અર્શદીપ સિંહ

 સાભાર -  શ્રી. હર્ષદ કામદાર 

મૂળ લેખક દર્શના વિસરિયા - મુંબઈ સમાચાર  

        ૧૬મી ઑક્ટોબરના દિવસે આખા લંડનમાં દસ વર્ષના એક ભારતીય બાળકની જ ચર્ચા ચાલી રહી હતી અને આ બાળક હતો મૂળ ભારતના જલંધરનો અર્શદીપ સિંહ. આખરે ૧૦ વર્ષના અર્શદીપે એવું તે શું કર્યું કે જેને કારણે તે જલંધરથી સીધો લંડન પહોંચી ગયો અને ત્યાંના લોકોને પણ તેની હાજરીની નોંધ લેવાની ફરજ પડી એવો સવાલ થવો ખૂબ જ સ્વાભાવિક છે. અર્શદીપને લંડનમાં આવેલા નેચર હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા બેસ્ટ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર (અંડર ૧૧) જાહેર કરવામાં આવ્યો છે અને ૧૬મી ઑક્ટોબરના તેને બેસ્ટ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરનો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. 

       અર્શદીપની આ સિદ્ધિ કંઈ નાની-સૂની ગણાય એવી નથી, આખી દુનિયાભરમાંથી ૪૫,૦૦૦ ફોટોગ્રાફરે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાંથી સાથે અને આ ૪૫,૦૦૦માંથી ૧૦૦ ફોટોગ્રાફ સિલેક્ટ કરવામાં આવ્યા અને ૧૦૦માંથી પણ ફાઈનલ ૨૦ ફોટોગ્રાફરોને વિવિધ કૅટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને એમાંથી ‘અંડર ૧૧’ કૅટેગરીમાં આપણા આ ‘છોટા પેકેટ બડા ધમાકા’ એવા અર્શદીપ સિંહે બાજી મારી લીધી. અર્શદીપ જલંધરમાં આવેલી એપીજે સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણે છે. 

       પોતાના આ શોખ વિશે વાત કરતાં અર્શદીપ ‘મુંબઈ સમાચાર’ને જણાવે છે કે ‘મને બાળપણથી ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે અને મારા આ શોખને મારા પરિવારજનો એટલું જ પ્રોત્સાહન પણ આપે છે. મારા પિતાજી રણદીપ સિંહ આમ તો એક બિઝનેસમેન છે, પણ તેમને પણ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનો શોખ છે અને બીજા શબ્દોમાં કહીએ તો તેઓ જ મારા મેન્ટોર પણ છે.’

       અર્શદીપ દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરને હવે આખું વર્ષ ૬૦ જેટલા વિવિધ દેશોમાં યોજાનારા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે. જોકે ,આ પહેલી વખત નથી કે આ છોટે મિયાંએ આવું કરતબ કરી દેખાડ્યું હોય. આ પહેલાં પણ નેચર્સ બેસ્ટ ફોટોગ્રાફી (એશિયા)માં પણ ૩૦૦૦ લોકો સાથે મુકાબલો કરીને જુનિયર કૅટેગરીમાં પણ વિજેતા તે રહી ચૂક્યો છે.

        પોતાની વિજેતા કૃતિ ‘પાઈપ આઉલ’ની સ્ટોરી 'બિહાઈન્ડ ધ ક્લિક' વિશે વાત કરતાં અર્શદીપ કહે છે કે ‘હું મારા પિતા સાથે અવારનવાર પંજાબમાં આવેલા કપુરથલાની મુલાકાત લઉં છું અને એ મે મહિનો હતો અને ત્યારે હું અને મારા પપ્પા એ જ રીતે કારમાં જઈ રહ્યા હતા અને બરાબર એ જ વખતે મારી નજર રસ્તાની બાજુ પર આવેલા એક પાઈપ પર પડી. આ પાઈપમાં મેં બે ઘૂવડને જતાં જોયા અને મેં પપ્પાને કાર ઊભી રાખવાનું જણાવ્યું. પહેલાં તો તેમને મારી વાત પર વિશ્ર્વાસ નહીં થયો. દરમિયાન જ મારી અને પપ્પા વચ્ચે દલીલ થઈ રહી હતી કે હવે તે ઘૂવડ પાછા બહાર આવશે કે નહીં. મને લાગી રહ્યું હતું કે ઘૂવડ ચોક્કસ બહાર આવશે અને પપ્પાને એવું લાગ્યું કે હવે એ બંને પાછા બહાર નહીં આવે.’

      પણ આખરે અર્શદીપની બાળહઠની જિત થઈ હોય એમ બંને ઘૂવડ બહાર આવ્યા અને એની વાત આગળ ધપાવતા તે કહે છે કે ‘ખબર નહીં કેમ પણ મને અંદરથી સતત એવું લાગતું હતું કે ઘૂવડ ચોક્કસ બહાર આવશે અને આખરે બે-અઢી કલાકની તપશ્ર્ચર્યા કર્યા પછી બંને ઘૂવડ ધીરે ધીરે બહાર આવ્યા અને એ જ વખતે મેં બંનેને મારા કૅમેરામાં કેદ કરી લીધા. એ ફોટો જોઈને પપ્પા તો એકદમ ચકિત જ થઈ ગયા અને મને પણ એવું લાગી રહ્યું હતું કે જાણે એ બંને ઘૂવડ સીધા મારી આંખોમાં જોઈને મને કહી રહ્યા હોય કે અમે તને જોઈ રહ્યા છીએ!’ 

