આંતરિક સૌંદર્ય

- રાજુલ કૌશિક        

    કવિ કલાપીની એક સુંદર કવિતા છે. કવિ કલાપી કોણ હતા એ તો તમને ખબર જ હશે ને? ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં કવિ કલાપીની કવિતાઓ ભણવામાં  તો  આવી જ હોય ને! અને કેવી સરસ કવિતા લખતા બરાબર ને? હા તો એમની એક કવિતામાં સરસ સંદેશ આપ્યો છે એ આજે જોઈએ.

સૌંદર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે,

સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે. 

       આ વાતને ફેર એન્ડ લવલીની એડવર્ટાઇઝ સાથે કોઇ સંબંધ નથી. એ એડવર્ટાઈઝ પણ ટી.વી પર જોઈ હશે. કોઈપણ એક સહેજ શામળી છોકરી ચહેરા પર થોડા દિવસ ફેર એન્ડ લવલી લગાવે અને જો જાદુ. એ એકદમ ઐશ્વર્યા રાય જેવી રૂપાળી બની જાય પણ અહીં  માત્ર ચહેરાની સુંદરતાની વાત નથી. સુંદર દેખાવું સારી વાત છે પણ સાથે દેખાવની સાથે દિલ, મન, વિચારો પણ સુંદર હોય તો સોનામાં સુગંધ ભળવા જેવી વાત થાય. 

     બરાબર ? અહી આ જે વાત છે એ છે આંતરિક સૌંદર્યની, પરમાત્મમા સાથે જોડી દે એવા મનના અને આત્માના સૌંદર્યની. વાત છે અહીં કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના સ્વાનુભવની.

    માંડીને વાત કરીએ તો, ટાગોરને હાઉસબોટમાં રહીને સમય પસાર કરવો અત્યંત ગમતો. આવી રીતે એક વાર હાઉસબોટમાં પૂનમની રાતે સૌંદર્ય એટલે શું એ જાણવા કવિવર સૌંદર્યશાસ્ત્રનું કોઇ પુસ્તક વાંચી રહ્યા હતા. ચારેબાજુ નિતાંત( સતત)  શાંતિ હતી. પૂનમની રાત હતી, ચાંદની જાણે સરોવરને ઉજાળી રહી હતી. દૂધમલ પ્રકાશમાં સરોવરના શાંત પાણી અને જરા અમસ્તો પવનનો સરસરાટ ચિત્તને પ્રસન્ન્તા આપી રહ્યા હતા. થોડા સમય પછી એમને જરા આરામ કરવાની ઇચ્છા થઈ એટલે એમણે હાઉસબોટમાં બેઠા હતા ત્યાં મીણબત્તી ઓલવી નાખી.

       કવિવર બેઠા હતા ત્યાં પ્રકાશ રેલાવતી નાનકડી અમસ્તી મીણબત્તી ઓલવી અને કૅબીનની બારીઓ અને બારણામાંથી પૂનમની ચાંદની રેલાઇ ગઈ અને કવિવર પણ જાણે મનથી ઝળહળ. “અરે ! તો એ આ મીણબતી હતી જેના પ્રકાશે આ ચાંદનીના ઉજાસને બહાર જ રોકી રાખ્યો હતો.”

     હવે કવિવરનું અનુસંધાન સીધુ જ પ્રકૃતિ સાથે જોડાઇ ગયું. હવે એમની નજર ચારેકોર વેરાયેલી સુંદરતા પર ગઈ. આસમાનથી માંડીને સરોવરના શાંત પાણી સુધી રેલાયેલા ધવલ ઉજાસે એમનું મન પણ જાણે પ્રકાશિત- પાવન થઈ ગયું.

     એમણે આ સુંદરતાને મન ભરીને માણી અને પોતાની ડાયરીમાં નોંધ કરી.

    'આપણે કેવા મૂર્ખ છીએ ! આપણે સૌંદર્યની શોધ પુસ્તકમાં કરીએ છીએ અને ખરેખર તો સુંદરતા બારણાની બહાર ઊભી આપણી વાટ જુવે છે. આપણે એક નાનકડી મીણબત્તીના પ્રકાશમાં આપણી જાતને બાંધી રાખીએ છીએ જે બહારના ઉજાસને જ રોકી રાખે છે?'

       કવિવરે આ અનુભવને કંઇક આવી રીતે વર્ણવ્યો છે..

     'આપણો આ નાનકડો અહમ ઇશ્વરને જ આપણી ભીતર આવતા રોકી રાખે છે. મીણબત્તીનો ઝાંખો પ્રકાશ જેમ બહારની ચાંદનીને બહાર જ રોકી રાખે તેમ આપણો અહમ ઇશ્વરના દિવ્ય પ્રકાશને આપણા સુધી પહોંચવામાં આડખીલી બને છે. જરૂર છે પુસ્તકીય જ્ઞાનનો આશરો લેવાના બદલે અહમની મીણબત્તી ઓલવીને ભીતરથી બહાર આવવાની, ભીતરથી બહાર આવીને સીધા જ એ પરમ સૌંદર્યને પામવાની.'

     કવિવરે કેવી સરસ વાત  કરી !  આ આપણા મનની ભીતરનો અહમ જ તો છે, જે આપણને સત્ય સુધી પહોંચવા નથી દેતો. આપણા મનની ગ્રંથીઓ, આગ્રહો કે પૂર્વાગ્રહોથી જો આપણી જાતને વેગળી રાખી શકીએ તો તો સત્યમ,  શિવમ, સુંદરમ સુધી પહોંચી શકીએ. પરમ તત્વ, પરમ ઉજાસ સાથે અનુસંધાન માટે સૌથી જરૂરી છે બંધિયાર માનસિકતાની મીણબત્તી ઓલવવાની.

 

તેમનો બ્લોગ - રાજુલનું મનોજગત

-- --

2 thoughts on “આંતરિક સૌંદર્ય”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *