરી આપણુ બાળપણ જીવી લેતા હોઈએ છીએ.  હું તો ઘણી નસીબદાર છું કે મારા આ અનોખા બાળકો સાથે કામ કરતાં અનાયાસે આ માસુમિયત આ બાળપણ ફરી જીવવાની રોજ તક મળે છે.

      આ વર્ષે એક નવો છોકરો ક્લાસમા આવ્યો છે નામ એનુ ઈસ્માઈલ. પહેલા તો નામ સાંભળી મને થયું કે કોઈ મુસ્લિમ બાળક હશે, પણ જ્યારે જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મેક્સિકન બાળક છે. મેક્સિકન ભાષા ના શબ્દો અને ભારતિય ભાષા ના શબ્દો ઘણા મળતા આવે છે. સંસ્કૃતિ પણ ઘણી મળતી આવે. બીજા મેક્સિકન બાળકો ની જેમ ઈસ્માઈલ પણ તંદુરસ્ત અને ગોળ ચહેરો. માતા પિતા ઘણા જુવાન અને પ્રેમી પંખીડાની જેમ બન્ને હમેશા ઈસ્માઈલને સાથે મુકવા આવે.

      દેખાઈ આવે કે ઈસ્માઈલને વધુ પડતા લાડ આવી રહ્યા છે. તોફાની ઈસ્માઈલ એમના રહેઠાણના સ્થળે બીજા બાળકોને રમતા ધક્કો મારી પાડી નાખે, આટલા નાનકડા બાળકને વાત વાતમાં ખોટું લાગી જાય, રમતાં રમતાં પોતાનુ ધાર્યું ન થાય તો એક ખુણામાં જઈ બેસી જાય, વગેરે વાતો એમણે જ અમને કહી હતી અને રમત ના મેદાન મા અમે પણ એ જોયું.
      સ્વાભાવિક જ અમારે ફક્ત ઈસ્માઈલ નહિ પણ બીજા બાળકોની સુરક્ષા નો પણ ખ્યાલ રાખવાનો હોય, એટલે થોડી સમજાવટ થોડા કડક થઈને એ આદત દૂર કરવામા અમે સફળ થયા. ધીરે ધીરે ઈસ્માઈલ બધા સાથે હળી ગયો. ઈસ્માઈલ અમારા ક્લાસમાં વાચા પૂરી ન ખુલવાને કારણે હતો. લેબલ તો હતું Autistic child નુ, પણ દેખાઈ આવતું હતુ કે માતા પિતાના લાડે એને જીદ્દી બનાવી દીધો હતો.
      ખરી મજાની વાત હવે આવે છે. આ વર્ષે અમારા બાળકો દર વખત કરતાં બોલકાં વધારે છે. સામાન્ય રીતે ત્રણ વર્ષનુ બાળક જ્યારે ક્લાસમા આવે ત્યારે ચૂપચાપ હોય, પણ થોડા જ સમયમાં  મોટાભાગના બાળકોને સંગતની રંગત લાગી જાય. આમ જોવા જઈએ તો  દુનિયામાં બીજાની મદદ કરનાર માણસો શોધવા પડે પણ અમારા ક્લાસમા એની કોઈ કમી નહિ.
      અમારા ક્લાસની જેનેસિસ -  બપોરે ઘરે જવાના સમયે જે મમ્મી કે પપ્પા પોતાના બાળકને લેવા આવે એમને તરત જ દોડીને બાળકનુ દફતર એનો નાસ્તાનો ડબ્બો કે જે વસ્તુ હોય તે મમ્મી, પપ્પાના હાથમા જઈને આપી આવે. હમેશ મદદ કરવા તત્પર. આજે જ્યારે મોનિકા ના પિતા એને લેવા આવ્યા કે તરત જેનેસિસ દફતર લેવા દોડી અને દફતર લઈ મોનિકા ના પિતા ના હાથમા આપ્યું.

      અચાનક ઈસ્માઈલનો ભેંકડો સંભળાયો. એક ક્ષણ તો હું અને સમન્થા હક્કબક્કા થઈ ગયા. અચાનક ઈસ્માઈલને શું થયું? એ ભાઈ પણ દોડતા જઈને સેવાનુ કામ કરવા માંગતા હતા, પણ મોડા પડ્યા.  ઈસ્માઈલના રડવાનું કારણ સમન્થાને ના સમજાયું પણ મને ખ્યાલ આવી ગયો. તરત મે મોનિકાના પિતાને કહ્યું ”મહેરબાની કરી મને દફતર પાછું આપો.”

       દફતર લઈ ખીંટીએ જઈ લટકાવ્યું. ઈસ્માઈલ દોડીને દફતર લઈ આવ્યો,અને જાણે આખી દુનિયા પર વિજય પ્રાપ્ત કર્યો હોય તેમ  ગર્વભેર દફતર મોનિકાના પિતાના હાથમાં આપી આવ્યો. એનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો.

     કેવું અનોખુ છે આ બાળપણ?!    ગાલ પર આંસુ અને હાસ્યનો  એ અનુપમ નજારો આ બાળકો સાથે કામ કરવાનો ઉત્સાહ હમેશ જીવંત રાખે છે. રોજની આ મસ્તી અને એમનો વિશ્વાસ એમની માનસિક વિકલાંગતા ને ભુલાવી વધુ વહાલ જગવે છે.

   -   શૈલા મુન્શા

તેમનો બ્લોગ અહીં....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *