-પી. કે. દાવડા
બાળમિત્રો,
આજથી આપણે ઈ-વિદ્યાલયમાં ચિત્રકળાનો નવો વિભાગ શરૂ કરીએ છીએ. આ વિભાગમાં આપણે ચિત્રકળાના પાયાના જ્ઞાનથી શરૂઆત કરીશું. તમારામાંથી કેટલાક મિત્રો માટે એ પુનરાવર્તન હશે, જ્યારે કેટલાક માટે એ નવું હશે.
ચિત્રકળા દ્વારા તમારામાં રહેલી સુષુપ્ત શક્તિ અને સૌંદર્યભાવનાનો વિકાસ થશે એટલું જ નહીં, તમારી અવલોકન શક્તિ અને એકાગ્રતામાં પણ વધારો થશે. ચિત્રકળાને દરેક વિષય સાથે સહેલાઈથી સાંકળી શકાય છે. ચિત્રકળામાં તમારી કલ્પનાશક્તિનો પણ વિકાસ થાય છે. તમારી કામ કરવાની પદ્ધતિમાં ચોક્સાઈ અને ચિવટમાં પણ વધારો થાય છે. આના સિવાય બીજા અનેક ફાયદાઓ છે, પણ એ આપણે જેમ જેમ અભ્યાસમાં આગળ વધશું તેમ તેમ જણાવીશ.
....
ચિત્રકળાની શરુઆત રેખાચિત્રોથી જ કરવી જોઈએ. રેખાચિત્રો માટે માત્ર ત્રણ સાધનો જ જરૂરી છે, કાગળ, પેન્સિલ અને રબર.
ચિત્રકળા માટે ખાસ પ્રકારનો કાગળ ઉપયોગમાં લેવાય છે, જેને અંગ્રેજીમાં ડ્રૉઈંગ પેપર કહે છે. આજકાલ આ કાગળ મુકરર સાઈઝમાં ઉપલબ્ધ છે. આપણે નાના A4 માપના કાગળથી શરૂઆત કરી શકીએ. આ સાઈઝની ડ્રૉઈંગ બુક્સ તમે શાળામાં વાપરી હશે.
પેન્સિલમાં સીસું અથવા ગ્રેફાઈટ વપરાય છે, અને એને લાકડાના આવરણમાં કેદ કરવામાં આવે છે. આ સીસું કે ગ્રેફાઈટ નરમ કે કઠણ, જેવું જોઈએ તેવું બનાવવામાં આવે છે. કઠણ સીસાંને 1H, 2H, 3H વગેરે ગ્રેડ આપવામાં આવે છે. નરમ સીસાંને 1B, 2B, 3B વગેરે સંજ્ઞા આપવામાં આવે છે. સામાન્ય રીતે લખવા માટે HB ગ્રેડ વાપરવામાં આવે છે. ચિત્રકામની શરૂઆત માટે 1B પેન્સિલ વધારે સારી ગણાય છે.
ચિત્ર દોરતી વખતે કાંઈ ભૂલ થાય તો તેને ભૂંસી નાખીને ફરીથી મઠારી શકાય એટલા માટે રબરનો ઉપયોગ કરવામાં આવે છે. રબરના પણ અનેક પ્રકાર છે, પણ આપણે માત્ર જે રબર કાગળને કોઈપણ જાતનું નુકસાન કર્યા વગર, અને કોઈપણ જાતના ડાઘ છોડ્યા વગર ભૂંસી શકે એવા રબરને પસંદ કરીશું.
શરૂઆત કરવા માટે આપણે સામાન્ય રીતે નજરે પડતા આકાર દોરવા પ્રયત્ન કરીશું, જેવા કે ચોરસ, ગોળ, ત્રિકોણ વગેરે. આ આકારો, જેમ જેમ આપણો મહાવરો વધશે તેમ તેમ વધારે વાસ્તવિક રૂપ ધારણ કરતા જશે.
ચાલો તો ભેગી કરો સામગ્રી અને શરૂ કરો પ્રૅક્ટિસ. આવતા સોમવારે આપણે ફરી મળીશું.