- રાજુલ કૌશિક
વાર્તા રે વાર્તા…
વાર્તા સાંભળવી-વાંચવી કે કહેવી તો સૌને ગમે બરાબર ને? તો ચાલો ચાલો આપણે આજે એક વાર્તા માંડીએ.
સદીઓ પહેલાંની વાત છે. એક રાજા દરબાર ભરીને બેઠા હતા. એમની આસપાસ દરબારીઓ પણ પોતાની બેઠક પર બિરાજમાન હતા. દરબારમાં એક વેપારી આવ્યો. વેપારી પાસે કાષ્ઠની ત્રણ ખુબ સુંદર પૂતળીઓ હતી જેના પર મીનાકારીનું ખુબ બારીક અને સુંદર નકશીકામ કરવામાં આવ્યું હતું. ખરેખર બેનમૂન કહેવાય એવી આ પૂતળીઓને જોઇને દરબારીઓ જ નહીં રાજા સુધ્ધા હેરત પામી ગયા. વેપારીએ રાજાને કહ્યું ….
“રાજન, આ મારી પૂતળીઓ હું વેચવા આવ્યો છું. એમાંની બે પૂતળીઓની કિંમત તો કોડીનીય નથી. ત્રણમાંથી એક પૂતળીની કિંમત સો સોનામહોર છે. હવે આ ત્રણ એક સરખી દેખાતી પૂતળીઓની કિંમત પ્રમાણે એને પારખવાનું કામ આપના દરબારના ચતુર સુજાણ પર છોડું છું.”
હેરત પામેલા દરબારમાં હવે સન્નાટો છવાઇ ગયો કારણકે કદ કાઠી, દેખાવ, રંગ, રૂપ અને મોહકતામાં ત્રણે પૂતળીઓમાં લેશમાત્ર તફાવત નહોતો. વેપારીના પડકારનો સામનો કરવામાં જો નિષ્ફળતા મળે તો રાજા અને દરબારીઓ સૌની પ્રતિષ્ઠા જોખમાય એમ હતી. વાત વટ પર જતી હતી.
............. ............. ................
અંતે દરબારના ખૂણેથી એક વ્યક્તિ આગળ આવી અને રાજાને કહ્યું, “ રાજન, આપની અનુમતિ હોય તો હું આ પૂતળીઓની પરખ કરી બતાવું.”
રાજાની સંમતિ મેળવીને એ વ્યક્તિએ ત્રણે પૂતળીઓનું બરાબર બારીકાઇથી નિરીક્ષણ કર્યું. અંતે એ ત્રણે પૂતળીઓને દરબારની વચોવચ મૂકાવી અને થોડી સળીઓ મંગાવી દરેક પૂતળીના કાનમાંથી પસાર કરી. સળીઓની આ રમતના અંતે એ વ્યક્તિએ ત્રણે પૂતળીઓને એની કિંમત મુજબ પારખી બતાવી.
વેપારી ખુશ, રાજા તો એનાથી પણ વધુ ખુશ. હવે રાજાએ એ વ્યક્તિ પાસે ખુલાસો માંગ્યો. એણે સળીઓની રમત સમજાવતા કહ્યું, “ રાજન, આ પરખ કોઇ અઘરી બાબત નથી.
મેં જે પૂતળીના કાનમાં સળી નાખી એ એના બીજા કાનમાંથી બહાર આવી એનો અર્થ એ કે એની સાથે કોઇપણ વાત કરો એ એક કાનેથી બીજા કાને કાઢી નાખશે. એ કોઇ વાતને જરાય ગંભીરતાથી લેશે જ નહીં.
જે પૂતળીના કાનમાં સળી નાખી અને એના મ્હોંમાંથી બહાર આવી એનો અર્થ એ કે તમે એની સાથે જે કોઇ વાત કરશો એ વાત એના પેટમાં જરાય ટકશે જ નહીં. અર્થાત આ બંને પૂતળીઓ જેવી વ્યક્તિ પાસે કોઇ ગંભીર કે વિશ્વસનીય વાત કરવી વ્યર્થ છે . આવી વ્યક્તિઓને જરાય ભરોસાપાત્ર કહી શકાય નહીં માટે એમની કિંમત એક કોડીની પણ ના કહેવાય .