      અર્શદીપ છેલ્લાં છ મહિનાથી આ ઘૂવડના કપલના અલગ અલગ ફોટા ક્લિક કરી રહ્યો હતો અને આખરે આ ફોટાએ તેને એવૉર્ડ અપાવી જ દીધો. પણ અર્શદીપને આ ફોટા પાછળની હકીકત ખૂબ જ દુ:ખી કરી દે છે, જે કદાચ હજી સુધી તમારી કે મારી નજરે ચડી જ નથી. આ હકીકત એટલે વૃક્ષોની ઘટતી સંખ્યા. દિવસે ને દિવસે વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે અને આ જ કારણ છે કે આ ઘૂવડને પાઈપ પર માળો બનાવી રહેવું પડ્યું. 

     ફોટોગ્રાફીની શરૂઆત ક્યારથી થઈ એ વિશે થોડું જાણી લઈએ તો અર્શદીપ જ્યારે છ વર્ષનો હતો ત્યારે તેણે પહેલી વખત ફોટો ક્લિક કર્યો હતો. બસ ત્યારથી જ તેને ફોટોગ્રાફીમાં રસ પડ્યો અને તેણે ફોટોગ્રાફી શિખવાનું શરૂ કરી દીધું. ‘પ્રૅક્ટિસ મેડ મેન પરફૅક્ટ’ની યુક્તિને આજે તે યથાર્થ પુરવાર કરી રહ્યો છે. અર્શદીપના પપ્પા રણદીપને પણ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનો શોખ છે અને કદાચ એટલે જ બાળપણથી જ અર્શદીપને કૅમેરા અને લૅન્સમાં એટલો બધો રસ પડે છે. બંને બાપ દીકરાની જોડી ઘણી વખત પોતાના આ શોખને પોષવા માટે નીકળી પડે છે અને એકબીજાને જાણે ટક્કર આપવાની હરીફાઈ જ કરવી હોય એ રીતે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કરવામાં વ્યસ્ત થઈ જાય છે. અર્શદીપને જંગલી પ્રાણીઓ કરતાં પણ અલગ અલગ પ્રકારના પક્ષીઓને વિવિધ મૂડમાં ક્લિક કરવાનું વધુ ગમે છે. 

       અર્શદીપના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જો એક વિઝિટ લેશો તો તેણે ક્લિક કરેલા અસંખ્ય ફોટાઓ જોઈને તમે ચોક્કસ જ ચકિત થઈ જશો કે શું ખરેખર આ ફોટો અર્શદીપે ક્લિક કર્યા છે? અર્શદીપ પોતાની સિદ્ધિનો શ્રેય કોને આપવા માગે છેના જવાબમાં જણાવે છે કે ‘આ વાતમાં તો કોઈ જ શંકા નથી કે આજે હું જે કંઈ પણ છું તે મારા પરિવારને કારણે જ છું. મારા પરિવારના સપોર્ટ વગર હું કંઈ જ ના કરી શકત. મને હંમેશાં સતત કંઈક નવું કરવાની પ્રેરણા મારો પરિવાર આપે છે. ખાસ તો મારા દાદા-દાદી, પપ્પા અને મારી બહેનનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.’

       એક સારા ફોટોગ્રાફર બનવાની કોઈ ટિપ્સ કે ગુરુ મંત્ર છે ખરો? એવો સવાલ સાંભળતા જ જાણે એક મૅચ્યોર વ્યક્તિ જેવી ગંભીરતા અર્શદીપના અવાજમાં સંભળાય છે અને તે કહે છે કે

 ‘શીખવું. દરરોજ કંઈક ને કંઈક શીખતા રહેવું એ જ માણસને પરફૅક્ટ અને શ્રેષ્ઠ બનાવવાનો ગુરુમંત્ર છે. પછી ભલે વાત ફોટોગ્રાફીની હોય કે બીજા કોઈ પણ ક્ષેત્રની. જે દિવસે તમે શીખવાનું બંધ કરો છો એ જ દિવસથી તમે તમારા વિકાસમાં અવરોધ ઊભો કરવામાં કારણભૂત બનશો.’

  અર્શદીપના પિતા રણદીપ દીકરાની અર્શદીપની સિદ્ધિ વિશે કહે છે કે ‘તે ખૂબ જ ગંભીરતાથી ફોટોગ્રાફી શીખે છે. ફોટોગ્રાફી એ એવી વસ્તુ છે કે જે ખૂબ જ ધીરજ માગી લે છે અને ઘણી વખત તો અર્શદીપની ધીરજ જોઈને હું પોતે જ આશ્ર્ચર્યચકિત થઈ જાઉં છું કે આખરે એક નાનકડા બાળકમાં આટલી બધી ધીરજ કઈ રીતે હોઈ શકે?’

       ૧૦ વર્ષની ઉંમરમાં અર્શદીપના વિચારો, ઊંડાણ અને ટેલેન્ટને જોતાં ખરેખર જ એવું લાગે છે કે સિદ્ધિ મેળવવા માટે કોઈ જ ઉંમર નથી હોતી. લિટલ માસ્ટર ભવિષ્યમાં આ જ રીતે પરિવાર અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા!

અર્શદીપની વેબ સાઈટ

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *