- લતા હીરાણી
આફતોની આંધી વચ્ચે
પોલીસ સેવા ક્ષેત્રની તાલીમ ખૂબ આકરી હોય છે. કિરણ બેદી એમાંથી પસાર થયાં હતાં. એમના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક સંઘર્ષો વેઠયા અને ક્યારેક તેમની સાથે માત્ર એટલા માટે અન્યાય થતો કે, તેઓ એક મહિલા હતાં. એમની શક્તિ અને નિષ્ઠા અનેકવાર પુરવાર થઈ હોવા છતાં એમના ઉપરી પુરુષ અધિકારીઓ એમના માટે એક સંકુચિત દષ્ટિકોણથી જ વિચારતા હતા. જોકે કિરણ બેદી આવી પરિસ્થિતિ સામે ઝૂકી જાય એમ નહોતાં. તેઓ ન્યાય માટે છેક સુધી ઝઝૂમવા તૈયાર રહેતાં. અંતે એમની જીત થતી પરંતુ વિચારવાની બાબત એ છે કે, જો આવી મહિલા પ્રત્યે પણ ભેદભાવવાળી નીતિ આચરવામાં આવતી હોય તો સામાન્ય સ્ત્રીની શું વિસાત ?
કિરણ બેદી આઈ.પી.એસ. અધિકારી બન્યાં. એક ઉચ્ચ કક્ષાનાં પોલીસ અધિકારી બનવાનું એમનું સ્વપ્ન પૂરું થયું. સૌપ્રથમ દિલ્હીના ચાણક્યપુરી થાણા ખાતે એમની નિમણુંક થઈ. શરૂઆતથી જ આ ક્ષેત્રમાં કંઇક ઉત્તમ કરી બતાવવા તેઓ ઝંખી રહ્યાં હતાં. પોતાની આવડત અને હિંમત બતાવી શકે એવી તકની શોધમાં તેઓ હતાં.
દિલ્હીમાં દર વર્ષે ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પરેડ યોજાય છે. સમગ્ર પોલીસદળ અને લશ્કરની ત્રણેય પાંખોમાં આ પરેડ માટે મહિનાઓથી તૈયારી ચાલતી હોય છે. દિલ્હીના લાલકિલ્લાથી રાષ્ટ્રપતિભવન સુધીના રાજમાર્ગને સુંદર રીતે શણગારવામાં આવે છે. આ રસ્તા પરથી વિજયકૂચ પસાર થતી હોય છે. એ વરસે વિજયકૂચ કરનાર પોલીસદળનું નેતૃત્વ એક મહિલા પોલીસ અધિકારીને સોંપાયું હતું. કેવો સુખદ યોગાનુયોગ કહેવાય !
કિરણ બેદીને આ આદેશ મળ્યો ત્યારે તેઓ થનગની ઉઠ્યાં. એમના માટે આ અત્યંત ગૌરવની વાત હતી. એમના પર મૂકેલા વિશ્વાસનું એ પ્રતીક હતી. પૂરા ઉત્સાહથી એમણે તૈયારી આરંભી દીધી. ક્યાંય કશી જ કચાશ રહી જવા ન પામે એનું એમણે બરાબર ધ્યાન રાખ્યું. એમની શિસ્તબદ્ધતા અને ચુસ્તી એમના દરેક કાર્યમાં જણાઈ આવતી હતી. એમની ટુકડી પણ એટલા જ ઉત્સાહમાં હતી.
તૈયારીઓ પૂરી થવા આવી. પ્રજાસત્તાક દિનનો સૂર્યોદય હવે બહુ દૂર નહોતો. અચાનક છેલ્લી ઘડીએ એમને જાણવા મળ્યું કે એમના ઉપરીઓ પરેડની ટુકડીનું નેતૃત્વ બદલવા વિચારણા કરી રહ્યા હતા. કિરણ બેદી પાસે ધીરજ ધરીને રાહ જોવાનો સમય નહોતો. એમની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળે એવું હતું. આવી સુવર્ણ તક એમણે શા માટે ગુમાવવી પડે ? એમની તૈયારીમાં કોઈ કચાશ હતી નહીં. એમને પોતાની સફળતા માટે પૂરતો આત્મવિશ્વાસ હતો.
એ વખતે શ્રી રાજગોપાલ દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ હતા. કિરણ બેદી તાત્કાલિક એમની પાસે પહોંચ્યા. પોતાને મળેલી માહિતી વિશે એમણે પૂછપરછ કરી. બહુ ઠંડા કલેજે શ્રી રાજગોપાલે જવાબ આપ્યો, “હા, તમે જે સાંભળ્યું છે એ વાત સાચી છે. પંદર કિ.મી. જેટલી લાંબી કૂચ છે અને પેલી વજનદાર શમશેર હાથમાં પકડી એ પાર પાડવાની છે. અમને લાગે છે કે તમે આખરે એક સ્ત્રી છો. આ તાકાતનું કામ છે. કદાચ તમારાથી નહીં થઇ શકે.”
કિરણ બેદીને આ વાત પોતાના અપમાન સમી લાગી. તેઓ અકળાઈ ઉઠ્યાં. તેમણે પૂછ્યું, ”મેં આઈ.પી.એસ.ની તાલીમ લીધી છે. આપ જાણો છો કે એ કેવી આકરી હોય છે. એ તાલીમમાંથી હું પાર ઊતરી છું, છતાં મારા સંબંધે આવું શા માટે વિચારાય ?’
શ્રી રાજગોપાલે મૂંઝવણ અનુભવી. કિરણ બેદીની દલીલ સચોટ હતી. એમની લગન અને નિષ્ઠામાં કઈ શંકા કરવા જેવું નહોતું. શારીરિક બળ માટેની તમામ કસોટીઓ તેઓ આપી ચૂક્યાં હતાં.
અનેક ચર્ચાઓને અંતે એમના ઉપરીઓએ નિર્ણય લીધો કે વિજયકૂચનું નેતૃત્વ કિરણ બેદી જ કરશે. આમ આખરે એમની જીત થઈ. ૧૯૭૩ની છવ્વીસમી જાન્યુઆરીની વિજયકૂચમાં કિરણ બેદી મેદાન મારી ગયાં. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એમના નેતૃત્વ અને કાબેલિયત પર વારી ગયાં. બીજે જ દિવસે એમને વડાપ્રધાન તરફથી સવારના નાસ્તામાં હાજર રહેવાનું નિમંત્રણ મળ્યું. વડાપ્રધાને એમને બિરદાવ્યાં અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી.
આવો જ બીજો અનુભવ એમને મિઝોરમ ખાતે થયો હતો. મિઝોરમમાં તેઓ ડી.આઈ.જી.તરીકે ફરજ બજાવતાં હતાં.
એમનાં માતા-પિતા એમની સાથે રહેતાં હતાં. અચાનક એમના પિતાને પેટમાં સખત દુખાવો ઉપડ્યો. એપેન્ડીસ્કની બીમારીનું નિદાન થયું. અસહ્ય દર્દ થતું હોવાથી તાત્કાલિક ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ.
કિરણ બેદી અને એમનાં માતાએ સ્થાનિક હોસ્પીટલમાં પિતાનું ઓપરેશન કરવા માટે મંજૂરીપત્ર પર સહી કરી દીધી. મિઝોરમમાં પરિસ્થિતિ એવી હતી કે નાની સામાન્ય બીમારી માટે પણ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પ્લેનમાં દિલ્હી દોડી જતા હતા, ત્યારે કિરણ બેદીએ ઓપરેશન માટે પણ બીજે ક્યાંય જવાનું વિચાર્યું નહીં.
ઓપરેશન અડધો કલાક ચાલશે એવું ડોકટરોએ કહેલું, એના બદલે ચાર કલાક ચાલ્યું. પછીથી ડોક્ટરોએ કહ્યું કે એમને એપેન્ડીસ્ક નહીં, પરંતુ આંતરડાના ક્ષયની બીમારી હતી, એટલે ઓપરેશન લાંબું ચાલ્યું. નાની હોસ્પિટલ,ઓછી સગવડ અને ડોક્ટરની અણઆવડતને કારણે ઓપરેશન દરમિયાન એમના પિતાનું આંતરડું ચિરાઈ ગયું હતું અને એમાં રસી થઈ ગઈ હતી.
એમની સ્થિતિ અત્યંત ગંભીર થઈ ગઈ હતી. હવે એમને તાબડતોબ દિલ્હી ખસેડવા પડે એમ હતા. દિલ્હી સુધીનો રસ્તો પૂરા ચાર દિવસનો હતો. પિતાની હાલત એટલી ગંભીર હતી કે મોડું કરવામાં એમના જીવનું જોખમ હતું.
મિઝોરમના રાજ્યપાલે તાબડતોબ હેલિકોપ્ટર મંગાવ્યું અને એમના પિતાને દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરી. હેલિકોપ્ટર આવ્યું તો ખરું, પરંતુ પાયલોટે કહ્યું કે સરકારી નિયમ મુજબ કોઈ મહિલાને હેલિકોપ્ટરમાં બેસાડી શકાય નહીં. આમ કિરણ બેદી, તેમની માતા કે બહેનો પિતા સાથે હેલીકોપ્ટરમાં આવી શકે નહીં.
સ્ત્રીઓ માટે કેવો અપમાનજનક નિયમ ! શા માટે સ્ત્રીઓ હેલીકોપ્ટરમાં બેસી ન શકે? આવી બાબતમાં સ્ત્રી-પુરુષના ભેદભાવ શા માટે? આ સવાલોના કોઈ તર્કયુક્ત જવાબો તો હોઈ શકે નહીં. એ સમયે ઇન્દિરા ગાંધી હેલીકોપ્ટરમાં જ પ્રવાસ કરતાં હતાં,પરંતુ તેઓ વડાપ્રધાન હતા, આથી કદાચ અપવાદ હતાં.
એક બાજુ પિતાની ગંભીર હાલત હતી તો બીજી બાજુ કિરણ બેદીના પરિવારમાં ચાર પુત્રીઓ જ હતી. પુત્ર હતો નહીં. એવી હાલતમાં પિતાની સાથે કિરણ અને એની માતાએ રહેવું જ પડે એમ હતું.
એમણે પૂરી તાકાતથી અને પૂરા આક્રોશથી છેક દિલ્હીની વાયુસેનાના મુખ્યાલય સુધી પોતાની વાત રજૂ કરી. પિતાના પ્રાણ ખાતર છેવટે એમણે આજીજી કરવી પડી. અંતે મંજૂરી મળી ખરી; પરંતુ આ ઘટનામાં એમની આકરી કસોટી થઈ. કિરણ બેદીએ પિતાને હેમખેમ દિલ્હી પહોંચાડ્યા, એમને સારવાર મળી અને એમના પ્રાણ પરનું સંકટ ટળ્યું.
ડગલે ને પગલે આવા તો અનેક અન્યાયો, અપમાનો એમણે સહ્યાં, જે સામાન્ય ગજાનો માનવી ખમી ન શકે. અનેક પ્રતિકૂળતાઓ એમણે વેઠી જે કોઈ સ્ત્રી માટે અકલ્પનીય બાબત હતી. કિરણ બેદી સામા પૂરે તરનારી સ્ત્રી હતી. પડકારોને પહોંચી વળનારી, શક્તિ સ્વરૂપા હતી. જેમ જેમ સંઘર્ષો આવતા ગયા તેમ તેમ તેમનું આંતરસત્વ વધુ પ્રકાશતું ગયું. કસોટીનો પ્રત્યેક પથ્થર એમના એક એક પાસાને વધુ ચમકદાર બનાવતો ગયો. આથી જ સન ૧૯૮૦ના વર્ષની ‘સર્વશ્રેષ્ઠ મહિલા’નો એવોર્ડ એનાયત થયો ડૉ. કિરણ બેદીને!