- નિરંજન મહેતા
ધાર્મિક વિધિઓ અને તેને કારણે થતાં સંઘર્ષને કારણે કેટલાક માબાપ પોતાના સંતાનોને ધર્મથી દૂર રાખે છે.
દરરોજ રાતે સૂતા પહેલા સાત વર્ષની નાની અનિકા જવેરી પોતાની માતા લક્ષ્મી સાથે એક નાનકડી પ્રાર્થના કરે છે. પણ આ પ્રાર્થનામાં નથી હાથ જોડાતા કે ન કોઈ ભગવાનને યાદ કરાતા. તેઓ ફક્ત તે દિવસે બનેલી ત્રણ સારી અને ખરાબ ઘટનાઓને યાદ કરે છે. જેમ કે, અનિકા એક નવા પુસ્તકની શરૂઆત માટે આનંદિત છે તો પોતાની બહેનપણી આગળ જુઠ્ઠું બોલ્યાનું દુ:ખ છે. તે ‘પ્રાર્થના’ કરે છે કે તે હવે ફરીવાર જુઠ્ઠું નહીં બોલે. લક્ષ્મી એક તમિલ બ્રાહ્મણ છે તો તેનો પતિ જૈન છે અને તેઓ પોતાની દીકરીનો ઉછેર આ બેમાંથી કોઈપણ ધર્મને અનુસરીને નથી કરતાં.
લોકો ધર્મ પ્રત્યે ખોટા રસ્તે જઈ રહ્યા છે. તેઓ ધાર્મિક વિધિમાં અટવાય છે અને ધર્મના વિસ્તૃત સંદેશને ભૂલી જાય છે અને તેથી તેઓ વધુને વધુ અસહિષ્ણુ બનતા જાય છે. લક્ષ્મી ઝવેરી અને તેનો પતિ જય જુદા જુદા સંપ્રદાયોના છે અને પોતાની પુત્રી અનિકાને તે સંપ્રદાયોને અવગણીને ઉછેરે છે.
તેર વર્ષની વાન્યા કાલરાને તેનો પોતાનો બિનધર્મનો અભિગમ છે. દિલ્હીની ટાગોર ઇન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થીની વાન્યા કાલરા કહે છે, “હું અને મારા મિત્રો, લોકો કયો ધર્મ પાળે છે તે વાતને અવગણીએ છીએ. ભલે ભગવાન છે પણ હું માનું છું કે ભગવાન ફક્ત એક જ છે. અને તેને ન તો કોઈ નામ છે કે ન તો કોઈ વ્યક્તિત્વ છે.” .
અનિકા અને વાન્યા ધર્મવંચિત બાળપણમાં એકલા નથી. ઓનલાઈન વાલી ફોરમ અને વોટ્સ એપ જૂથો પરથી જાણવા મળે છે કે, ઘણા બધા વાલીઓ પોતાના સંતાનોનો ઉછેર ધર્મને ન અનુસરતા કરે છે. જ્યાં નવ ધર્મો અને અગણ્ય દેવતાઓ છે એ દેશમાં આ લોકો પોતાના સંતાનોને કહે છે કે કોઈ એક ધર્મ નથી કે કોઈ એક ભગવાન નથી, અથવા ઘણાં છે અને દરેક ભગવાન છે અથવા ધર્મ હોવો ન હોવો જરૂરી નથી પણ અગત્યનું એ છે કે એક સારા માનવી બનો.
આંકાડાઓ એ વાતને પુષ્ટિ આપે છે. ૨૦૧૧ની ભારતની જનગણના પરથી જાણવા મળે છે કે ‘ધર્મની જાણકારી’ન આપવાવાળા લોકોની સંખ્યા ૨૯ લાખની હતી - જે ૨૦૦૧ની જનગણનામાં ૭ લાખ હતી. આ આંકડા વસ્તીના ૧%થી પણ ઓછા છે પણ હવે પછીની જનગણનામાં આનાથી પણ વધુ લોકો હોવાની ધારણા છે.
(શ્રીમતી સોબીતા ધરના અંગ્રેજી લેખનો અનુવાદ – સાભાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા – ૩૧ માર્ચ ૨૦૧૯ ) -