- રાજુલ કૌશિક
આપણી નજર સામે પાણી ભરેલો એક પડ્યો છે. જો કે એ ગ્લાસમાં છલોછલ પાણીના બદલે અડધે સુધી પહોંચે એટલું પાણી છે. હવે આ વાતને બે રીતે જોઇ શકાશે. કોઇની નજરે એ ગ્લાસ અડધો ભરેલો હશે તો એ જ ગ્લાસ અન્યને અડધો ખાલી દેખાશે.
આ વાતને રજનીશજી સુખ દુઃખ માપવાના દ્રષ્ટિકોણ સાથે સરખાવે છે. રજનીશજીને તો જાણો છો છે ને? એક રીતે જોવા જઈએ તો એ ધર્મગુરુ હતા. જો કે એમનો ધર્મ પ્રત્યેનો અભિગમ અને સમજાવવાની રીત જરા જુદી હતી પણ એમના ય અનુયાયીઓ ઘણા હતા.
હા! તો રજનીશજી કહેતા કે હંમેશા પરિસ્થિતિ એક સરખી હોય તો પણ એ એક સરખી પરિસ્થિતિને જોવાની બે અલગ વ્યક્તિઓની દ્રષ્ટિ પણ સિક્કાની બે બાજુની જેમ અલગ જ હોવાની. રજનીશજી જે વાત કહેતા એના માટે એ ઉદાહરણ ટાંકતા જેનાથી વાત સાંભળવાની ગમતી અને સમજવાની સરળ રહેતી. તો આ વાત માટે એક સરસ ઉદાહરણ આપતા રજનીશજી કહે છે….
એક ગામના પાદરે એક સાધુ આવીને રહે છે. સાધુ છે એટલે સત્સંગ તો કરવાના જ. ગામના લોકો નવરાશે એમની પાસે આવીને બેસે. એવી રીતે એ ગામના બે ખેડૂતો સાધુ પાસે આવ્યા. સાધુએ એમની સાથે વાત માંડી. હવે વાત જાણે એમ હતી કે બંને પાસે ફળદ્રુપ જમીન હતી. ખુબ સરસ મઝાનો પાક પણ ઉતરે અને બંને મહેનત ખુબ કરે એ પ્રમાણે કમાણી પણ થાય. સાધુ એમના રાજીખુશીના સમાચાર પૂછ્યા.
એક ખેડૂતે જવાબ આપ્યો, “બાપજી! શું વાત કરું? સવારથી સાંજ મારા નસીબમાં બસ બળદ, હળ અને ખેતરાં જ લખેલા છે. આખો દિ વૈતરું કરવામાં જાય છે. આખો દિ કામ કરીને આ તન એવું તો થાકી જાય છે કે રાત પડે લોથ થઈને ઊંઘી જઉં છું
સાધુએ એ જ સવાલ બીજા ખેડૂતને પૂછ્યો.
તો એકદમ લહેરથી એણે જવાબ આપ્યો, "બાપજી! એયને લીલાલહેર છે. મારા ખેતરો જ મારા અન્નદાતા છે. ખેતર ખેડું છું અને બીયારણ નાખું છું. જ્યારે આ બીયારણમાંથી પાક ઊગે છે ત્યારે મારી મહેનત ફળ્યાનો આનંદ થાય છે. મારી સાથે સાથે બીજા કેટલાય લોકોની આંતરડી ઠરશે એ વિચારે હરખાઉં છું. મારા ખેતરાંની જેમ જ મારા બળદ, હળ પણ મારા છોકરાઓ જેટલા જ વહાલા છે . પ્રભુકૃપાથી મારા ખેતરની જમીન પણ ફળદ્રુપ છે પણ એ પ્રભુકૃપાને મારી મહેનતથી વધુ રસકસવાળી બનાવવા એનેય નિયમિત ખાતર પાણી આપું છું. મને મારા કામથી અને ફળથી પુરેપુરો સંતોષ છે. રાત પડે ઇશ્વરની આ કૃપા માટે હું આભાર માનીને ચેનથી પોઢી જાઉં છું."
હવે જોયું ને કે અલગ દ્રષ્ટિકોણથી વિચારવાની માનસિકતાના લીધે એક સરખી પરિસ્થિતિ પણ કેટલી બદલાઇ જાય છે!
સીધી વાત-
મનથી જે અધૂરા છે એને પાણીનો ગ્લાસ અડધો ભરેલો દેખાશે અને મનથી સંતૃપ્ત (સંતોષી) છે એને પાણીનો ગ્લાસ અડધો ભરેલો દેખાશે. સીધી નજરે દેખાતી સ્થિતિ તો સરખી જ છે ફરક છે આપણી સોચનો, આપણા મનને કેળવવાનો. જે મળ્યું છે એને માણવાની વાતનો. રાજી રહેવું કે નહીં એ આપણા દિલ-દિમાગથી વિચારી લેવાનું છે.
બોલો આપણે શું કરવું છે? સમય અને સંજોગો સામે ફરિયાદ કરવી છે કે, એમાંથી પણ રાજીપો શોધવો છે?