- લતા હીરાણી
નરકની યાતના
તિહાડ જેલ એટલે ઠાંસોઠાંસ ભરાયેલા કેદીઓ અને એમની સાથે પશુ જેવો વ્યવહાર કરતા ક્રૂર કર્મચારીઓ. જેલના કર્મચારીઓએ જેલમાં પૂરેપૂરું આતંકનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું. કેદી પર ગમે તેટલો સિતમ ગુજારવામાં આવે, બહારની દુનિયાને એની ગંધ સુધ્ધાં ન આવે એવી જડબેસલાક અને ભેદભરમથી ભરપૂર વ્યવસ્થા જેલમાં હતી. તિહાડ જેલ એ એના કર્મચારીઓની પાશવી વૃત્તિઓ સંતોષવાનું મોકળું મેદાન હતું. જેલના તંત્રને આ ક્રૂરતા કોઠે પડી ગઈ હતી.
જેલના કર્મચારીઓ માનતા કે કેદીઓને ત્રાસ અને જુલમથી જ કાબૂમાં રાખી શકાય. કેદીઓની સાથે જેલમાં માનવતાપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ કે જેલમાં એમને સુધરવાની તક આપવી જોઈએ એવું કોઈ માનતું નહીં.
જેલમાં આવનાર પ્રત્યેક કેદી ગુનેગાર હોતો નથી. ફરિયાદ કે શંકા પરથી આરોપીને પકડીને જેલમાં લાવવામાં આવે. ત્યારબાદ એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે અને કોર્ટમાં કામ ચાલે. આ દરમિયાન જો એની પરનો આરોપ જામીનપાત્ર હોય અને એ માટે જામીનગીરી જેટલાં નાણાની સગવડ કરી શકતો હોય તો તે જામીન પર છૂટી શકે. પરંતુ બિચારાં ગરીબો વતી જામીનનાં નાણા ખર્ચવાં કોણ તૈયાર થાય? આથી જ્યાં સુધી કોર્ટમાં કેસ ચાલે નહીં ત્યાં સુધી એમણે ફરજિયાત જેલમાં રિબાવું પડે.
ભારત દેશના ન્યાયતંત્રની બલિહારી છે કે આરોપીને ન્યાય મેળવતાં વર્ષો લાગી જાય છે. એકાદ-બે વર્ષ સજા થઈ શકે એવા નાના ગુના બદલ જેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોય અને એમની પાસે જામીન પર છૂટવાની સગવડ ન હોય તો એનો કેસ કોર્ટમાં આવતાં આવતાં જ ક્યારેક ત્રણ-ચાર વર્ષ જેટલો સમય લાગી જાય. આથી ગુનો સાબિત થયા પહેલાં એમણે જેલમાં લાંબી સજા ભોગવી લીધી હોય. ગરીબાઈ એ જ એમનો ગુનો. આવા કેદીઓને કાચા કામના કેદી કહે છે.
તિહાડ જેલમાં કાચા કામના કેદીઓની સ્થિતિ ભયંકર હતી. ગુનો કબૂલ કરાવવા માટે કે પછી એમના વિરોધ-વિદ્રોહ ડામવા માટે એમના પર અસહ્ય સિતમ ગુજારાતો હતો. કેટલાંય ગરીબ બિચારાં માર ખાઈ-ખાઈને મરી જતાં. એમના વતી કહેનાર કે પૂછનાર કોઈ જ નહોતું.
કાચા કામના કેદીઓને રીઢા, ખૂંખાર ગુનેગારો સાથે જ રાખવામાં આવતા. પરિણામે આવા કેદીઓ બંને બાજુથી દંડાતા. એક બાજુ એમને જેલના કર્મચારીઓનો જુલમ સહેવો પડતો તો બીજી બાજુથી રીઢા ગુનેગારોનો ત્રાસ અને દાદાગીરી ખમવાં પડતાં.
કર્મચારીઓના જુલમથી તો એમને મુક્તિ મળતી નહીં પરંતુ રીઢા ગુનેગારોના ત્રાસથી બચવા તેઓ તેમનું કહ્યું કામ કરવા તૈયાર થઈ જતા. તેમની ટોળકીમાં સામેલ થઈ જતા અને આમ જેલની બહાર નીકળતા સુધીમાં કાચા કામના કેદીઓનું માનસ સંપૂર્ણપણે ગુનાહિત બની જતું.
જેલમાં અફીણ,ગાંજો,ચરસ જેવાં નશીલાં દ્રવ્યોની બોલબાલા રહેતી હતી. એનો વેપાર અને વખત આવે કાળાબજાર પણ થતાં હતાં. આમાંથી જેલના કર્મચારીઓને ઘણી કમાણી થતી હતી. એમની કૃપાદષ્ટિ હેઠળ જ આ બધી બદીઓ ફૂલતી-ફાલતી રહેતી હતી.
