વ્યક્તિત્વ વિકાસ

- રાજુલ કૌશિક        

      આ આપણે સૌએ વિચારવા જેવી એક સરસ વાત છે. આપણે ક્યારેય 'આપણા માટે કોણ શું કે કેવું વિચારતા હશે?'  એવું વિચારીએ છીએ ખરા? આપણને સૌ આપણા મોઢે આપણી પ્રસંશા કરે, એવું જ ગમતું હોય છે. પણ ક્યારેક માત્ર સારું જ નહીં પણ સાચું જાણવાનો પ્રયત્ન ય કરવો જોઈએ -  જેથી આપણી ભૂલ કે કચાશ સુધારી શકીએ.

એના માટે એક સરસ દ્રષ્ટાંત આપું? 

 એક દિવસની વાત છે. એક કિશોર નજીકના સ્ટોરમાં ગયો. ત્યાં પબ્લિક ટેલીફોન પરથી એણે એક ફોન જોડ્યો અને અત્યંત નમ્રતાથી એણે સામેની વ્યક્તિ સાથે  “ગુડ મોર્નિંગ મેમ”નું અભિવાદન કરીને વાતની શરૂઆત કરી, “ એક્સક્યુઝ મી મેમ, મને તમારા ઘરની લૉન કાપવાનું કામ મળી શકે ?”

     “મારી પાસે અત્યારે લૉન કાપવા માટે વ્યક્તિ છે જ.” કદાચ સામેથી જવાબ મળ્યો.

     “પણ હું આપની લૉન અત્યારે આપ ચૂકવી રહ્યા છો એના કરતાં અડધા ભાવે કાપી આપીશ,”

    “ સોરી, હાલમાં મને જે લૉન કાપી આપે છે એના કામથી મને ઘણો સંતોષ છે. ” ફરી સામેની વ્યક્તિએ જવાબ આપ્યો.

     “ હું આપના ઘરની પગથીની આસપાસ ઉગેલું ઘાસ પણ કાપી આપીશ. આપની લૉનની હું ખુબ સરસ રીતે માવજત કરીશ.”પેલો કિશોર નમ્રતાથી પણ પોતાની વાત પર અડી રહ્યો.

     “સોરી, પણ મારે ખરેખર મારા કામ માટે અન્યને બોલાવવાની જરૂર નથી.”

      હવે પેલા કિશોરે સરસ મઝાના સ્મિત સાથે ફોન ક્રેડલ પર પાછો મુક્યો.

      આખી વાત સાંભળી રહેલા સ્ટોરના માલિકને આ કિશોરમાં રસ પડ્યો. એમણે કિશોરને પાસે બોલાવીને કહ્યું મને તારી કામ પ્રત્યેની ધગશ ગમી. તારું કામ પ્રત્યેનું વલણ ગમ્યું. તને અહીં કામ કરવું ગમશે?”

     “ના સર, આપનો આભાર.” કિશોરે નમ્રતાથી સ્ટોર માલિકને ના પાડી.

      અરે! પણ હમણાં તો તું કામ માટે આજીજી કરતો હતો.”  આશ્ચર્ય પામતા સ્ટોર માલિકે કહ્યું.

      “ જી, હું મારી પાસે હાલમાં જે કામ છે, ત્યાં મારી કામગીરીથી સંતોષ છે કે નહીં એ જાણવા માંગતો હતો.”

       આને કહીશું જાતનું મૂલ્યાંકન કરવાનો એક અનોખો અંદાજ. જાત માટેની અનેરી અજમાયેશ?

     મોટાભાગે આપણે આપણી જાતની અન્ય સાથે જ સરખામણી કરતાં હોઇએ છીએ. આપણા કરતાં કોણ કેટલું આગળ છે, કોનામાં કેટલી ક્ષમતા છે એ અંગે જ આપણે વિચારતા હોઇએ છીએ.

સીધી વાત-

      ખરેખર તો પહેલી જરૂર છે આપણે આપણી જ ક્ષમતાને જાત સાથે સરખાવવાની. ગઈ કાલે જે કરી શકતા હતા એના કરતાં આજે કંઇક વધારે સારો દેખાવ કરીએ છીએ? ઓફિસ હોય કે ઘર, ભણતર હોય કે ગણતર, આપણામાં કશો પણ સુધારો થયો છે?  ગઈકાલે જે પરફોર્મન્સ કે પરિણામ હતું એના કરતાં આજે વધારે ઉચ્ચ કોટીનું પરફોર્મન્સ કે પરિણામ આજે આપી શક્યા છીએ?

      આજે વિશ્વ જે રીતે હરણફાળે આગળ વધી રહ્યું છે એ રફ્તારે દોડવાની ખરેખર જરૂર છે ખરી? હા! પ્રગતિ માટે કોઇનો કોઇપણ એક આદર્શ હોઇ શકે. એ આદર્શ આઇન્સ્ટાઇન કે અંબાણી, સ્ટીવ જોબ કે સ્ટીવન સ્પિલબર્ગ, અમિતાભ કે આર્નોલ્ડ શ્વાઝનેગર પણ હોઇ શકે. પણ ખરેખર તો એ સૌની જેમ સફળ થવા માટે કે એમણે સર કરેલી સફળતા સુધી પહોંચવા માટે થઈને પણ આપણે જાતને જ પહેલા કરતાં વધુ ને વધુ સક્ષમ બનાવવાની જરૂર છે. અને એ માટે જરૂરી છે જાત ચકાસવાની કે, આપણે જે કંઇ કામગીરી કરી રહ્યા હતા એના કરતાં આજની કામગીરી વધુ સંતોષજનક છે ખરી?

      જવાબ હા હોય તો ઉમદા. એનો અર્થ આપણે સાચા અર્થમાં વિકાસ કરી રહ્યા છીએ. આપ સંતોષની સાથે અન્યનો સંતોષ ભળે તો તો વળી એનાથી વધુ ઉમદા.  

તેમનો બ્લોગ - રાજુલનું મનોજગત

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *