- છાયા ઉપાધ્યાય
(શિક્ષિકા, આનંદ કન્યાશાળા, ચિખોદરા, આણંદ)
પ્રેરણાના પહાડોના મૂળમાં છે ચબરાકિયા 'સુવિચાર'. "વાહ ! શું ઊંચી વાત કહી." એમ વરસી જવાનું, પાણી ભલે બેય પક્ષે ના હોય.
સુવિચાર ગમવાની, તેનાથી અંજાવાની એક ઉમર હોય. પછી વ્યક્તિ વયમાં આવે અને તે પહેલાં તે બાળક અને કિશોર હોય. કિશોરપણું તો હોય જ એ માટે કે, સુવિચાર ફગાવે. વયમાં આવ્યા પછી સમજાય કે, કશાથી અંજાવાનુ કે કોઈનાથી ય અંજાવાનું હોય નહીં.
એટલે શાળાની દિવાલો ઉપર, ગ્રીન બૉર્ડની ટોચે સુવિચાર શોભનીય લાગતા નથી. વયસ્કોના મંદિરમાં શોભે. તેઓને સતત પૂનરાવર્તનની જરુર પડે. શાળા, પ્રાથમિક શાળા, જો બાળકોનું મંદિર હોય, તો તો ખાસ, ત્યાં સુવિચાર ક્રૂર ઉપક્રમ છે.
"સિદ્ધિ તેને જઈ..." લખેલું હોય તો સિદ્ધિનું આવી બને. જેને માટે બધું રમત અને લીલા હોય, જે ઘરકામ ભૂલી જતું હોય, જે સ્વયં પારસમણિ હોય તેને "પરિશ્રમ" કેવી રીતે સમજાય? ગોખવાની શરુઆત સુવિચારથી થાય છે.
"નથી સમજાતું? પેલા મહાન માણસે જીવનનો અર્ક નિચોવી કહ્યું તે નથી સમજાતું? તો યાદ રાખી લે! સંઘર્યો સાપ કામનો."
કર્મ કરતાં વિચારની પ્રાધાન્યતાના મૂળ પણ અહીં જ ક્યાંક છે.
એટલે, અમે આનંદ કન્યા શાળા ચિખોદરા, માં સુવિચાર નથી ટિંગાડતા. પણ, વ્યવસ્થા તંત્ર પ્રમાણે એમ કરીએ તો બાહ્ય મૂલ્યાંકન વખતે 'ગુણ' જાય! એટલે, પ્રાર્થના સંમેલનમાં 'વિધિ' કરી લઈએ. શાળાની દિવાલો તો કલાકારોનું ડ્રૉઈગ બૉર્ડ છેે. વર્ગનો ફોટો વાયરલ થાય તો પૃચ્છા આવે -
" તમે બૉર્ડ પર સુવિચાર નથી લખતા?"
અમે આવા 'સુવિચાર' લખીએ, "
- તુલસીએ તુલસીનું તુલસીપત્ર તફડાવ્યુ.
- રીયા રીમા પર રાજી રહી.
- લક્ષ્મી લક્ષ્મીપુરાથી લખોટી લાવી.
- મીનલે મીનાવાડાથી મગપૂરી મંગાવી.
- જલ્પાએ જમ્મુ જઈ જાંબુ ઝાપટ્યા.
વિદ્યાર્થીઓ આવા વાક્યોને 'સુવિચાર' કહે છે. વિદ્યાર્થીઓ આ જાતે બનાવી લખે. આવા વિધાન તેમને જૉક સમકક્ષ હાસ્ય આપે છે. અને સર્જકતા મ્હોરે છે - એટલે શિક્ષકો માટે પણ એ વાક્યો સુવિચાર છે.
જેને સુવિચારમાં બૌ બૌ રસ હોય - તે અહીં ક્લિક કરે - જોતાં થાકી જાઓ એટલા સુવિચાર ગધેડે ગોવાય છે !