- નિરંજન મહેતા
જાગતા હૈ સો મહાન હૈ
- શ્રી વિનય પાઠક
કાચબો: જો દોડવાની રેસ કરવાની હોય તો હું નક્કી કરૂં એ રસ્તે દોડવાનું... બોલો, મંજૂર છે?
સસલી: ઓહ, એમાં શું મોટી વાત? તું કહે તે રસ્તે દોડીશું. (ઑડિઅન્સ સામે જોઇને) રસ્તો ગમે તે નક્કી કરે .... દોડવું જ છે ને.... કાંઈ એની ઝડપ થોડી વધવાની છે? અને મારે તો આ વખતે ક્યાંય રોકાયા વગર દોડવું જ છે..... કાચબાને હરાવું તો જ ખરી.... (કાચબાને) બોલ ભાઈ, ક્યા રસ્તે દોડવાનું છે?
કાચબો: જો ગયે વખતે આપણે પેલા સામેના ઝાડ સુધી દોડવાની શરત હતી બરાબર? (સ્ટેજના એક ખૂણા તરફ બતાવે છે). હવે આપણે પેલું દૂર સુધી દેખાય છે ને ત્યાં સુધી દોડવાનું. (સ્ટેજના સામેના બીજા ખૂણા તરફ બતાવે છે). બોલ, કબૂલ?
સસલી: કબૂલ. એમાં શું? તું કહે તેમ.
કાચબો: ચાલ, તો થઇ જા તૈયાર.
સસલી: હું તો તૈયાર જ છું. વન-ટુ-થ્રી. (કૂદકા મારતી સસલી દોડવા માંડે છે. સ્ટેજના અર્ધગોળાકાર ચક્કર મારે છે. કાચબો પણ એ જ અર્ધગોળાકારે ધીમે ધીમે આગળ વધે છે. સસલી અટકી જઈને.......)
સસલી: ઓત્તારી, આ તો નદી આવી ગઈ. હવે હું શું કરૂં? મને તો તરતાં આવડતું નથી. આ કાચબો મને ફરીવાર ઉલ્લુ બનાવી ગયો. હાય દેવા, હવે શું કરૂં?
(નિરાશ થઈને બેસી જાય છે. થોડીવારે કાચબો આવે છે.)
કાચબો: કેમ સસ્સીબેન અટકી ગયા પાછા? દોડો, પહોંચી જાવ ઝટ પેલા ઝાડ પાસે... જીતી જાવ શરત.
સસલી: (ગુસ્સામાં) તું દગાબાજ, હરામખોર, ચીટર છે. તને ખબર હતી કે આ રસ્તામાં વચ્ચે નદી આવે છે ને મને તરતાં નથી આવડતું એટલે આ રસ્તો નક્કી કર્યો, ખરૂંને? દગાખોર.
કકચ્બો: લો, આમાં દગાખોરી ક્યા આવી? મેં શરત મુકી અને તમે માન્ય કરી.
સસલી: પણ તે મને કહ્યું કેમ નહીં કે વચ્ચે નદી આવે છે?
કાચબો: તમે પૂછ્યું તો નહીં. વગર પૂછ્યે હું શું કામ દોઢ ડાહ્યો થાઉં?
સસલી(દાંત પીસીને): તું દોઢ ડાહ્યો છે.....ચીટર..... ચીટર..... ચીટર.....
કાચબો: ઓ.કે. ચીટર તો ચીટર. આવજો. (કાચબો પાણીમાં તરતો હોય તેમ અભિનય કરીને આગળ જાય છે).
હું જીતી ગયો .... ભાઈ જીતી ગયો ....સસ્સીબેન ફરી હારી ગયા.... કેમ છો સસ્સીબેન? મજામાં?
સસલી: મને ચિડાવ નહીં હોં, કહી દઉં છું હા....આને દોસ્તી ના કહેવાય. દોસ્તીમાં આવી દગાબાજી ના હોય. આજથી તારી મારી દોસ્તી ખતમ.
(સસલી મો ફેરવી બેસી જાય છે. કાચબો તરવાનો અભિનય કરીને પાછો આવે છે.)
કાચબો: સસ્સીબેન, તમે જ કહેતાં હતાં ને કે આ રમત છે. એક ખેલ છે. તો ખેલદિલી રાખોને....હારજીત તો થાય. આ તો ગમ્મત હતી. ક્યાં કોઈને રાજપાટ આપી દેવાના છે? બે ઘડી ટાઈમપાસ.
સસલી: તું દાઝેલા પર દામ દેવાનું બંધ કર ને જા ટળ અહીથી. આઘો ખસ.... મારી સાથે વાત નહીં કર. હું તારી દોસ્ત નથી.
કાચબો: નારાજ ન થાવ. આ તો એવું છે ને કે ફક્ત ગતિ તેજ હોવાથી જ રેસ નથી જીતવાની. રેસ જીતવા થોડો બુદ્ધિનો ઉપયોગ પણ કરવો પડે. શું સમજ્યા?
સસલી: તું ચૂપ મરીશ હવે? તારૂં ડહાપણ ડહોળવાનું રહેવા દે. જા અહીંથી.......ગેટ લોસ્ટ.
કાચબો: જેવી તમારી મરજી. દોસ્તી નહીં તો નહીં.....કાંઈ વાંધો નહીં.