જેલના પરિસરમાં ગંદકીનો પાર નહોતો. ચારેબાજુ કચરાના ઢગલા અને એની દુર્ગંધ ફેલાયેલી રહેતી હતી. માથું ફાટી જાય એવી બદબૂ વચ્ચે કેદીઓ પશુથીયે બદતર હાલતમાં પડી રહેતાં. આવી પરિસ્થિતિમાં તેઓ રોગોનો ભોગ ન બને તો જ નવાઈ ! તેઓ બીમાર થાય ત્યારે તેમની સારવાર પણ ભગવાન ભરોસે જ રહેતી. એમની કિસ્મતમાં હોય તો અને ત્યારે સારવાર મળે. ત્યાં સુધી એમણે પીડાવાનું અને રીબાવાનું હતું.
મહિલા કેદીઓની સ્થિતિ વધુ દયનીય હતી. ખૂન જેવા ભયાનક ગુનાઓ આચરવા માટે પકડાયેલી સ્ત્રીઓ, વેશ્યાવૃતિ કરતી સ્ત્રીઓ અને નજીવા આરોપસર પકડાયેલી સ્ત્રીઓ, બધાંને એકસાથે રાખવામાં આવતાં હતાં. માથાભારે અને રીઢી ગુનેગાર સ્ત્રીઓ નવી કેદી સ્ત્રીઓ પાસે વૈતરું કરાવતી હતી અને એમના પર જુલમ ગુજારતી હતી. જેલના કર્મચારીઓ પણ એમની સાથે જંગલિયત આચરવામાં કોઈ કસર છોડતા નહીં. એમનું પૂરેપૂરું શારીરિક શોષણ થતું હતું.
મહિલા કેદીઓનાં નાનાં બાળકોનું બાળપણ જ છિનવાઈ જતું હતું. આવાં બાળકો જેલના ગંધાતા બંધિયાર વાતાવરણમાં ચીંથરેહાલ દશામાં રઝળ્યાં કરતાં. કશાય વાંકગુના વગર બિચારાં એ નિર્દોષ ભુલકાંઓ સજા ભોગવતા રહેતાં. એ માસૂમ બાળકોને ચોખ્ખી, ખુલ્લી હવા મેળવવાનો પણ અધિકાર નહોતો.
કિરણ બેદી પાસે સરોજ નામની ૨૮ વર્ષની યુવાન સ્ત્રીએ રડતાં-કકળતાં પોતાની આપવીતી સંભળાવી હતી. એ બિચારી રોડની એક બાજુ પોતાની ચાની દુકાન ચલાવતી હતી. એક વાર અચાનક પોલીસ આવી અને એને પકડીને લઈ ગઈ. પોતાનો શું વાંક-ગુનો છે એ પણ એ જાણી ન શકી. એની કોઈ વાત કાને ધરવામાં આવી નહીં.
ત્રણ વર્ષથી જે જેલમાં સબડતી હતી. હૈયાફાટ આક્રંદ કરતાં એણે કિરણ બેદીને કહ્યું, “કાં તો મારી પર કોર્ટમાં કેસ ચલાવો. મારો ગુનો સાબિત કરો નહીંતર મને છોડી મૂકો. ત્રણ-ત્રણ વર્ષથી હું અહીં સબડું છું. મારી જિંદગી રોળાઈ જાય છે. મારી પાસે વકીલ રોકવાના પૈસા પણ નથી.”
આ તો એક ઉદાહરણ છે. આવા અને આનાથીય વધારે હૈયું હચમચાવી મૂકે એવા સંખ્યાબંધ કિસ્સાઓ તિહાડ જેલનું સાચું સ્વરૂપ છતું કરતાં હતાં. જેલની અવાર-નવાર મુલાકાતો દરમિયાન આવી બધી દર્દનાક દાસ્તાનો અને અમાનુષી પરિસ્થિતિથી કિરણ બેદી માહિતગાર બનતા જતાં હતાં. આ વાત માત્ર તિહાડ જેલ માટેની જ નથી. ભારતભરની લગભગ બધી જ જેલોમાં આવી જ પરિસ્થિતિ હોય છે.
ખૂબ ખૂબ આભાર સુરેશદાદા….. હું ઘણા દિવસોથી પ્રવાસમાં હતી એટલે આ બધુ જોઈ શકી નથી….
મારા પુસ્તકનાં લખાણ સાથે તમે અનેક ફોટા, વિડીયો શોધીને મૂકો છો એમાં એ જીવંત થઈ ઊઠે છે. તમારી નિષ્ઠાને સલામ.