- જયશ્રી પટેલ
નમસ્તે બાળકો...
આવ્યો મંગળવાર સાથે લાવ્યો ખુશી નો ભંડાર. કહેવાય છે ને કે, પશુ, પક્ષી, માનવ બધાને લાગણી હોય છે. ફૂલના છોડને પણ લાગણી હોય છે. ચાલો આજે એવીજ લાગણી ને સંસ્કાર માટે વાત કરીએ.
બકા જમાદાર નો સંસાર નાનો પણ સમજુ પરિવાર. સંસ્કાર તો એમના જ. બાળકો, તમે નાના છો. તમને તમારી મનગમતી વસ્તુ ન મળે તો તમે યેનકેન પ્રકારે મેળવવા પ્રયત્ન કરો, બરાબર ને?
બકેશર પણ નાનો જ હતો. તે ઘણીવાર વિચારતો કે, 'મારી પાસે ઘણું નથી જે મારા મિત્રો પાસે છે, તો હવે હુ પિતાજી અને માતાજી ને કહીશ કે મને લાવી દે.' એ તો બેઠો લિસ્ટ બનાવવા. લિસ્ટ તો લાંબુ ચોડું બનતું ગયું. બકેશર ને થયું 'આટલુ બધુ? આમાંથી જરૂરિયાતની ચીજો રાખી ને બીન જરૂરિયાત ચીજો હુ કાઢી શકું.'
બકા જમાદાર આ જોયા કરતા હતા. તેઓ તો અક્ષર પણ બોલ્યા નહિ. જોયું કે, 'બકેશર શું શું કાઢે છે? જોઉં પછી વાત કરીશ.' શાળા માટે નવું દફ્તર, લંચબોક્સ, નવો કંપાસ, પેન્સિલ - ઈમ્પોર્ટેડ, હવે રમવાના બૂટ, શાળાના બૂટ, નવો સ્વીમીંગ કોસ્ચુ્યૂમ. આમ તો સારો જ હતો પણ નવો લેવો જોઈએ. ઘરમાં રમવા વિડિયો ગેમ, કેરમ તો જૂની રમત થઈ ગઈ. અરે મદનિયા પાસે નવુ પેલું હાથમાં ઘૂમાવવાનું. એ તો મ્યૂઝિક વાળુ જ લેવાયને? 'આમ શું રદ કરૂં અને શું નહિ?' વિચારતા અને લખતાં લખતાં તે તો સૂઈ ગયો.
હવે બકા જમાદારે તો લિસ્ટ લીધું અને વાંચવા લાગ્યા.એમને થયું, 'ખરેખર એની આ મનોકામના મારાથી તો નહિ પૂરી થાય. તો એને શુ ને કેવી રીતે સમજાવું કે, એને દુઃખ પણ ન થાય ને આનંદથી સમજી જાય.' સવારે એમણે જૂનુ દફ્તર કાઢ્યું અને એને લઈ એ તો ઉપડ્યા મોચી પાસે. એની પર સરસ મજેના ચામડાના નાના ટૂંકડા પડ્યા હતા તેને હાથેથી લાલ પર લીલો, લીલા પર કાળો, કાળા પર ગુલાબી રંગના દોરા વાપરી ને સરસ પેચ લગાડ્યા અને સરસ એના પટ્ટા પણ બદલ્યા. જુનું દફતર નવું અને ફેન્સી બની ગયું. ઘરે લાવીને છૂપાવી મૂકી દીધુ.
સ્વીમીંગ કોસ્ચ્યૂમને સરસ પીળામાંથી ભૂરો રંગ ચઢાવી દીધો અને બે ત્રણ ફેન્સી બટન લગાડી દીધા.ચશ્માની પાછળ નવું રબર ચઢાવી દીધું. હવે રમતનો વારો આવ્યો તો તેમણે જે મિત્ર ને ત્યા વિડિયો ગેમ હતી તેને ધરે બોલાવ્યો. હવે મિત્ર ને બકેશર એ રમવા બેઠા. બકા જમાદાર તેમના મિત્રો સાથે કેરમ રમવા લાગ્યા. ત્યાં ચાર ને અહીં બે - બકેશરનું ધ્યાન વારંવાર કેરમ તરફ ફરે.
હવે બકા જમાદારે કહ્યું, " તુ તારી રમતમાં ધ્યાન રાખ." પણ કેરમ જેવી મજા એને ન આવી. કારણ એમાં કોઇ હરિફાઈ જ નહોતી. તે સમજી ગયો - કેરમ 'જૂનું એટલુ સોનું.' જેવી રમત છે. પછી તો સોગટાબાજી કાઢી ને તે રમ્યો. સાપ બાજી રમ્યો ને એને મજા પડી ગઈ.
ધીરે રહી બકા જમાદારે તેને દફ્તર આપ્યું. એ તો ખુશ ખુશ થયો. બીજે દિવસે સ્વીમીંગના વર્ગમાં જતો હતો ત્યારે એને ચશ્મા ને કોસ્ચ્યૂમ આપ્યા. તો તે ખુશખુશાલ શાળાએ ગયો. રાત્રે તેનું લિસ્ટ લઈ બકા જમાદાર બેઠા અને કહ્યું, "બેટા! તારે હવે આમાંથી કંઈ જોઈએ તો કહે."
પણ સંસ્કારી બરકેશ સમજી ગયો કે, 'વગર કામની ચીજો જે ઘરમાં રખડ્યા કરે એવી બીજી ચીજો લાવવા ખોટા ખર્ચા ન કરવા - એ જ યોગ્ય છે. સારૂં હોય તો વાપરવું જોઈએ. માતા પિતા મહેનત કરે તો આપણે પણ સાથ આપવો જોઈએ. કોઈનો મહેલ જોઈ આપણી ઝૂંપડી -જેમાં આનંદ હોય - તે ન તોડવી જોઈએ. ભણી ગણી મોટા થઈને આપણા શોખ જો યોગ્ય હોય તે પૂરા કરવા જોઈએ. માતા પિતા આપણને ભણાવે ને એમની હેસિયત પ્રમાણે લાડ પ્યાર કરે તો આપણે પણ તેમની સાથે પ્રેમથી રહેવું જોઈએ. તેમની લાગણીને દુખી કરવા કરતા તેમને સુખ આપવું જોઈએ.'
માટે બાળકો તમે પણ બરકેશની જેમ યોગ્ય અયોગ્યતાને ઓળખશો તો ખુશ અને હમેશા ખુશ રહેશો. આટલું જરૂર તમારી મિત્ર નું કહ્યુ સમજજો.