- રાજુલ કૌશિક
માઈકલ જેક્સન….
આ નામ કોનાથી અજાણ્યું છે? સંગીતની દુનિયાના સરતાજ જેવા આ ગાયકે વિશ્વભરના લોકોને પોતાના અવાજના દિવાના કરી દીધા હતા એ પણ ક્યાં કોઈથી અજાણ્યું છે? માઈકલ જેક્સનના નામ માત્રથી શૉ વેચાઈ જતા. જરા અમસ્તો અવાજ સારો હોય એવા કેટલાય યુવાનો હતા જેમનો માઈકલ જેક્સન રોલ મોડલ હતો. દરેક પોતાની જાતને માઈકલ જેક્સનની છબીમાં ગોઠવીને અથવા એના જેવી ઊંચાઈને આંબવાના દિવાસ્વપ્ન જોવા માંડ્યા હતા અને અચાનક એ સિતારો ખરી પડ્યો..
ચારેકોર ઉહાપોહ ઊઠ્યો અને ઘણાં લાંબા અરસા સુધી એ પડઘાયા કર્યો. એના અચાનક અને અપમૃત્યુ પાછળના કારણો અને તારણો પણ લોકોની જાણમાં આવવા માંડ્યા. જે કદાચ અત્યંત આઘાતજનક હતા. પ્રોપોફોલ જેવી દવાના વધુ પડતા સેવનના લીધે એની ઝળહળતી કારકિર્દીનો અંત આવ્યો.
વાત માંડી છે તો આપણે અહીં માઈકલ જેક્સનની પણ ખરી વાત કરવી છે અહીં જે કાળ માઈકલ જેક્સનને ભરખી ગયો એની.આ કાળ એક નહીં અનેક સ્વરૂપે હાજરી નોંધાવા માંડ્યો છે.
આ કાળનું નામ છે ડ્રગ.
વ્યક્તિને ઉત્કટ ભાવ કે અભાવના સમયે કશાક આલંબન-ટેકાની જરૂર પડે છે. ક્યારેક આનંદની પળો અને મોટાભાગે વ્યથાની પળો જ્યારે જીરવવી મુશ્કેલ બની જાય ત્યારે વ્યક્તિ બાહ્ય ટેકા શોધે. ક્યારેક શારીરિક વેદના શમાવવા ડોક્ટરો પણ પેઈન કિલરના પ્રિસ્ક્રિપ્શન લખી આપે. સમયાંતરે શારીરિક વેદના તો શમી જાય પરંતુ વ્યક્તિ એ દવાનો બંધાણી બની જાય.
ક્યાંક વાંચવામાં આવેલી માહિતી અનુસાર જાણીતા ડૉ. હરીશ શેટ્ટીના કહેવા મુજબ “ ડિપ્રેશન એટલે માઇન્ડનું ફ્રૅક્ચર.” સાદા શબ્દોમાં કહીએ તો મન ડામાડોળ થવું અથવા ‘ લગે રહોના મુન્નાભાઈની જેમ કહીએ તો કૅમિકલ લોચો થવો..
ક્યારેક એવું બને કે શરીરમાં અશક્તિ કે અક્ષમતાના લીધે વ્યક્તિ પહેલાની જેમ કામ કરી શકતી નથી એવી રીતે મગજમાં એક જાતની અક્ષમતા ઊભી થાય ત્યારે વ્યક્તિની જીવન જીવવાની ઈચ્છા જાણે ઓછી થતી જાય. જીવવવું અકારું લાગે. પૂરતી ઊંઘના અભાવે સ્ફૂર્તિનો અભાવ લાગે, કામમાં મન ન લાગે ત્યારે પણ ઘણીવાર કોઈને ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલી દવા અથવા હાથવગા આવા નશીલા પદાર્થોના સેવનથી તાત્કાલિક રાહતનો અનુભવ થાય અને પછી તો એ સૉ કૉલ્ડ દવા વગર વ્યક્તિને પોતાનું જીવન અકારું લાગે, પૂરતી ઊંઘના અભાવે સ્ફૂર્તિની કમી લાગે
ક્યારેક એવું ય બને કે મહેફિલમાં યાર-દોસ્તો સાથે જાણે અજાણે જસ્ટ ફોર ફન- એકાદ બે પફ લીધા હોય અને મઝા પડી ગઈ હોય. આ નિર્દોષ મઝા માણવા માત્રના આશયથી ફરી એકવાર અને પછી તો વારંવાર આ પફ કે ડોઝ લેવાની ઈચ્છા થાય.
શરૂઆત નાના ડોઝથી થાય. આ પહેલો ડોઝ જે મન-મગજ અને શરીર પર અસર કરે એ ક્ષણો તો એને અત્યંત અદ્ભુત અનુભૂતિ સમી લાગે. વ્યક્તિ જાણે પોતાના દુઃખ- દર્દથી દૂર આ જગતથી પણ અલગ દુનિયામાં જઈ પહોંચે અને પછી તો આવો અદ્ભુત અનુભવ વારંવાર કરવાની ઇચ્છા જાગે. એ ઈચ્છા ક્યારે આદત અને પછી વ્યસનમાં તબદીલ થઈ ગઈ છે એની જાણ થાય ત્યારે તો એ ઘણો આગળ વધી ચૂક્યો હોય જ્યાંથી પાછા ફરવાનું કપરું બની જાય.
ભાંગ, ચરસ, ગાંજો, અફીણ, કોકોપતિ જેવા નેચરલ ડ્રગથી માંડીને હેરોઇન, કોકેન, એમફીટામાઇન, એકસટેસી, એલએસડી, એમડીએમએ જેવા નશીલા પદાર્થો વ્યક્તિને શરૂઆતમાં શારીરિક દુઃખ, અનિંદ્રા, ચિંતા, ડિપ્રેશન કે એન્કઝાઈટીમાં રાહત આપે છે. વ્યક્તિ જાણે સાવ હળવીફૂલ થઈ ગઈ હોય એવું અનુભવે. પરમ શાંતિ અને રાહત અનુભવે
પણ ત્યારબાદ ધીમે ધીમે દવા કે ડ્રગ એને બંધાણી બનાવી દે છે. વ્યક્તિ તન-મન અને ધનથી ખોખલી થતી જાય નાક વાટે , સિગારેટ કે ઈન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ થતા આ નશીલા પદાર્થોની એ એટલી તો બંધાણી બનતી જાય કે એ મેળવવા માટે થઈને એ કોઈપણ હદ વટાવી દઈ શકે છે.
આ હદે પહોંચેલી કોઈપણ વ્યક્તિને પાછી વાળવી અઘરી તો છે પણ સાવ અશક્ય તો નથી જ. વ્યક્તિ પોતે ઈચ્છે અને પરિવારનો સાથ-સ્નેહ-હૂંફ હોય તો આ કપરી સ્થિતિમાંથી બહાર આવી શકે. રિહેબિલિટેશન આવી વ્યક્તિઓને મદદરૂપ થઈ પડે છે.
રિહેબિલિટેશન સેન્ટરમાં સારવાર લેવા પહેલા જરૂરી છે- મનથી મક્કમતા કેળવવાની. બંધાણ વસ્તુ એવી છે કે થાંભલાને બાથ ભરીને ઊભેલી વ્યક્તિને એવું લાગે કે થાંભલો મને છોડતો નથી હકિકત એ હોય છે કે એ થાંભલાને છોડી શકતો નથી. ડ્રગ એક એવો થાંભલો છે જેને આપણે બાથ ભરીને ઊભા હોઈએ છીએ એટલે ગમે એટલા પ્રયત્નો કરતાં પહેલા મનથી જો એક વાત નિશ્ચિત કરી લીધી હોય કે આ બંધાણથી મારે છૂટકારો મેળવવો જ છે તો એ શક્ય બનશે.
રોજિંદા જીવનમાં જરૂરી ફેરફાર અને નિયમિત કસરત અસ્વસ્થ મનની સ્વસ્થતા માટે સૌથી મહત્વની છે. કહે છે કે ઍન્ટિ- ડિપ્રેસન્ટ દવાઓ જે કામ કરે છે, એ કામ કસરત કે તાજી ખુલ્લી હવામાં અડધો કલાક ચાલવાથી થઈ શકે છે. અમેરિકાના બફેલો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસના તારણો મુજબ કોઈપણ આદત (લત)થી છુટકારો મેળવવા માટે એરોબિક એક્સરસાઈઝ લાભદાયી નિવડે છે. મગજને આરામ આપતા સેરેટોનિન કે ડોપામાઈન જેવી દવાઓ જે કામ આપે છે એવું કામ અડધો કલાક ચાલવાથી થઈ શકે છે. એરોબિક એક્સરસાઈઝની સાથે ધ્યાન-પ્રાણાયામ જેવા યોગને પણ પ્રાધાન્ય આપી શકાય.
આહારમાં તમામ જરૂરી પોષક તત્વોથી જેમ શરીરની તંદુરસ્તી જળવાય છે, એમ બૅલેન્સ્ડ ડાયેટ અર્થાત જરૂરી પોષક તત્વો અને સાત્વિક આહારથી મનની તંદુરસ્તી પણ જળવાય છે.
નશીલા પદાર્થોના બંધાણી એટલે કે ડ્રગ ઍડિક્ટ વ્યક્તિ માટે સૌથી જરૂરી છે માનસિક ટેકાની. ભલા પરિવાર કે મિત્રથી વધીને મજબૂત ટેકો કોનો હોઈ શકે ? અહીં - આવા સમયે સૌથી મહત્વના પૂરવાર થાય છે પરિવાર અને મિત્રોનો ઉષ્માભર્યો સાથ-સહકાર.. ડ્રગથી મુક્તિ મેળવવા મથતી વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી એકલા રહેવાના બદલે આવા ઉષ્માભર્યા વાતાવરણમાં રહેવું જોઈએ જેથી મન પર હાવી થતા, મનને નબળા પાડતા નકારાત્મક વિચારોથી દૂર રહેવાય. શક્ય હોય તો અન્ય માટે ઉપયોગી થતી સંસ્થાઓ સાથે જોડાઈને સકારાત્મક કે સર્જનાત્મક કાર્યોમાં સક્રિય બનવું જોઈએ.
અને એક સૌથી મહત્વની બાબત છે સ્ટ્રેસથી દૂર રહેવાની. જે કામ કે જે બાબત મનને વિચલિત કરે એવી તમામ શક્યતાઓને ટાળવાની. સાવ હળવા વાતાવરણથી મન તણાવમુક્ત રહે તો બાહ્ય ઉપચારની જરૂર ઊભી ન થાય.
તો દોસ્તો આવી છે ડ્રગની માયાજાળ અને એ માયાજાળથી તો જેટલા દૂર એટલા સુખી. આપણે પણ આપણો પરિવાર પણ.
તેમનો બ્લોગ ' રાજુલનું મનોજગત'
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.
One thought on “ડ્રગની માયાજાળ”