- લતા હીરાણી
કર્તવ્યની કેડીએ
૧૯૮૨માં કિરણ બેદી દિલ્હીના વાહનવ્યવહાર વિભાગમાં નાયબ પોલીસ કમિશનર હતાં એ સમયની આ ઘટના છે. દિલ્હીની વિખ્યાત કોનોટ સર્કલમાં આવેલું યુસુફઝાઈ બજાર જાણીતું છે. આ બજાર એટલે કાર શોખીનોની મનપસંદ જગ્યા. અહીં ગાડીને સુશોભિત અને સુસજ્જ કરવાનાં સાધનો મળી રહે. આવાં સાધનોની કેટલીયે દુકાનો આ બજારમાં આવેલી છે. અહીં ભીડ પણ ખાસ્સી રહે. ઉત્તમ, મધ્યમ,અને સસ્તી ચીજવસ્તુઓ અહીં મળી રહે. લગભગ બધી જ કંપનીઓનો માલ અહીં ઉપલબ્ધ થાય. આથી લોકો ગુણવત્તાની દષ્ટિએ તેમ જ કિંમતની દષ્ટિએ આ બજારની મુલાકાત લેવાનું વધુ પસંદ કરે.
યુસુફ ઝાઈ માર્કેટમાં ગાડી માટેનો સરસામાન વેચતી દુકાનો ઉપરાંત કાર-રિપેરિંગનાં ગેરેજ અને બીજી પણ ઘણી દુકાનો, ઓફીસો, રેસ્ટોરન્ટ વગેરે ખરાં. આ બજારની મુલાકાત લેનારાઓ માટે સૌથી વધુ પરેશાનીની બાબત એ હતી કે અહીં કાર પાર્કિંગની કોઈ વ્યવસ્થા નહોતી.
ફૂટપાથ પર દુકાનમાલિકોનાં વાહન પાર્ક થઇ જાય. ગ્રાહકોને પોતાનાં વાહનો રાખવાની જગ્યા મળે નહીં. આથી નજીકમાં જ્યાં જગ્યા મળે ત્યાં સૌ પોતાનાં વાહનો પાર્ક કરી દે. આને પરિણામે અહીં વારંવાર ટ્રાફિક જામ થઇ જતો.
આડેધડ પાર્ક થયેલી ગાડીઓને કારણે રસ્તે ચાલતા લોકોની તકલીફોનો પાર ન રહે. અવ્યવસ્થાને કારણે નાનાં -મોટાં અકસ્માતો અને લડાઈ-ઝઘડા પણ થયાં કરે. આ પરિસ્થિતિ માત્ર યુસુફ્ઝાઈ માર્કેટની જ નહીં પણ દિલ્હીનાં તમામ ગીચ વિસ્તારોની હતી.
સરકારી તંત્રમાં અમુક વ્યક્તિઓ પ્રમાણિક હોય છે. પરંતુ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા જતાં કેટલીકવાર એમને માટે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. લાગવગ ધરાવતા લોકો આવા પ્રમાણિક કર્મચારીઓને હેરાન-પરેશાન કરતાં હોય છે. આથી ઘણી વાર પ્રમાણિક કર્મચારી નિષ્ક્રિય રહેવાનું પસંદ કરતા હોય છે.
કિરણ બેદી આ પરિસ્થિતિથી અજાણ નહોતાં. એમણે એ મુશ્કેલીમાંથી માર્ગ કાઢી ઉત્તમ પરિણામ આપવાનું હતું. કોઇપણ અધિકારીનું સાચું બળ એના કર્મચારીઓ જ હોય છે. કર્મચારીઓના સક્રિય સાથ વગર અધિકારી અસરકારક પરિણામ બતાવી શકે નહીં.
કિરણ બેદીએ કર્મચારીઓનો જુસ્સો અને હિંમત વધારવા માટે રચનાત્મક પગલાં લીધાં. એમણે દરેક પોલીસ કર્મચારીને પોતાની ફરજનું પાલન કરવા માટે પૂરી સ્વતંત્રતા બક્ષી. સાથે સાથે ચુસ્ત રીતે નિયમપાલન કરવા અને કરાવવાની તાકીદ પણ આપી. તેમણે સ્પષ્ટ સૂચના આપી કે કર્મચારીએ કાયદાનું પાલન કરવા બાબત જરા પણ ગભરાવું નહીં. નિયમભંગ કરનાર વ્યક્તિ ગમે તેટલી વગદાર હોય તો પણ ડર્યા વગર કાયદાનો અમલ કરવો. એના માટે કર્મચારીની પૂરી સુરક્ષાની પોતે ખાતરી આપી.
પોલીસ કર્મચારીઓનો અને અધિકારીઓનો કામ કરવાનો જુસ્સો બમણો થઇ ગયો. કિરણ બેદી નિષ્ઠાવાન અધિકારીઓને બિરદાવતાં. કર્મચારીઓની ઢાલ થઈને ઊભાં રહેતાં. ફરજમાં ઢીલાશ બતાવનાર કર્મચારીને જરા પણ ચલાવી લેતા નહીં. અપ્રમાણિક કર્મચારી સાથે કડક હાથે કામ લેતાં. આ બધાંને પરિણામે એમનો સ્ટાફ કામગરો અને જવાબદાર બનતો ગયો.
દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થામાં દિવસે દિવસે શિસ્ત આવતી ગઈ. કાયદાની પરવા ન કરનારા લોકો હવે કાયદાથી ડરવા લાગ્યા. નિયમભંગ બદલ હવે છટકવું મુશ્કેલ બન્યું. ભલભલા ચમરબંધીઓની બકરી હવે ડબામાં આવી ગઈ હતી. સામાન્ય પ્રજાજનોએ રાહતનો દમ ખેંચ્યો. લોકોની મુસીબતો ઘટી અને પ્રજા કિરણ બેદીની ત્વરિત કાર્યપદ્ધતિ પર ઓવારી ગઈ.
એક વાર યુસુફ ઝાઈ માર્કેટમાં એક સફેદ એમ્બેસેડર ગાડી ખોટી જગ્યાએ પાર્ક કરેલી જોવા મળી. એ વખતે એ વિસ્તારમાં સબ-ઇન્સ્પેક્ટર નિર્મલસિંહ ફરજ પર હતા. નિર્મલસિંહ એક પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી હતા. એમણે તરત જ ખોટી જગ્યાએ પાર્કિંગ કરવા માટે ગાડીના ડ્રાઈવરને ચલન પકડાવી દીધું.
યોગાનુયોગ આ ગાડી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કાર્યાલયની હતી. ડ્રાઈવરે નિર્મલસિંહને ચોખ્ખું સંભળાવી દીધું કે, આ વડાપ્રધાનની ગાડી છે એને વળી દંડ કેવો? નિર્મલસિંહ પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યાં. વડાપ્રધાનની ગાડી હોય તો શું થયું? કાયદો સહુને સમાન રીતે લાગુ પડે છે. શું રાજા, શું રંક? કાયદો વડાપ્રધાન કે સામાન્ય જનતામાં ભેદભાવ ન કરી શકે. કોઈને નિયમભંગ કરવાની છૂટ ન મળે.
વડાપ્રધાનના સલામતીદળના કર્મચારીઓએ નિર્મલસિંહ સાથે ઘણી દલીલો કરી, પરંતુ નિર્મલસિંહે નમતું ન જોખ્યું. એમણે ચલન પાછું ન જ ખેંચ્યું.
નિર્મલસિંહમાં આવી હિંમત પ્રેરનાર કિરણ બેદી હતાં. આ કોઈ નાની-સૂની ઘટના નહોતી. નિર્મલસિંહને આપખુદ અને મનસ્વી અધિકારી ગણી તેમની સામે પગલાં લેવાની વાત થઈ. કિરણ બેદીએ આવાં કોઈ પગલાં ભરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને કહ્યું કે મારા અધિકારીએ માત્ર પોતાની ફરજનું પાલન કર્યું છે. એની સામે પગલાં લેવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. કિરણ બેદીએ નિર્મલસિંહને એની હિંમત માટે બિરદાવ્યા અને ખોટી હેરાનગતિ સામે પૂરું રક્ષણ આપ્યું.
આ બનાવ વિશે અખબારોમાં ઘણું છપાયું. દેશની જનતાને આમાં કિરણ બેદીની કર્તવ્યનિષ્ઠાનાં દર્શન થયાં. કેટલાક લાગતાંવળગતાં અધિકારીઓ આ અંગે રોષે ભરાયા. કેટલાકને આવું પગલું વધારે પડતું લાગ્યું. આ ઘટનાને ખૂબ મોટું સ્વરૂપ અપાયું. કિરણ બેદીના એકાદ ઉપરી અધિકારીએ એમને સૂફિયાણી સલાહ પણ આપી કે, બાંધછોડ કરી લેતાં શીખો. આનું પરિણામ સારું નહીં આવે, પરંતુ તેઓ પોતાના વલણમાં મક્કમ રહ્યાં. આ બનાવની તપાસ સોંપાઈ અને પગલાં પણ લેવાયાં. આખરે વડાપ્રધાનની ગાડી માટે દંડ ભરવો જ પડ્યો.
આ ઘટના બાદ દેશની આમજનતામાં કિરણ બેદી એક અત્યંત લોકપ્રિય અમલદાર બની ગયાં. લોકો તેમની સચ્ચાઈ, નિષ્ઠા અને ફરજપાલનની ભાવનાને આદરથી જોવા લાગ્યા. સમગ્ર ટ્રાફિક વિભાગનો જુસ્સો બમણો થઈ ગયો અને ખોટું કરનારાઓ ફફડી ઉઠ્યાં.
કિરણ બેદીને પોતાના સિદ્ધાંતો ખાતર સહન પણ કરવું પડ્યું. તેમની વારંવાર બદલીઓ થઈ પરંતુ તેમણે જે કોઈ સ્થળે કામગીરી બજાવી ત્યાં કોઈની શેહશરમ રાખ્યા વગર હંમેશાં જે ન્યાયી હોય એ જ કાર્ય કર્યું અને ફરજપાલનમાં પોતાની સમગ્ર તાકાત રેડી દીધી. તેઓ ખુદ ન્યાયપ્રિયતા અને નિષ્ઠાનું એક જીવતું-જાગતું ઉદાહરણ બની રહ્યાં.