બાળકોને વૃદ્ધ થતાં શીખવવું જ પડશે

    ગીતા માણેક

સાભાર - શ્રી. વિનોદ પટેલ

સંદેશ - ૯, ડિસેમ્બર - ૨૦૧૮ [ મૂળ લેખ અહીં ]

     અમારા એક વડીલ એ વખતે અમને બાળકોને કહેતાં કે વૃદ્ધ બનવાની તાલીમ લો. એ વખતે ગુસ્સો પણ આવતો અને ક્યારેક હાસ્યસ્પદ પણ લાગતું. જીવનમાં બર્થ-ડે ઉમેરાતા જાય, વાળમાં સફેદી આવવા માંડે, દાંત પડવા માંડે, આંખે મોતિયો આવી જાય. આ બધું તો આપોઆપ થાય એમાં તાલીમ શું લેવાની?

     પરંતુ જેમ સમજણ આવતી ગઈ ત્યારે એ વડીલની વાતોનો અર્થ સમજાવા માંડયો. સામાન્યતઃ ઉંમર વધતી જાય એટલે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, આર્થરાઇટિઝ જેવાં રોગ પ્રવેશવા માંડે છે. જો કે આજના જમાનામાં તો આ બધા રોગને આવવા માટે વૃદ્ધત્વ સુધી રાહ જોવી નથી પડતી. આ બધું આગોતરું તો નહીં જ પણ સિનિયર સિટીઝન થયા પછી પણ ન આવે એ માટેની તાલીમ બાળપણથી જ મળવી જોઈએ. મતલબ કે બાળપણ અને યુવાનીમાં સ્વાસ્થ્યના મહત્ત્વની સાથે સાથે એને જાળવવાની તાલીમ મળી હોય તો વૃદ્ધાવસ્થામાં પણ સ્વાસ્થ્ય પ્રમાણમાં સારું જળવાઈ રહે. આપણી દાદીઓ કહેતી મૂળો મોગરી અને દહીં બપોર પછી નહીં. અથવા દૂધપાક પછી છાશ પીવા મળતી નહીં કારણ કે દહીં અને દૂધ વિપરીત આહાર કહેવાય. સ્વાસ્થ્ય સાચવવાના આવા મૂળભૂત નિયમો અજાણતાં જ મનમાં કોતરાઈ જતા. શરીર એ ભલે પ્રકૃતિ તરફ્થી મળેલી ફ્રી ગિફ્ટ હોય પણ સ્વાસ્થ્યની જાળવણી તો આપણે જ કરવી પડે એ પ્રવચનો આપીને નહીં પણ પ્રેક્ટિકલ ટ્રેનિંગ દ્વારા કરાવી લેવામાં આવતું.

     વ્યાયામશાળામાં જઈને કસરત કરવી, ઘરમાં સૂર્યનમસ્કાર કરવા કે પછી જુદી-જુદી શારીરિક પ્રવૃત્તિઓ દૈનિક જીવનનો ભાગ હતી. આ બધા થકી એક સ્વસ્થ શરીરનો મજબૂત પાયો બંધાતો અને એ આદત બની જતી. શરીર સ્વાસ્થ્યના આ પાઠ બાળપણમાં જ શીખીને એને અમલ કરનાર વ્યક્તિનાં શરીરને નિશ્ચિતપણે વૃદ્ધાવસ્થા મોડી આવવાની. આવી વ્યક્તિનું ઉંમર વધ્યા પછી પણ આરોગ્ય સારું રહે અને પરિણામે પરાધીનતા ન આવે.

  તો થઈને આ બાળપણથી જ વૃદ્ધ થવાની તાલીમ!

     વૃદ્ધત્વ આકરું ન બને એ માટે બાળપણ અને યુવાનીમાં જ બચત કરવાનો પાઠ ભણાવવો આવશ્યક બને છે. આજે બધી જ ચીજવસ્તુઓ લોન પર ઉપલબ્ધ છે. શિક્ષિત યુવાવર્ગના પગાર તો તોતિંગ હોય છે. પણ એક મોટો હિસ્સો હપ્તાઓ ભરવામાં નીકળી જાય છે. એ સિવાય લક્ઝરીઝને આપણે જરૂરિયાતો ગણવા માંડયા છીએ. લેટેસ્ટ મોબાઈલ, કાર, ઉપકરણો આ બધું અનિવાર્ય થઈ ગયું છે. આપણા બાપદાદાઓ ન છૂટકે કરજો લેતા હતા. આમાં કંજૂસાઈની વાત નથી, પણ આપણી ચાદર પ્રમાણે પગ લાંબા કરવાનું દેશી ગણિત છે.

