- નીલમ દોશી
દૃષ્ય - ૨
સ્થળ: એ જ ઘર. સોનુ, પીનુ શાંતિથી વાંચે છે. તેની મમ્મી પણ સાથે બેઠી છે.
મમ્મી સોનુ, તારી કવિતા પાકી થઇ ગઇ ? તો લાવ, હું મોઢે લઇ લઉં.
સોનુઃ યસ, મમ્મી, લે...( પોતાની ચોપડી મમ્મીને આપે છે. અને પોતે કવિતા બોલે છે. )
ત્યાં સોનુનો મિત્ર મોનુ આવે છે. તેને જોઇને સોનુ ઉભો થાય છે.
સોનુ: અરે, મોનુ, તું મારે ઘેર ?
મોનુ: હા, એકલો એકલો કંટાળી ગયો હતો. તેથી તારે ઘેર આવવાનું મન થયું. તને કંઇ વાંધો તો નથી ને ?
સોનુ: મને શું વાંધો હોય ? આવ...આવ... પણ એકલો કેમ હતો ? તારા મમ્મી, પપ્પા આજે બહાર ગયા છે ?
મોનુ: આજે ? (કટાક્ષથી ) તેઓ રોજ બહાર જ હોય છે.
મમ્મી: ( મમ્મીના હાથમાં સોનુની ચોપડી છે. )આવ, મોનુ બેટા, કેમ છો ?
મોનુ: નમસ્તે આન્ટી. આ શું તમારા હાથમાં ચોપડી ? ( હસી ને ) શું તમે ફરીથી ભણવાનું શરૂ કર્યું છે?
મમ્મીઃ ના, બેટા, ભણવા નહીં..પણ ભણાવવા જરૂર બેઠી છું. આ સોનુની કવિતા મોઢે લેતી હતી. કાલે તમારી પરીક્ષા છે ને ?
મોનુ: હા, પરીક્ષા તો છે.
મમ્મી: તારે વંચાઇ ગયું બધું ? આવડી ગયું ?
મોનુ: હું થોડો સોનુ જેટલો હોંશિયાર છું ?
મમ્મી: એવી સરખામણી શું કામ કરે છે બેટા? ઇશ્વરે બધાને જુદી જુદી શક્તિ આપેલી હોય છે.
મોનુ: (થોડા ગુસ્સા અને આવેશમાં ) આન્ટી, હું તો આમે ય સાવ નકામો અને ઠોઠ છું. મને કંઇ આવડતું નથી. હું તો બહું ખરાબ છોકરો છું!
મમ્મી: અરે, અરે, કોણે કહ્યું કે તું ખરાબ છોકરો છે ? નકામો છે ? મને તો તું બહું સારો છોકરો લાગે છે.
મોનુ: કોણે ? સારો છોકરો? એવું તો તમે કહો છો. બાકી મને તો મારા મમ્મી પપ્પા અને બધા જ ખરાબ કહે છે. નકામો કહે છે. (રડવા જેવો થઇ જાય છે. )
મમ્મી: (સમજાવટથી ) ના, બેટા, તારી ભૂલ થતી લાગે છે. મમ્મી, પપ્પાને કંઇ પોતાનો દીકરો નકામો ન જ લાગે
મોનુ: ખબર નહીં..પણ મારા મમ્મી, પપ્પાને તો હું નકામો જ લાગું છું.
મમ્મી: ના, બેટા, એવું નહીં બોલવાનું.. આવ, ચાલ, તું યે અહીં સોનુ સાથે બેસ. હું તમારા બધા માટે સરસ મજાનો નાસ્તો લઇ આવું. ( અંદર જાય છે. )
મોનુ: સોરી, દોસ્ત, તને મારું કંઇ ખરાબ લાગ્યું છે ? કાલે તેં મારી સાથે સરખી વાત પણ ન કરી.
સોનુ: (જરા અચકાઇને ) ના, ના, એવું ખાસ કંઇ નથી.
મોનુ: તને એવું લાગે છે ને કે હું ગાડીમાં આવું છું એટલે બધા પર રોફ મારું છું.?
