- વિનોદ પટેલ
મનોજ જ્યારે માત્ર દશ વર્ષનો હતો ત્યારે એક બસ અકસ્માતમાં એને બેય હાથ ગુમાવવા પડ્યા. મનોજના પિતા સુરતમાં ઓટોરીક્ષા ચલાવી તથા એમની માતા ‘’હાઉસ મેઈડ’’ નું કામ કરીને કુટુંબનું ભરણ પોષણ કરે છે. મનોજ માતા પિતાના એક માત્ર સંતાન છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા મનોજ ભિંગારેને બે હાથ ના હોવા છતાં તે પોતાનું બધુ કામ હાથ વિના જ કરી લે છે. વિકલાંગ મનોજે પોતાના જીવનનું લક્ષ્ય એક કલાકાર બનવાનું રાખ્યું હતું. મનોજે બે હાથ ગુમાવ્યા હોવા છતાં નિરાશ થયા વિના એમનું શાળાનું શિક્ષણ પૂરું કર્યું કર્યું. ત્યારબાદ સી.એન.વિદ્યાલયમાંથી ફાઈન આર્ટસની ડીગ્રી પ્રાપ્ત કરી.આમ એમનું કલાકાર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું.
મનોજે કોમ્પ્યુટર એપ્લીકેશનનો કોર્સ પણ પૂરો કર્યો. પોતાનું કોમ્પ્યુટર ઓન કરવાનું હોય કે પછી મોબાઈલ પર ફોન રિસીવ કરવાનું હોય, મનોજ પોતાનું બધુ જ કામ પગની મદદથી અને મોઢાંથી કરી લે છે.
૧૯૯૯ માં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિના હસ્તે મનોજને પેઈન્ટિંગ માટેનો પ્રતીષ્ઠિત ‘’રાષ્ટ્રીય બાલાશ્રી એવોર્ડ ‘’પણ એનાયત કરવામાં આવ્યો હતો. આમ બે હાથ વિનાના દિવ્યાંગ મનોજ ભિંગારેએ એક સારા ચિત્રકાર તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી બીજા દિવ્યાંગો માટે પ્રેરણા સ્રોત બન્યા છે.
મનોજ ભિંગારે પોતાના પગની મદદથી સારી ચિત્રકારી કરી લે છે. તે પગમાં પેન્સિલ પકડી કોઈપણ ચીજને કાગળ પર દોરે છે અને પછી તેમાં રંગ પણ ભરે છે. ભિંગારેએ આ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હીરાબાનું ચિત્ર દોર્યું હતું. આ ચિત્ર વડાપ્રધાન મોદીને રૂબરૂ મળીને આપ્યું હતું.
વડાપ્રધાન મોદીને રૂબરૂ મળીને તેઓ પોતાનું ચિત્ર આપવા માંગતા હતા. તેમનું આ સપનુ પણ પૂરુ થઈ ગયુ. ભાજપના ધારાસભ્યની મદદથી મનોજ અને સાત દિવ્યાંગ વ્યક્તિઓ વડાપ્રધાન મોદીને મળવા ગયા ત્યારે નરેન્દ્ર મોદી ખુરશી છોડીને આગળ વધ્યા અને અને દિવ્યાંગ મનોજને ગળે લગાવ્યો હતો. હીરાબા સાથેનું પેઈન્ટિંગ વડાપ્રધાનને ગિફ્ટ કર્યું તો મોદી પણ દંગ રહી ગયા હતા.આ પેઈન્ટિંગ માટે તેમણે મનોજના ખાસ્સા વખાણ કર્યા હતા.
સુરતના મનોજ ભિંગારે માટે પગ અને મોઢાથી પેઈન્ટિંગ કરવુ શરૂઆતમાં સહેલું ન હતું. છતાંય તે ક્યારેય હિંમત ન હાર્યા. તેમણે મહેનત કર્યા કરી અને તેમની મહેનત રંગ લાવી હતી. મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે પણ તેમણે તેમની એક પેઈન્ટિંગ મોદીને ગિફ્ટ કરી હતી. હવે મોદી વડાપ્રધાન બન્યા તો પણ મનોજની તેમને મળવાની ઈચ્છા પૂરી થઈ ગઈ.