(કાચબો થોડે દૂર જઈને બેસી જાય છે.)
સસલી: અરે, આ તો ખરેખર ફરી રીસાઈ ગયો. અહીયાં એના સિવાય મારો બીજો કોઈ મિત્ર પણ નથી. મનાવવો તો પડશે.... ચાલ, કોશિશ કરી જોંઉ.
સસલી (કાચબા પાસે જઈને): ભાઈલા.... તારી વાત સાચી છે. શરતો અને હારજીત જ દોસ્તીની આડે આવે છે. હારીએ તો આપણો અહં ઘવાય અને જીતીએ તો વધારે અહંકારી બનીએ.......હવે હારજીતની રમત નથી રમવી. ચાલ, ફરી દોસ્ત બની જઈએ.
કાચબો: હવે સમજદારીની વાત કરીને? આપણે તો દોસ્ત જ છીએ. (હાથ મેળવે છે).
સસલી: ભાઈ તું તો ઘણીવાર આ નદીમાં જતો હશે નહીં?
કાચબો: અરે બેન, મારૂં ઘર જ આ નદીમાં છે. રસ્તા પર તો કોઈક જ વાર આવું છું.
સસલી: તું તરીને સામે કિનારે પણ જતો હોઈશને?
કાચબો: જાઉં છુંને ઘણી વાર.
સસલી: તો મને કહેને નદીની સામે પાર શું છે?
કાચબો: સુગંધી રંગીન ફૂલોના બગીચા છે....નાના નાના હરણાં દોડે છે.... નાનકડી તલાવડીઓ છે અને ઘણા બધા રંગબેરંગી પતંગિયાં ઉડે છે.
સસલી: અરે વાહ, બહુ મજા આવતી હશે ખરૂંને? પણ મારા નસીબમાં આવું બધું જોવાનું અને એવી બધી મજા ક્યાંથી? (નિસાસો નાખે છે.)
કાચબો: બહેન, એમ નિસાસો કેમ નાખે છે?
સસલી: તો શું કરૂં? મને આ બધું ક્યાંથી જોવા મળે?
કાચબો: કેમ?
સસલી: કેમ શું? વચ્ચે આટલી મોટી નદી આવે છે ને....મને તો તરતા જ આવડતું નથી. અરે, પાણીમાં જતાં જ ડર લાગે છે. તું નસીબવાળો છે હોં ભાઈ કે તને તરતા આવડે છે. એટલે જ તું રંગબેરંગી પતંગિયા અને એવું બધું જોઈ શકે છે. ભગવાન, મને આવતા જન્મે કાચબો બનાવજે.
કાચબો: એમ નિરાશ ન થા બહેન. આવતા જન્મે શું કામ? આ જન્મે જ તું આ બધું જોઈ શકે છે.
સસલી: અક્કરમીનો પડિયો કાણો....મારા ફૂટેલા નસીબ કે આ નદી વચ્ચે આવી પડી.
કાચબો: તારે પેલી પારના બગીચોચા અને પતંગિયાં ને બધું જોવું છે?
સસલી: જોવું તો ઘણું છે પણ કરમની કઠણાઈ છે ને!
કાચબો: (થોડીવાર વિચાર કરીને) ચાલ...આજે જ તને તે બધું જોવા મળશે.
સસલી: પણ કેવી રીતે એ શક્ય બને?
કાચબો: તું જો તો ખરી....જા પેલી નદી પાસે જઈને ઊભી રહે.....હું આવું છું ધીમે ધીમે.
સસલી: જો પાછી કોઈ અંચાઈ કે દગાબાજી નથી કરવાનો ને?
કાચબો: ના બહેન ના.... વિશ્વાસ રાખ.
(સસલી કૂદતી કૂદતી નદી પાસે જઈને ઊભી રહે છે. કાચબો ધીમે ધીમી આવે છે)
કાચબો: લે ચાલ, મારી પીઠ પર બેસી જા. હું તને સામે કિનારે ઉતારી દઈશ. બસ પછી તું મોજ કરજે.
સસલી (આશ્ચર્યથી): ખરેખર? તું મને તારી પીઠ પર બેસાડીને લઇ જશે? મને બાગબગીચા જોવા મળશે? સાચ્ચે જ?
કાચબો: સાચ્ચે જ. હું મશ્કરી નથી કરતો. દોસ્ત બનાવ્યો છે તો દોસ્તી પણ નિભાવી જાણું છું. ચાલ, આવી જા મારી પીઠ પર.
(સસલી કાચબાની પીઠ પર બેસી જાય છે. કાચબો તરતો તરતો આગળ વધે છે.)
કાચબો: આ નદી પાર થઇ ગઈ. જા, તારે હવે જેટલું ફરવું હોય તેટલું ફરી લે. પાછા જવું હોય ત્યારે કહેજે....હું તને પાછો સામે કિનારે મૂકી આવીશ.
સસલી: વાહ, તું તો ખરો મિત્ર છે.
કાચબો: હા બહેન, મિત્ર તેને જ કહેવાય જે એકબીજાને મદદરૂપ થાય. મૈત્રીમાં સ્પર્ધા ન હોય. અરસપરસનો સથવારો હોય. દોસ્તીમાં હારવાનું હોય નહીં. સૌની જીત જ હોય.
સસલી(હસતાંહસતાં): દોઢ ડાહ્યો....
કાચબો: આ નહીં સુધરે.