સોનુ: ના, ના, જવા દે...એવું તો ચાલ્યા કરે. હું કંઇ એવું બધું યાદ નથી રાખતો.
મોનુ: પણ સોનુ, સાવ સાચી વાત કહું આજે ? ખરેખર તો હું રોફ નથી મારતો. પણ હું તો તારી ઇર્ષ્યા કરું છું.
સોનુ: (આશ્ચર્યથી) ઇર્ષ્યા ? મારી ? મારી પાસે વળી ઇર્ષ્યા કરવા જેવું છે શું ?
મોનુ: ઘણું બધું - જે મારી પાસે નથી.
સોનુ: મશ્કરી ન કર. મારી પાસે તારી જેમ ગાડી કે ડ્રાઇવર થોડા છે ?
મોનુ: પણ તને પ્રેમથી સ્કૂટર પર સ્કૂલે મૂકવા આવે એવી પપ્પા તો છે ને !
સોનુ: એટલે ? મને કંઇ સમજાયું નહીં. પપ્પા તો તારે પણ છે જ ને.?
મોનુ: હા, પપ્પા તો મારે પણ છે. પણ તેં કયારેય મારા પપ્પાને કે મમ્મીને સ્કૂલે જોયા છે ?
સોનુ: ના, જોયા તો નથી.
મોનુ: બસ, અમારે તો આખો દિવસ ડ્રાઇવર અને નોકરને આધારે જ રહેવાનું. મમ્મી, પપ્પા પાસે કયારેય અમારે માટે સમય જ ન હોય. હું સ્કૂલે મૂકવા આવવાનું તેમને કયારેય કહી પણ ન કહી શકું. ( રડવા જેવો થઇ જાય છે. ત્યાં મમ્મી આવે છે. તેના હાથમાં નાસ્તાની પ્લેટ છે.)
મમ્મી: અરે, બેટા, ચાલો..જુઓ, તમારે માટે આજે ભેળ અને દહીંવડા બનાવ્યા છે.
મોનુ: હેં આન્ટી, તમે જાતે બનાવ્યા ?
મમ્મી: હા, બેટા, ચાખ. તને યે ભાવશે. (મોનુના હાથમાં પ્લેટ આપે છે. )
મોનુ: થેન્કયુ , આંટી, (ખુશ થઇ ને ખાય છે. )
મમ્મી: એમાં થેન્કયુ શું બેટા, મારે તો જેવો સોનુ એવો તું....
મોનુ: આન્ટી, હું રોજ લેશન કરવા અહીં આવું ? સોનુ, હું તારા જેટલો હોંશિયાર તો નથી. પણ હું ખરાબ છોકરો નથી. આન્ટી, હું ખરાબ છોકરો નથી. ( રડે છે. )
મમ્મી: અરે, અરે, બેટા, રડવાનું નહીં. ચાલ, પાણી પી લે. ( પાણી આપે છે. ) શાંત થા બેટા, તું તો બહું ડાહ્યો છોકરો છે.
મોનુ: ( પાણી પીવે છે. )આન્ટી, મને યે ઘણીવાર એવું મન થાય ને કે મારી મમ્મી મારી પાસે બેસે. મને ભણાવે. વાર્તા કરે..મારી સાથે સૂવે, વાતો કરે કે રમે..કે મારા પપ્પા મારી સાથે વાતો કરે. પણ મારા મમ્મી, પપ્પા તો હું કંઇ પણ પૂછું તો હમેશાં ગુસ્સો જ કરે અને કહે, ‘ એ બધું ટીચરને પૂછવાનું . આટલા ટયુશન તો રાખી દીધા છે. પછી અમારું માથુ નહીં ખાવાનું...બસ...મારી મમ્મીને તો હમેશા તેની કંઇક કલબમાં જ જવાનું હોય. એને સમય જ ન હોય.બસ, ખીજાતી જ હોય.
સોનુ: મોનુ, સોરી, હું તો તને કેટલો અભિમાની સમજતો હતો?
મોનુ: ના, સોનુ, હું તો હમેશા તારી ઇર્ષ્યા કરતો હતો. એટલે ગુસ્સામાં કયારેક ગમે તેવું વર્તન કરી નાંખતો હતો. તું હમેશાં તારા મમ્મી, પપ્પાની વાતો..વખાણ કરતો હોય છે. હું કોની વાતો કરું? કોના વખાણ કરું ? (કટાક્ષથી ) ડ્રાઇવરના? નોકરોના ?
મમ્મી: બેટા, તું હજુ નાનો છે..એવું બધું નહીં વિચારવાનું, બેટા,
મોનુ: ભલે નાનો હોઉં..પણ મને બધી સમજણ પડે છે હોં આન્ટી. મારી મમ્મી ને હું ગમતો જ નથી. તમે કેવા સોનુ સાથે રમો છો...વાર્તા કરો છો...બહાર ફરવા જાવ છો. મને પણ બહું મન થાય છે. પણ.....( રડે છે. )
મમ્મી: રડ નહીં. ચાલ , બેટા, આજથી તું યે આન્ટીનો દીકરો. બસ ? ચાલ, તારે રોજ અહીં આવી જવાનું. સોનુ સાથે ભણવાનું, રમવાનું. તું તો બહું સરસ છોકરો છે ને ?
મોનુ: (ખુશ થઇ ને ) સાચ્ચે જ આન્ટી ?
મમ્મી: હાસ્તો. હું કયારેય ખોટું નથી બોલતી. કેમ સોનુ ?
સોનુ: હા, મોનુ, તું રોજ મારે ઘેર આવજે. હું તને પણ બધું શીખડાવી દઇશ. પછી આપણે બંને રોજ સાથે રમીશું.
પીનુ: (ખોટા ગુસ્સા અને લાડથી ) એ ય, આપણે બંને કેમ ? હું નહીં ?
મોનુ: તું તો આજથી મારી નાનકડી બહેન.
પીનુ: વાહ! આપણે તો જલસા. હવે બે ભાઇ. રક્ષાબંધન ને દિવસે બે ગિફટ મળશે.
સોનુ: બહું ડાહી હોં! સ્વાર્થી ન થા.
મમ્મી: પીનુ તો મસ્તી કરે છે.
પીનુ: ના રે, સાચ્ચે જ લઇશ હું તો. ( હસે છે. )
મોનુ: અને હું સાચ્ચે જ આપીશ મારી નાનકડી બહેનને. મારે તો આમે ય કોઇ બહેન છે જ કયાં ?
સોનુ: હું તો માનતો હતો કે મોનુને કેવા જલસા છે.! ગાડી છે, ડ્રાઇવર છે, બંગલો છે, પણ આજે મને થાય છે કે એ બધું ન હોય તો ચાલે. મારી પાસે તો આવા સરસ મમ્મી છે, પપ્પા છે ને વહાલી બહેન છે
(સોનુની મમ્મી ચિઠ્ઠીઓ બનાવે છે અને તેમાં કંઇ લખે છે. એ જોઇને મોનુને નવાઇ લાગે
છે. તેથી પૂછે છે.)
મોનુ: આન્ટી, આ તમે શું લખો છો ?
મમ્મી: જુઓ, આ ત્રણ ચિઠ્ઠી બનાવી છે. જેને જે ઉપાડવી હોય તે ઉપાડે. દરેકમાં એક વિષય લખ્યો છે. સાવ સહેલો. તમને બધાને આવડે તેવો. જેનામાં જે લખ્યું હોય તે વિષય પર જેટલું, જેવું આવડે તેટલું મોટેથી બોલવાનું. જે સરસ બોલશે તેને ઇનામ પણ મળશે.
મોનુ: અરે, વાહ ! આ તો મજા આવી ગઇ.
સોનુ: અરે, મારી મમ્મી તો આવું કેટલું યે રોજ નવું નવું અમને રમાડે છે.
મોનુ: આન્ટી કોના ? ( હસે છે. )
સોનુ: મમ્મી કોના ?
પીનુ: સિમ્પલ, મારા!
સોનુ: જા, ચમચી, પાટલીબદલુ. તારા તો પપ્પા.
(બંને ફરી એકવાર ધમાલ, મસ્તી કરે છે. ત્રણે દોડાદોડી કરે છે. મમ્મી આનંદથી જોઇ રહે છે. અને પડદો પડે છે. )