     જુવાનીમાં જ્યારે કમાણી કરવાની ક્ષમતા વધુ હોય ત્યારે આવકનો એક હિસ્સો બચાવવો જોઈએ એ આપણે વડીલોને જોઈને શીખતા. બચતનો આ પાઠ બાળપણથી શીખવ્યો હોય તો જિંદગીના અંતિમ હિસ્સામાં પોતાની બચતના જોર પર સ્વમાનભેર જીવી શકાય!

     લેખની શરૂઆતમાં જે વડીલની વાત કરી હતી તેઓ કાયમ કહેતા કે, પોતાની જાત સાથે સમય વીતાવવાની ટેવ પાડો. સામાન્યતઃ આપણે સતત કોઈની કંપનીમાં રહેવાનું પસંદ કરીએ છીએ. એકલા પડતાં જ અસ્વસ્થ થઈ જઈએ છીએ. પરંતુ ઉંમર વધતાંની સાથે જ જીવનસાથી, હમઉમ્ર મિત્રો કે સ્નેહીઓને આપણે સ્મશાનમાં વળાવવા જવું પડે એવું બને, સંતાનો પોતાપોતાના સંસારમાં રચ્યાપચ્યા હોય ત્યારે કેટલી એકલતા સાલે છે! બાળપણથી જ પોતાની જાત સાથે થોડો સમય વીતાવવાની તાલીમ મળી હોય તો વૃદ્ધાવસ્થામાં એકલતા ભેંકાર નથી લાગતી.

     નિવૃત્તિ પછીના ખાલીપામાં ઘણાં લોકો પોતાના માટે અને પરિવારજનો માટે મુસીબત બની જતા હોય છે. જે મળે તેની પાસે કયાં તો ભૂતકાળના પ્રસંગોનું કંટાળી જવાય એટલી વાર બયાન કરતા રહે છે અને નહીં તો બીમારીના રાગ આલાપતા રહે છે અથવા સંતાનોના જીવનમાં ચંચૂપાત કરતા રહે છે. રસ તરબોળ રહી શકાય એવો એકાદ શોખ હોય તો પોતાની જિંદગી મજેથી વીતે જ પણ પરિવારજનોને ય નડતરરૂપ ન બનીએ. એ શોખ સંગીત, વાંચન, બાગકામ, ચિત્રકામ કે કોઈપણ રચનાત્મક પ્રવૃત્તિ હોઈ શકે. આ શોખ સિત્તેર વર્ષે કેળવવામાં મુશ્કેલી પડે. એના માટે તો સાત કે સત્તરમા વર્ષથી શરૂઆત કરવી પડે.

      આપણે કોણ જાણે ક્યારે અને કેમ માનતા થઈ ગયા છીએ કે, ધર્મ અને આધ્યાત્મ વૃદ્ધાવસ્થાનો ટાઇમપાસ છે. એક જમાનામાં બાળકોને ભગવદગીતાના શ્લોક પાકા કરાવવામાં આવતા અને આવા ગ્રંથ શીખવા-સમજવા માટે પાઠશાળામાં મોકલવામાં આવતા. અનાસક્તિનો પાઠ સાઠ વર્ષ પછી શીખવા બેસીએ તો પાકા ઘડે કાંઠા ચડે ખરાં? પરંતુ મારા આ શરીર સહિત જગત આખું મિથ્યા છે એવી થોડીક પણ સમજણ બાળપણમાં જ બુદ્ધિમાં પ્રવેશી ચૂકી હોય તો સંતાનોને પાંખ આવતાં જ્યારે તેઓ ઊડવા માંડે ત્યારે છેવટના વરસો તેમના ઝુરાપામાં ન વીતે.

    જીવનની સંધ્યા સારી વીતે એવી ઝંખના હોય તો તૈયારી તો સવારથી જ કરવી પડે.

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *