શબ્દ – ૭, ધરતી

   -  દેવિકા ધ્રુવ       

પ્રિય  શબ્દપ્રેમી વિદ્યાર્થીઓ,

     વસંત ૠતુ આવે એટલે કુદરતને ખોળે રમવાનું મન થાય. ખાસ કરીને શિયાળાની ઠંડીમાં થીજી ગયેલી ધરતી સરસ મઝાની લીલી સાડી ધારણ કરે ને જે દીપે તે જોવાનો ખૂબ આનંદ આવે. આ વાક્ય લખ્યું તેમાં ‘ધરતી’ અને ‘ધારણ’ એ બે શબ્દો અને એની આસપાસ વીંટળાયેલી વાતો વિચારવા મન તૈયાર થઈ જાય એ કેટલું સ્વાભાવિક છે,નહિ?

     તો ચાલો, આજે એવા શબ્દો વિશે થોડુંકઃ

      ધરતી શબ્દના મૂળમાં  સંસ્કૃતનો धृ (dhru) ધાતુ છે. धृ એટલે ધરવું તેના ઉપરથી धरति, धारयति વગેરે રૂપો બને અને તેના ઉપરથી धरित्री, धरणि વગેરે  સ્ત્રીલિંગ શબ્દો બન્યાં. તેનો અર્થ જે ધારણ કરે છે તે એવો થાય. પ્રાકૃતમાં વળી धरित्ती શબ્દ બન્યો.

    ગુજરાતીમાં એ જ અર્થવાળાં ઘણાં શબ્દો છે.

સમાનાર્થી શબ્દો - પૃથ્વી,ધરા, ભૂમિ, જમીન,જમીનની સપાટી, અવની, જગત, દુનિયા, સંસાર વગેરે.

વિરોધી શબ્દો - આકાશ,ગગન,નભ,આભ,આસમાન,અંતરિક્ષ વગેરે.

સામાસિક શબ્દો - ધરતીકંપ,ધરતીપતિ,ધરતીમાતા,ધરતીમંડળ વગેરે.

કહેવતો-

  • ધરતીના ફૂલ= આમ તો ધરતીમાંથી ઉગી નીકળે તે બિલાડીના ટોપ અર્થ થાય. પણ  બાળકો માટે પણ ધરતીના ફૂલ શબ્દ વપરાય છે.
  • ધરતીનો છેડો આવી ગયો.= કોઈ વાતનો અંત આવવો, લાવવો તે.
  • ધરતીમાં પેસી જવું= શરમ ભરેલી સંવેદના અનુભવવી.
  • ધરતી હલાવી નાંખવી=મુશ્કેલ કામ કરી બતાવવું.
  • ધરતી પર પગ ન ઠરવો=  ખૂબ અભિમાન કરવું.

      આપણે જે વિરોધી શબ્દ આકાશ કહ્યો ને તે પણ મઝાનો શબ્દ છે. મારો તો ખૂબ જ માનીતો શબ્દ છે. કોઈ કવિ એવો નહિ હોય જેણે કવિતામાંઆકાશ શબ્દ ન વાપર્યો હોય!. હવે એ શબ્દ ક્યાંથી આવ્યો?

આ+કાશ

    આ=ચારે બાજુ, બધી બાજુ, જ્યાં જુઓ ત્યાં અને કાશ= ફેલાયેલું, પ્રકાશેલું, વિસ્તરેલુ..

    તો આવું ચારેબાજુથી પ્રકાશિત છે તે શું છે? આકાશ. બરાબર ને?

      હવે જો આ શબ્દ વિશે આપણે મોટા મોટા શબ્દકોષોમાં જોવા બેસીએ તો પાનાનાં પાનાં ભરીને જાતજાતના અને ભાતભાતના અર્થ આપવામાં આવ્યા છે. એ બધા સાચા. પણ આપણને તો આ અર્થ પહેલો અને ખરો અનુભવાય છે. આકાશ કે જે ચારે દિશામાં તેજસ્વી છે તેથી જ તો સૂરજના  પણ અનેક નામોમાંનું એક નામ આકાશ છે જ. ધરતીની જેમ આકાશના પણ અનેક શબ્દો, અનેક અર્થો, ઘણા રૂઢિપ્રયોગો, બહુ બધી કહેવતો, અઢળક સમાસવાળા શબ્દો પણ છે.

       ધરતી અને આકાશની વાત કરવા બેઠા છીએ તો એક બીજો શબ્દ પાતાળ પણ સમજવા જેવો ખરો હોં..

     પાતાળ એટલે ધરતીની નીચે સાત લોક આવેલા છે તેમ પુરાણોમાં માનવામાં આવે છે તેમાંનો છેલ્લો લોક તે પાતાળ. હવે વિચાર કરો કે આ આખી ધરતી, આવડું મોટું આકાશ અને જમીનની નીચેનો છેક છેલ્લો લોક એટલે કે પાતાળ. જો આ ત્રણેને ભેગાં કરીએ તો સર્વસ્વ મળી જાય ને? પછી કશું જ બાકી ન રહે. ભગવાન પણ બહુ સ્માર્ટ છે.

      પેલી વાર્તા યાદ છે ને વામન અવતાર અને બલિરાજા. તેમાં બલિરાજા તેમના ૧૦૦મા અશ્વમેધ યજ્ઞ પ્રસંગે કોઈપણ વ્યક્તિને માંગે તે દક્ષિણા આપવા તૈયાર હતા. એ વખતે શ્રી વિષ્ણુ ભગવાન બાળક વેશે હાજર થયા અને માંગણી કરી કે ‘મારે માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ.” બલિરાજાએ તો તરત જ કહ્યુઃ ”જરૂર, તમે તમારા ત્રણ પગલાંથી માપીને જમીન લઈ લો. તેમાં શું મોટી વાત છે?”

      પછી તો એ બાળકે વામનમાંથી વિરાટ સ્વરૂપ બનાવી પગલાં માપવા માંડ્યા. પહેલા બે પગલાંમાં આકાશ અને ધરતી લઈ લીધાં અને ત્રીજા પગ માટે કોઈ જગ્યા ન રહી તો બલિરાજાના માથા પર પગ મૂકી પાતાળમાં ઊતરી ગયા અને પાતાળ પણ લઈ લીધુ!

       કેવી અને કેટલી ચતુરાઈ? ત્રણ જ પગલાં. ધરતી,આકાશ અને પાતાળ. બલિરાજા માટે કે કોઈને માટે કંઈ બાકી રહ્યું?

         તો આ ત્રણ શબ્દોના મૂળ સમજતા સમજતા આપણે તો ક્યાંના ક્યાં પહોંચી ગયાં?  શબ્દોની આ જ તો મઝા છે અને આપણા પુરાણા ગ્રંથોના ખરા સત્વ પામવાની પણ એટલી જ મઝા.

ફરી આવી રસપ્રદ વાતો સાથે જરૂર મળીશું અહીં.

તેમનો બ્લોગ - શબ્દોને પાલવડે 

--

Leave a Reply

Your email address will not be published.