હવે એક પૂતળી એવી હતી કે જેના કાનમાં સળી નાખી એ ક્યાંયથી બહાર નિકળી નહીં. એ સીધી એના પેટમાં જ ઉતરી ગઈ. અર્થાત આવી વ્યક્તિ સાથે વાત કરવામાં એટલી તો નિશ્ચિંતતા રહે કે કોઇપણ વાત એના ભીતરમાં જ ભંડારાયેલી રહેશે. આપ આપનું કોઇપણ રહસ્ય અથવા મહત્વની વાત એની સાથે વહેંચી શકો છો માટે એની કિંમત મેં આંકી સો સોનામહોર. આવી વ્યક્તિ સૌથી વધુ ઉમદા અને ભરોસાપાત્ર છે કારણકે એ વાતની ગંભીરતાને સમજીને માત્ર પોતાના સુધી જ મર્યાદિત રાખશે. આપ પણ આપની કોઇ મહત્વની બાબત કે રહસ્ય એના પાસે સુરક્ષિત છે એમ માનીને નિશ્ચિંત રહી શકશો.
હવે છેલ્લે વેપારીએ હૂબહૂ આ ત્રણ પૂતળીઓ જેવી જ દેખાતી ચોથી પૂતળી પોતાના થેલામાંથી કાઢી. રાજા અને દરબારીઓ સમક્ષ આ પૂતળી મુકતા કહ્યું,
આ છેલ્લી પૂતળીની કિંમત એના વજનના ભારોભાર સોનામહોર છે. પણ હવે શરત એ છે કે અન્ય જેવી જ દેખાતી આ પૂતળીની કિંમત શા માટે સૌથી વધારે આંકી છે એ કોયડો આપે ઉકેલવાનો છે.
ફરી એકવાર દરબારમાં થોડીવાર માટે શાંતિ છવાઇ ગઇ. રાજાએ ફરી એકવાર પેલા જ દરબારી સમક્ષ આશાભરી નજર દોડાવી. અત્યંત શાંતિથી એ દરબારીએ એ પૂતળીનું અવલોકન કર્યું અને ફરી થોડી સળીઓ મંગાવી. પહેલી વાર સળી કાનમાં નાખી તો એ બીજા કાન સોંસરવી નિકળી ગઈ. બીજી સળી નાખી તો એ મ્હોં વાટે બહાર આવી અને ત્રીજી સળી નાખી તો એ ક્યાંયથી બહાર ન આવી.
“રાજન, આ પૂતળીની કિંમત વેપારીએ એના વજનના ભારોભાર આંકી છે કારણકે આવી વ્યક્તિ જરા વિશેષ છે. આવી વ્યક્તિ કઈ વાત પ્રાધાન્ય આપવા જેવી નથી એ સમજે છે અને એટલે જ વાત એક કાનેથી બીજા કાને કાઢી નાખે છે. બીજી વાર એ સળી એના મ્હોં વાટે નિકળી એનો અર્થ આવી વ્યક્તિ જાણે છે કે ક્યાં , ક્યારે અને કેટલું બોલવું અને ત્રીજી વારની સળી ક્યાંયથી બહાર ન આવી એનો અર્થ એ કે આવી વ્યક્તિને ખબર છે કે ક્યારે મૌન રહેવું.
સીધી વાત-
જીવનમાં સૌથી મહત્વની છે આ સમજ…..ક્યાં, ક્યારે, કેટલું બોલવું અને ક્યારે ચૂપ રહેવું.
આપણી આસપાસ પણ એવી કેટલીય વ્યક્તિઓ હશે, જે આ ચાર પૂતળીમાંની એક જેવી તો હશે જ. આપણે જ પારખવાનું છે કે કોણ કેટલું વિશ્વસનીય છે. આપણે મનની વાત કે વ્યથા કોની પાસે કહેવી એ આપણે વિચારી લેવાનું છે. આપણી મનની વાત કે, કોઇપણ ગોપનીય ( છાની ) વાત કોની પાસે કેટલી સુરક્ષિત રહેશે - એ આપણે પારખી લેવાનું છે .
Thanks sureshbhai