- જિગીષા પટેલ
વ્હાલા બાળમિત્રો,
આજે આપણે જે કળા કે હોબીની વાત કરવાના છીએ તે દરેકે દરેક વ્યક્તિએ શીખવા જેવી અને માણવા જેવી કળા છે. જો એ કળા તમને આવડતી હશે તો એ તમને આજીવન ખૂબ ઉપયોગી થશે. તમને ખૂબ ભૂખ લાગી હોય અને ગરમાગરમ સત્યનારાયણની કથામાં બન્યો હોય તેવો શીરો ને ભજિયા મળે તો કેવી મઝા પડે?
સ્વાદિષ્ટ ,સુપાચ્ય( જલદી પચે તેવું) અને સ્વાસ્થ્ય માટે યોગ્ય હોય તેવું ખાવાનું મળે તો તેનાથી શરીર સુદ્રઢ( મજબૂત) રહે છે. કેટલાક લોકોના હાથમાં એવો જાદૂ હોય છે કે, તે ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે. દાખલા તરીકે માના હાથની રસોઈ. રસોઈ એ એક એવી કળા છે જે તમારી પાંચેય ઈન્દ્રિયોને ઉત્તેજિત કરી દે છે. સારું ચિત્ર હોય તો આંખને જોવું ગમે. સારું સંગીત સાંભળો તો કાનને સાંભળવું ગમે પણ રસોઈકળામાં પારંગતની વાનગી ચાખશો તો તમારી પાંચેય ઈન્દ્રિયો ઉત્તેજિત થઈ જશે.
જો એ વાનગીઓને સરસ રીતે જુદાજુદા રંગોની વસ્તુથી શણગારી હશે, તેનો સ્વાદ, સુગંધ, દેખાવ, આકાર, ટેકક્ષ્ચર અને ફલેવર પણ ખૂબ સરસ હશે; તો આપોઆપ એ વાનગી ખાવાની પ્રબળ ઇચ્છા થશે. આમ સ્વાદિષ્ટ રસોઈ પેટમાં પેસી હૈયાને પોષે છે અને માટે જ રસોઈ એક ઉત્તમ કળા છે એમ કહેવાય છે ને!
હવે તમે કહેશો કે, "ભાઈ આ તો માત્ર છોકરીઓએ શીખવાની કળા છે."
પણ હવે દુનિયા બદલાઈ ગઈ છે. દેશમાં અને પરદેશમાં સ્ત્રીઓ પણ પુરુષસમોવડી થઈ દરેકેદરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. દરેક ઘરમાં બહેનો પણ અર્થોપાર્જનનાં કામમાં પુરુષો જેટલું જ કામ કરી રહી છે. જો તમને રસોઈ કરતા આવડતી હશે તો જીવન ખૂબ સરળ થઈ જશે.તમે પણ સ્ત્રીઓ પર નિર્ભર નહીં રહો.આખી દુનિયામાં સ્ત્રીઓ જેટલાં જ; બલ્કે તેનાથી વધારે સારી રસોઈ બનાવતા શેફ( રસોઈયા) પુરુષો જ હોય છે. આપણા ભારતમાં પણ લગ્ન પ્રસંગોમાં, પાર્ટીઓમાં રસોઈયા પુરુષો જ હોય છે.
રસોઈકળાથી શું બને?
જુદી જુદી રીતે પકાવેલી ખાદ્ય સામગ્રીમાં જુદા જુદા મસાલા મિલાવીને પકવેલું એવું વ્યંજન કે જેનો દેખાવ, સુગંધ અને સ્વાદ તમારી પાંચે ઈન્દ્રિયોને તરબતર કરી દે. આ વાનગી સગડી પર કરેલ દમપુખ્ત લસણની વઘારેલ ગુજરાતી મસાલા ખીચડી હોય કે પછી પંચતારક હોટલમાં મળતી ઈટાલિયન, મેક્સિકન, થાઈ કે મેડિટરેનિયન ડિશ હોય.
આજકાલ તો આ શીખવું પણ ખૂબ સરળ થઈ ગયું છે. રોજબરોજના દાળ, ભાત, રોટલી, શાક તો તમે તમારી માતા પાસેથી શીખી શકો છો અને થાઈ, મેક્સિકન, બર્મિસ, ઈટાલિયન જેવી ઈન્ટરનેશનલ વાનગીઓ તમે ઈન્ટરનેટની મદદથી યુ-ટયુબ પર જોઈ શીખી શકો છો. આપણા દેશના પણ દરેકેદરેક પ્રાંત અને રાજ્યની જુદી જુદી રસોઈ અને તેની ખાસ વાનગીઓ હોય છે. તે પણ તમે તે તે પ્રાંતમાં ફરી ખાઈ શકો છો અને ભાવે તો યુટયુબ કે વાનગીની મળતી ચોપડીઓ વસાવી શીખી શકો છો.
આપણા ગુજરાતનાં ખમણ ઢોકળા, ઢેબરાં,પાતરા, ફાફડા, જલેબી, શ્રીખંડ, ઊંધિયું, પુરી કે મહારાષ્ટ્રના મિસલપાંવ, વડાપાંવ અને પાંવભાજી કે પંજાબની મકાઈની રોટી ને સરસવ નું શાક, કાલી દાલ,છોલે ભટુરે અને ગાજર હલવો. બિહારના લીટી ચોખા તો બંગાળની જાતજાતની મીઠાઈ ચમચમ, રસગુલ્લા, બાલુશાહી અને કચોરી. કર્ણાટકના ઈડલી-ઢોંસા ને વડા સંભાર. કેરાલાનું અપ્પમ ને તીખી મીટને માછલીની વાનગીઓ; હૈદ્રાબાદી બિરયાની અને કાશમીરી પનીર ચમન તો ગોવાની પ્રોન કરી,આસામની ટેન્ગા માછલી તો સિક્કીમના મોમોસ અને ઝારખંડના ધુસકા. આમ આ અનેકવિધ વાનગીઓનો રસથાળ આપણા દેશમાં જ ઉપલબ્ધ છે.
એકવાર આ રસોઈની કળા તમને આવડી જાય, પછી તો ભયો ભયો. તમે દેશમાં જ ભણવા બીજા રાજ્યમાં જાવ કે પરદેશ ભણવા જાવ. મમ્મી બહાર ગઈ હોય કે લગ્ન કરો તો પત્ની કામ કરતી હોય તમને તમારું મન ગમતું જમવાનું મળી રહે. આજકાલ દરેક જણ પોતાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જાગૃત થઈ ગયા છે તેથી લીલાં શાકભાજી, સલાડ અને ફળોના સંયોજનવાળું તેમજ બધા જ વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના મિશ્રણવાળી જરુર હોય તેટલી કેલરીવાળી સરસ રસોઈ તમે ઘેર જાતે જ બનાવી શકો.
પરંતુ આના માટે જરુર પડે થોડી મહેનત અને ખાસ્સો મહાવરો, થોડી તત્પરતા અને સાથે તન્મયતા( એક ધ્યાન) , થોડી પારંપારિકતા અને ઘણીબધી પ્રયોગશીલતા, થોડીક ગુરુચાવીઓ અને ઘણીબધી કોઠાસૂઝ હોવાં જરૂરી છે. પછી તો બેડોપાર જ સમજો.
જેને રસોઈકળા ખૂબ ગમતી હોય તે રેસ્ટોરન્ટમાં શેફ બની શકે છે. પોતાની ફાસ્ટફૂડની નાની
લારી કે વેનમાં પણ વેચાણ શરુ કરી આગળ વધી શકે છે. બહેનો પણ પોતાના કેટરિંગ, ટિફિનના નાના ગૃહઉદ્યોગની શરુઆત કરી પછી પોતાની રેસ્ટોરન્ટ કરી શકે છે.
ચાલો તો આજે જ નક્કી કરી લો આપણે તો રસોઈ કળા શીખવી જ છે અને પોતાનું સ્વાસ્થ્ય જાળવવું જ છે.