- નિરંજન મહેતા
દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ.
જ્યારે કોઈ વ્યક્તિને ખરાબ અનુભવ થાય ત્યારે બીજી વાર સમજ્યા વગર બીનજરૂરી સાવચેતી દાખવે ત્યારે આ કહેવત એ સંદર્ભમાં વપરાય છે.
એક જમાઈ પોતાના સાસરે પહેલી વાર ગયા. ભાઈમાં થોડી સમજ ઓછી એટલે જ્યારે સાસુમાએ ગરમ દૂધનો પ્યાલો ધર્યો ત્યારે જમાઈ તરીકે પોતાનો વટ દેખાડવા એક શ્વાસે ગટગટાવી ગયા. પરિણામે તેની જીભ ચચરી ઊઠી.
જમ્યા બાદ સાસુમાએ છાશનો પ્યાલો આપ્યો. હવે આગલા અનુભવને ધ્યાનમાં લઇ જમાઇરાજાએ તો વિના વિચારે છાશ ફૂંકવા માંડી અને ધીરે ધીરે પીવા લાગ્યા. હાજર સૌનાં મુખ પર હાસ્ય તો આવ્યું; પણ જમાઈરાજને ખોટું ન લાગે માટે તે પરાણે દબાવી રાખ્યું.
બસ, આ પરથી ઉપલી કહેવત પડી છે.
આપને પણ જો એક મિત્ર આપણી સાથે ખરાબ વર્તન કરે એ અનુભવ્યા પછી બધા મિત્રો પણ તેવાં જ હશે તેમ માની દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ તે મુજબ વર્તીએ; તો તે ભૂલભરેલું છે. છતાં આપણે અન્યો પ્રત્યે પણ સાવચેતી રાખીએ તો સારા મિત્રો ગુમાવવાનો સમય આવી જાય.
એટલે આપણને પણ એક વાર ખરાબ અનુભવ થાય અને પહેલા પ્રકારની પરિસ્થિતિ હોય અને ચેતી જઈએ તો તે યોગ્ય છે. પણ જરૂર ન હોય તો પણ વધુ પડતી સાવચેતી દેખાડીએ તો કદાચ ઉપરોક્ત કહેવત લાગુ પડે.