- લતા હીરાણી
તિહાડ આશ્રમ
કિરણ બેદીએ જેલની આંતરિક અને બાહ્ય વ્યવસ્થાનું બારીક નિરીક્ષણ કર્યું અને એમણે જેલને સાચા અર્થમાં સુધારણાગૃહ બનાવવાનો, જેલની કાયાપલટ કરવાનો નિર્ણય લઈ લીધો.
જેલમાં ગંદકીનો પાર ન હતો. ખુલ્લી જગ્યાઓમાં કચરાના ઢગ ખડકાતાં હતાં. જેલના સમગ્ર વિસ્તારમાં ટનબંધ કચરો ફેલાયેલો રહેતો હતો. કેદીઓથી ખીચોખીચ ભરેલી, ગંદકી અને દુર્ગંધથી ભરપૂર ખોલીઓ, આ બધું જાણે નરકનું બીજું ધામ હતું.
બીજા અધિકારીઓ આ ગંદકીભર્યા વાતાવરણથી દૂર રહેવાનું જ પસંદ કરતા હતા. કિરણ બેદીએ જેલમાં સ્વચ્છતા લાવવાનું બીડું ઝડપ્યું. સ્વચ્છતા જળવાય એવાં કાર્યોને એમણે પ્રાથમિકતા આપી. સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણમાં જીવવાનો કેદીઓને પણ અધિકાર છે એવું વાતાવરણ એમણે રચવા માંડ્યું. કેદીઓ પોતે પણ આ બાબતે જાગ્રત થાય એવા પ્રયાસો કર્યા. કેદીઓને બધી જ બુનિયાદી સગવડો મેળવવાનો અધિકાર છે, એવી વાત કર્મચારીઓને અને કેદીઓને ભારપૂર્વક સમજાવી.
એમણે બીજી સંસ્થાઓનો સંપર્ક કરી જેલમાં પડી રહેલા કચરાનું ખાતર બનાવવાનું નક્કી કર્યું. આમ કરવાથી બે ફાયદા થયાં. કચરાનો યોગ્ય નિકાલ થવા લાગ્યો અને કચરામાંથી બનતા ખાતરની જેલમાં આવક થવા લાગી. જેલમાં ટનબંધ કચરો એકઠો થતો હતો. આથી ખાતરની આવક ઘણી મોટી થતી. કિરણ બેદીએ આ બધી આવક જેલના કેદીઓનાં કલ્યાણકાર્યો માટે ફાળવી દીધી. આમ સમગ્ર પ્રોજેક્ટને કારણે જેલ ચોખ્ખી થઈ, કેદીઓ માટે સારું વાતાવરણ રચાયું અને જરૂરી સગવડો વધતી ગઈ.
દરેક ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ સ્વીકારયું છે. નિયમિત રીતે ઈશ્વરપ્રાર્થના કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. સારા શબ્દો, સારા વિચારોને કારણે જે તરંગો ઉદભવે છે તેની વાતાવરણ પર અસર થાય છે. આથી જ ઉપનિષદની પ્રાર્થનામાં કહેવાયું છે કે ‘અમને સર્વ દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ’
કિરણ બેદીએ જેલમાં દરરોજ બે વખત સમૂહ-પ્રાર્થના થાય એવું આયોજન કર્યું. પ્રાર્થનાની પસંદગી એમણે કેદીઓની ઇચ્છા પ્રમાણે કરી હતી. ફિલ્મ ‘દો આંખે બારહ હાથ’નું આ વિખ્યાત પ્રાર્થનાગીત એમણે પસંદ કર્યું હતું.
અય! માલિક તેરે બંદે હમ,
ઐસે હો હમારે કરમ
નેકી પર ચલે
ઔર બદી સે ડરે,
તાકિ હંસતે હુએ નિકલે દમ.
એ ફિલ્મમાં પણ એક જેલર દ્વારા કેદીઓના હદય પરિવર્તનની વાત છે. આવા પ્રયોગોનું સુંદર સફળ પરિણામ રજૂ કરતી આ ફિલ્મનું ગીત કેદીઓને વધારે પસંદ આવે એ સ્વાભાવિક વાત છે,
દરરોજ સાથે મળીને પ્રાર્થના કરવાનું પરિણામ ઘણું ઉજળું આવ્યું. ધીમે ધીમે કેદીઓના મનમાંથી ઝનૂન, ખુન્નસ ઓછાં થતાં ગયાં.
પહેલાં કેદીઓ પાસે વૈતરું કરાવવામાં આવતું. બાકીના સમય માટે એમની પાસે કોઈ પ્રવૃત્તિ નહોતી. વૈતરા ઉપરાંત અપશબ્દો અને મારઝૂડને કારણે તેઓ સતત તાણમાં અને ઉશ્કેરાયેલા રહેતાં હતાં. વળી આ બધાંને કારણે તેઓમાં અંદરોઅંદર ખૂબ ઝઘડાઓ થતા રહેતા.
હવે જેલમાં કેદીઓ માટે અનેક પ્રવૃતિઓ શરૂ થઈ. પ્રવૃત્તિમય રહેવાને કારણે એમનો સમય સારી રીતે પસાર થઈ જતો અને એમને આનંદ આવતો. પ્રાર્થનાને કારણે એમના મનમાં ભરેલો રોષ ઓછો થવા લાગ્યો. વાતાવરણ શાંત બનતું ગયું અને એકબીજા સાથેનો વ્યવહાર સુધરતો ગયો.
કિરણ બેદીએ જેલમાં પુસ્તકાલય ખોલ્યું. છાપાંઓ અને સામયિકો મંગાવવાનાં શરૂ કર્યા. જેમને વાંચવું ગમતું હતું એમને આનંદ આનંદ થઈ ગયો. જેમને થોડુંઘણું વાંચતા આવડતું હતું તેઓ પોતાનો વધારાનો સમય પુસ્તકો સાથે ગાળતા થઈ ગયા.
એમણે નિરક્ષર કેદીઓ માટે જેલમાં અક્ષરજ્ઞાનના વર્ગો શરૂ કર્યા. આ માટે એમણે સામાજિક કાર્યકરોની મદદ લીધી, ઉપરાંત ભણેલા કેદીઓ નિરક્ષર કેદીઓને ભણાવે એવી વ્યવસ્થા કરી. વિવિધ ભાષાનાં પુસ્તકો ધરાવતું પુસ્તકાલય, વિવિધ ભાષાના વર્ગો જેવી સગવડોથી તિહાડ જેલ સમૃદ્ધ થવા માંડી.
આ એ જ જેલ હતી કે જેમાં કેદીઓને પોતાનાં પુસ્તકો રાખવાની મંજૂરી મળતી નહોતી. ક્યારેક જેલના પહેરેગીરો એમનાં પુસ્તકો ઝૂંટવી લઈને એમની નજર સામે સળગાવી દેતા કે ફાડીને ફેંકી દેતા.
ચૌદ-પંદર વર્ષના કિશોર કેદીઓને એમણે પુસ્તકાલય ચલાવવાની જવાબદારી સોંપી દીધી. નવું કામ મળવાથી એમનામાં ઉત્સાહ જાગ્યો, એમનો આત્મવિશ્વાસ વધ્યો અને તેઓ વધુ જવાબદાર બન્યાં. વળી તેઓ પુસ્તકોના સંપર્કમાં આવ્યાં આથી તેમનામાં વાંચનની ટેવ વિકાસ પામી. આ બધાને કારણે તેમના વર્તનમાં ખૂબ સુધારો થયો.
સ્ત્રીઓ પ્રવૃત્તિમય રહે એ માટે એમણે ભરત-ગૂંથણ અને સિલાઈકામના વર્ગો શરૂ કર્યા. મોટાભાગની સ્ત્રી કેદીઓ નિરક્ષર હતી. જેલમાંથી બહાર નીકળે ત્યાં સુધીમાં એ ઓછામાં ઓછું લખતાં-વાંચતાં શીખી જાય એવી વ્યવસ્થા એમણે કરી.
બિચારાં બાળકો! મહિલા કેદીઓનાં નાનાં બાળકો વગર ગુનાએ જેલમાં સબડતાં હતાં. કેટલાંક તો જેલમાં જ જન્મ્યાં હતાં. એમણે બહારની દુનિયા જોઈ જ નહોતી. એમણે બાળકો માટે પૌષ્ટિક આહારની અને રમકડાં, ખેલકૂદ વગેરેની વ્યવસ્થા કરી. જેલના કોઈ કર્મચારી એમને નિયમિત રીતે બહાર ફરવા લઈ જાય એવું પણ ગોઠવ્યું.
જેલમાં એમણે બીજું એક અદભુત કામ કર્યું. એમણે કેદીઓ માટે યોગના વર્ગો શરૂ કરાવ્યા. નિયમિત યોગ ધ્યાન કરવાથી વ્યક્તિના માનસમાં પરિવર્તન આવે છે. એમનો ઉશ્કેરાટ કે નકારાત્મક વિચારો ઘટે છે. એમણે યોગના શિક્ષકોને બોલાવ્યા. જેલમાં વિપશ્યના ધ્યાનની શિબિરો યોજી. હજારોની સંખ્યામાં કેદીઓએ અને કર્મચારીઓએ આ શિબિરનો લાભ લીધો.
પહેલાં કેદીઓની કોટડીઓમાંથી મારામારી અને ગાળાગાળીના અવાજો આવતાં રહેતાં હતાં એને બદલે હવે મધુર ભાવવાહી ભજનો અને ગીતો સંભાળવા લાગ્યાં.
માનવી પાસે જયારે રચનાત્મક કે મનગમતી પ્રવૃત્તિ ન હોય ત્યારે જ એ ખોટાં કાર્યો તરફ વળે છે. આથી જ કહ્યું છે કે ’નવરો બેઠો નખ્ખોદ વાળે.’ તિહાડ જેલમાં આ બધાં સુધારા પછી પરિસ્થિતિ એવી બદલાઈ કે દરેક કેદી કંઈ ને કંઈ પ્રવૃતિમાં રત રહેવા લાગ્યો. તિહાડ જેલ હવે તિહાડ આશ્રમ બની ગઈ.