આદર્શ નેતૃત્વ

- રાજુલ કૌશિક        

     એક વાત પૂછું? શ્રી અબ્દુલ કલામને તમે સૌ ઓળખો છો ને? ભારતના એક સમયના રાષ્ટ્રપતિ હતા એ તો ખબર છે ને? એટલું જ નહીં એ એક અદ્ભૂત શિક્ષક, સફળ વૈજ્ઞાનિક, મિસાઇલમેન અને અત્યંત સાલસ ઇન્સાન પણ હતા. સાવ સાદા અને સરળ, ભલા એવા શ્રી અબ્દુલ કલામે એમના જીવનના કેટલાક યાદગાર પ્રસંગોના ઉલ્લેખમાં એમની સફળતાનો શ્રેય એમની માતાને આપ્યો છે.

    લો બોલો, આમ તો કશું પણ સારું કર્યું હોય તો આપણને તો પોતાના માટે જ વટ મારવો ગમે ને? આમ જનતા સાથે મોટાભાગે એવું જ બનતું હોય છે કે, કાર્યમાં સફળતા મળે તો એ સિધ્ધિની યશકલગી હોંશે હોંશે સૌ પોતાના શિરે પહેરી લે.  પણ નિષ્ફળતાનો ભાર તો એકદમ સહજતાથી અન્યના શિરે જ નાખી દે. જ્યારે શ્રી અબ્દુલ કલામ ૧૯૮૦માં ભારતના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પ્રોગ્રામના પ્રોજેક્ટ ડાયરેક્ટર બન્યા, તે સમયના તેમના અનુભવ વિશે વાત કરી છે.

     'રોહિણી' ઉપગ્રહને અંતરીક્ષમાં તરતો મૂકવાના એ પ્રોજેક્ટમાં હજારો લોકો સંકળાયેલા હતા. દરેક એક વ્યક્તિનો એમાં ક્યાંક નાનો-મોટો ફાળો તો હશે જ. ૧૯૭૯માં લગભગ તૈયારી સંપૂર્ણ થઈ ચૂકી હતી. કંટ્રોલરૂમમાં ભેગા થયેલા માટે કોમ્પ્યૂટરની એ છેલ્લી ચાર મિનિટની ગણતરી અતિ મહત્વની હતી. ગણતરી શરૂ થઇ….ટીક…ટીક.. ..ટીક…

   પણ એક જ મિનિટમાં કોમ્પ્યૂટરે ક્યાંક કશું ખોટું હોવાનો સંકેત આપ્યો. નિષ્ણાતોની ગણતરી પ્રમાણે તો બધુ જ બરાબર હતું. એટલે રોકેટ છોડવામાં પણ આવ્યું. પરંતુ ઉપગ્રહ અંતરીક્ષમાં જવાના બદલે રોકેટ સમેત બંગાળની ખાડીમાં જઈને ખાબક્યું. મિશન નાકામિયાબ રહ્યું. પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ ગયો.

   સ્વાભાવિક પ્રેસ, જનતા સમક્ષ આ ઘટના અંગે ખુલાસો તો કરવો જ રહ્યો. ઇસરોના ચેરમેન પ્રોફેસર શ્રી સતિષ ધવને શ્રી હરિકોટામાં આવેલી, સેટેલાઇટ રેન્જ  પર પ્રેસ કોન્ફરન્સ બોલાવી. અહીં વિશ્વભરના પત્રકારો સમક્ષ એમણે જે વાત કરી એ જીવનભર શ્રી અબ્દુલકલામ માટે આદર્શ લીડરશીપનું દ્રષ્ટાંત બની ગયું.

     તે સમયે પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ કલામ હતા એટલે એક રીતે જોવા જઈએ તો પ્રોજેક્ટની સફળતા-નિષ્ફળતાની જવાબદારી એમની કહેવાય. પરંતુ ઇસરોના ચેરમેન હોવાના નાતે નિષ્ફળતાની જવાબદારી સ્વયં પર લેતા પ્રોફેસર સતિષ ધવને પ્રેસ સમક્ષ એવું કહ્યું કે, વૈજ્ઞાનિકોની ટીમે ખુબ મહેનત કરી હતી પણ ટેકનિકલ સપોર્ટની ખામીના લીધે આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે.

     ફરી જ્યારે ૧૯૮૨માં ઉપગ્રહ તરતો મુકવામાં સફળતા મળી, ત્યારે પ્રોફેસર સતિષ ધવને એ દિવસની પ્રેસ કોન્ફરન્સ સંભાળવાની જવાબદારી અબ્દુલ કલામને સોંપી. અર્થાત નિષ્ફળતાના સમયે આગળ વધીને જવાબદારી પોતાના માથે લીધી અને સફળતાનો યશ ટીમને આપ્યો.

સીધી વાત–

    આગળ કહ્યું તેમ .. મોટાભાગે એવું જ બનતું હોય છે કે કાર્યમાં સફળતા મળે તો એ સિધ્ધિની યશકલગી હોંશે હોંશે સૌ પોતાના શિરે પહેરી લે પણ નિષ્ફળતાનો ભાર તો એકદમ સહજતાથી અન્યના શિરે જ નાખી દે. સારા બનવું સૌને ગમે સાચા બનવાની તૈયારી કોનામાં અને કેટલી?

     અબ્દુલ કલામ કહે છે કે, એ દિવસે મેનેજમેન્ટનો સૌથી મહત્વનો અને ઉમદા પાઠ મને શીખવા મળ્યો. જીવનમાં ઘણીવાર એવું બને કે, કોઇ પાઠશાળા કે જ્ઞાનપીઠ કરતાંય જાત અનુભવ કંઇક વધુ સચોટ અને કાયમી દ્રષ્ટાંત બની રહે.

તેમનો બ્લોગ - રાજુલનું મનોજગત

--

One thought on “આદર્શ નેતૃત્વ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *