- છાયા ઉપાધ્યાય
(શિક્ષિકા, આનંદ કન્યાશાળા, ચિખોદરા, આણંદ)
ગામના બે ઘેર ટીવી હતાં. એમાંના એક ઘેર વીસીઆર પર ફિલ્મ શોની જાહેરાત થયેલી. જાગરણની રાતે. 'કઈ ફિલ્મ?' એ પ્રશ્ન બેમાની હતો. ફિલ્લમ જોવાની જ મજા ! ટિકિટ દર રુપિયા બે.
સવાલ બે રુપિયાનો નહોતો. સવાલ સ્ટેટ્સનો હતો. "પ્રદિપમામા મારી પાસેથી પણ પૈસા લેશે?" છઠ્ઠા ધોરણની એ ઉંમરે પ્રશ્ન કોને પૂછવો ? એટલું જ નહીં, 'આવુ પૂછાય કે નહીં?' તે પ્રશ્નો ય છોગામાં. પરિણામે, ફિલ્મ જોવા જવું, નથી જવું - ની ચઢઉતર પાંચ દિવસ ચાલી. પાંચમી રાત્રે બે રુપિયા લઈ ઊપડ્યા લક્ષ્મીપુરા ફળિયે.
હજી બજારમાં ખરીદી કરવા જવાના પ્રસંગો નહોતા બન્યા. કોઈકના ખેતરના નવા પાકનું પહેલું દાપુ કે ડોડા-ચણા-મફરીની લણણીમાથી પહેલી ઝૂડી કે દિવાળી ટાણે 'ભૉણી માટે' ફટાકડા ઘરે પહોંચે, એ સામાન્ય ક્રમ હતો. 'બીજી' નાતના કેટલાક પરિવારો સાથે તો એવો સંબંધ હતો કે ખાલી ઘર જ જુદા. પ્રદિપમામાનું ઘર એ સંબંધમાં આવે.
ઘરના વડીલોને વાત કરતાં સાંભળ્યા હતા, "કૉને મફત બતાવે અને કૉને ના પાડે!" આમ પણ,અત્યારની ભાષામાં કહું તો પ્રદિપમામા 'કૅપિટાલિસ્ટ' માઈન્ડસૅટ વાળા. તેમની ઢબ-છબ જુદી પડતી. બેઠી દડીના પણ દળદાર નહીં, અને હૅન્ડસમ ચહેરો. "પ્રદિપ પ્રોવિઝન સ્ટોર' શબ્દ જુથ એવું તો મનમાં બેસી ગયેલું કે અમદાવાદ જાઉં તો પણ "____ પ્રોવિઝન" માં ય 'પ્રદિપ' વંચાતું. પ્રદિપમામાની દુકાને કંઈ નવી વસ્તુ આવી? - તે જોવાની ઉત્કંઠા રહેતી. લાયસન્સ રાજના જમાનામાં એ અમારો શૉપિંગ મૉલ હતો.
ફિલ્મ જોવા પહોંચ્યા. લગભગ પાંત્રીસ બાય બાર/પંદરની પરસાળને બહારની તરફથી આવરતી લાંબી ઓટલી. પરસાળમાં પ્રવેશવા બે તરફની ઓટલીઓ વચ્ચે છોડેલી જગ્યામાં પ્રદિપમામા ઉભા હતા. ઓટલીઓ તરફનો બાહરી ભાગ યુરિયાની સફેદ 'થેલી'ઓના 'ટાટીયા' વડે બંધ કરી દેવાયેલો. છોકરીઓ લાઈનબંધ જતી, બે રુપિયા આપતી અને અંદર ગરકાવ થઈ જતી.
મારો વારો આવ્યો. ઊંડે ઊંડે અપેક્ષા હતી કે "પ્રદિપમામા મારી પાસે તો ના લે!" પણ, મેં ધર્યા અને તેમણે 'મારા' બે રુપિયા લીધા. દરમ્યાન, મેં તેમના ભાવ પારખવા ય કોશિશ કરી. મન પણ થયું કે " મારા હાથમાંથી સિક્કો લેતાં એમને દુઃખ થયું છે? " પણ, મેં 'જોયું હતું કે, તેમના મોં પર સ્થિરતા હતી અને એ સ્થિરતાને મનપસંદ અર્થ ના અપાય એવી સમજણ, ત્યારે, અગિયાર વર્ષની ઉંમરે આવી મળેલી.
લાંબી પરસાળને એક છેડે ટીવી ગોઠવેલું. ફિલ્મ શરું થઈ પછી બે રુપિયા વાળી વાત તો ભૂલાઈ ગઈ. ફિલ્મે ચિત્તનો કબજો લઈ લીધેલો અને જાણે કે કોઈ પરિચિત છતાં અપરિચિત દુનિયામાં પ્રવેશ મળેલો. હજી 'ગુલામી' એટલે અંગ્રેજોએ આપણા દેશ પર કરેલું ખરાબ રાજ એવો અછડતો પરિચય હતો. એ ય પંદરમી ઑગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીને પ્રતાપે. ત્યાં, આ ફિલ્મે એ શબ્દનો વધુ એક અર્થ ખોલી આપેલો. ફિલ્મ 'ગુલામી'એ ઘણા સવાલ આપેલા.
બીજે દિવસે સાંજે, રસોડામાં બેસીને જમી રહી હતી, ત્યારે પ્રદિપમામા આવ્યા. અમારા રસોડામાં તો તે આવે નહીં. પાણીયારામાં, રસોડાના ઉંબરાની બહારની તરફ રહી તેમણે મમ્મીને બે રુપિયા ધર્યા.
"બધા વચ્ચે ના લઉં તો..."
મમ્મી કહે, "રાખો હવે.
" ભૉણીના ના લેવાય." ઉંબરા પર મૂકી ઉતાવળે પગલે જતા રહ્યા.
ઘણું શીખી એ ચૉવીસ કલાકમાં. સૌથી મોટો પાઠ તો 'સામાન્ય' બનવાનો હતો
ઘણું સમજવા જેવું. બાળકોએ આવી સમજ કેળવવી જોઈએ.