- નિરંજન મહેતા
નરો વા કુંજરો વા
કુંજર એટલે હાથી.
આ કહેતી મહાભારતના સમયની છે. ધર્મરાજ યુધિષ્ઠિર સત્યવાદી ગણાતા અને કહેવાય છે કે, તેને કારણે તેમનો રથ જમીનથી થોડો ઉપર રહેતો.
મહાભારત યુદ્ધ દરમિયાન જ્યારે ગુરૂ દ્રોણાચાર્ય સેનાપતિની કામગીરી સંભાળી રહ્યા હતા, ત્યારે તેમને કોઈ પરાજિત કરે તેવી શક્યતા ન હતી. તે દરમિયાન લડાઈમાં એક હાથી અશ્વત્થામા હણાયો. હવે ગુરૂ દ્રોણાચાર્યના પુત્રનું નામ પણ અશ્વત્થામા હતું. એટલે શ્રીકૃષ્ણે એક યોજના કરી કે, જો ધર્મરાજા ગુરૂને કહે કે અશ્વત્થામા હણાયો છે, પણ તે હાથી કે નર તેની ચોખવટ ન કરે તો ગુરૂ દ્રોણાચાર્ય શોકગ્રસ્ત અવસ્થામાં શસ્ત્રોનો ત્યાગ કરે અને પાંડવો તેનો વધ કરી શકે.
પરંતુ ધર્મરાજા યુધિષ્ઠિરને આ વાત મંજૂર ન હતી. જ્યારે બધાયે બહુ સમજાવ્યા ત્યારે કમને આ સંદેશ આપવા તૈયાર થયા અને ગુરૂને કહ્યું કે અશ્વત્થામા હણાયો. પરંતુ પોતાનાં આત્મસંતોષ માટે પછી ધીમેથી કહ્યું કે, 'નરો વા કુંજરો વા.' એટલે કે તે નર હતો કે હાથી - તેની ખબર નથી જે ગુરૂએ ન સાંભળ્યું અને શસ્ત્રોનો ત્યાગ કર્યો. અંતે તેમનો વધ થયો.
આમ જ્યારે સાચી હકીકત પૂરેપૂરી ન કહેવાય જેને કારણે સામી વ્યક્તિને યોગ્ય માહિતી ન મળે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે.
એમ પણ કહેવાય છે કે આવું કહ્યા બાદ ધર્મરાજનો રથ જે જમીનથી અદ્ધર રહેતો તે જમીન ઉપર આવે ગયો હતો.