- શૈલા મુન્શા
જિંદગી આખી મારી બાળકો વચ્ચે વીતી છે. મોટાથી માંડી નાના બાળકોને ભણાવ્યા છે. પણ ટ્રીસ્ટન જેવું બેવડું વ્યક્તિત્વ ભાગ્યે જ જોયું છે.
સાડા ત્રણ વર્ષનો ટ્રીસ્ટન થોડા સમય પહેલા જ સ્કૂલમાં દાખલ થયો. આફ્રિકન બાળક, શ્યામલ ચહેરા પર સફેદ દાંત મોતીની જેમ ચમકે. પોચા માખણ જેવા ગાલ જાણે રૂનો પોલ એવી સુંવાળી ચામડી. બાળ કનૈયો યાદ આવી જાય એવું મનમોહક હાસ્ય. પણ કોઈની કલ્પનામાં પણ ન આવે કે આ જ બાળક કોઈ ઝંઝાવાત પણ સર્જી શકે. જ્યારે વિફરે ત્યારે તો ખરેખર ક્લાસમાં હરિકેન કે વંટોળિયો ફરી વળ્યો હોય એવું લાગે.
માનસિક મંદ બુધ્ધિના બાળકોમાં ઘણીવાર શારીરિક તાકાત ખૂબ જ હોય છે, અને ટ્રીસ્ટનની એ તાકાત જાણે સ્વીચ ઓન કરીએ એમ પળમાં ક્યારે ઓન થઈ જાય એનો અંદાજ લાગવો ખુબ મુશ્કેલ. કઈ ઘડીએ અને કઈ વાતમાં એની કમાન છટકે એનો કોઈ ભરોસો નહિ, અને છટકે ત્યારે ન એને કશાનો ડર, ન એ કોઈની વાત સાંભળે. પોતાની મરજીનો માલિક. ધારી ચીજ ન મળે તો ચીસાચીસ અને લાતા લાત કરી મુકે. હાથમાં જે આવે એનો છુટ્ટો ઘા કરે, કોઈ એને ઝાલવા જાય તો નખોરિયા ભરી લે. એક જગ્યા એ બે મિનિટ પણ બેસી ના શકે. કોણ જાણે ક્યાંથી આટલી બધી તાકાત એનામા આવી જાય.
આમ પાછો હોશિયાર પણ ઘણો. અમારા ક્લાસમાં ચાર વર્ષના ને પાંચ વર્ષના બાળકો પણ છે અને એ બાળકો એક કે બે વર્ષથી સ્કુલમા આવે છે. પણ હજી કેટલાક બધા રંગ ઓળખી શકતા નથી તો એ, બી સી, ડી ના બધા અક્ષરો ઓળખી શકતા નથી જે રોજ નિયમિત ક્લાસમાં કરાવાતું હોય, પણ ટ્રીસ્ટન તો બધા આલ્ફાબેટ્સ બોલે એટલું જ નહીં, એ ફોર એપલ ને બી ફોર બોલ જેવા શબ્દો પણ આવડે. સંગીતનો એને ઘણો શોખ અને કોમ્પ્યુટર પર જો એબીસીડી ચાલુ કરી આપીએ તો ખુશ ખુશ.
બીજી ખાસ વાત, પોતે રમતાં કે ચાલતા પડી જાય, તો સામેથી આપણને સવાલ કરે, ( You o.k.) કદાચ ઘરમાં એની મમ્મી એ પડતો હશે ત્યારે એને પુછતી હશે કે (You o.k.?) એ વાતનું પુનરાવર્તન ક્લાસમાં કરે. ટ્રીસ્ટન માના પ્રેમનો ભૂખ્યો. નાના બાળકો માના વધુ હેવાયાં હોય એ સ્વભાવિક છે, પણ ટ્રીસ્ટનને જો ક્યારેક મમ્મી ક્લાસ સુધી મૂકવા આવે તો મમ્મીને જવા ન દે, અને જો મમ્મી જાય તો ટ્રીસ્ટનનુ ઝંઝાવાતી રૂપ તરત જ જોવા મળે. એની ચીસો દૂરના ક્લાસ સુધી સંભળાય.કોમ્પ્યુટર પર એને ગમતી કાર્ટૂન ડીવીડી જ એને શાંત કરી શકે.
દરરોજ બાળકોને બપોરે સુવાડીએ ત્યારે ખરી ધમાલ થાય. નાના અને પાછા આ અનોખા બાળકોની દિનચર્યા સામાન્ય બાળકોથી થોડી જુદી હોય. બપોરની કલાકની ઊંઘ એમને રાહત આપે, પણ ટ્રીસ્ટન સુવાનુ નામ ન લે. કેટલીય જાતના પ્રયત્ન પછી એની મમ્મીનુ ગમતું અત્તર છાંટેલુ ટી શર્ટ જ્યારે એના ઓશિકા પર ચડાવી એને સુવાડ્યો તો જાણે જાદુઈ છડી પરીએ એના પર ફેરવી હોય તેમ મમ્મીના સપનાં જોતો જોતો માસુમ મુસ્કાન રેલાવતો પળમાં પોઢી ગયો હોય.
એક માણસના ઘણા ચહેરા આપણે જોતા હોઈએ, પણ આટલા નાના બાળકનાં જુદા જુદા રૂપ ભાગ્યે જ જોવા મળે. ટ્રીસ્ટન આવીને લાડથી વળગી પણ પડે અને ત્યારે એનુ હાસ્ય એટલુ સોહામણુ લાગે જાણે પરાણે વહાલ કરવાનુ મન થઈ જાય. પણ જ્યારે વિફરે ત્યારે? !