- લતા હીરાણી
કિરણનો ઉજાસ - ૧
કેટકેટલાં સંઘર્ષ, ખમીરને ખતમ કરી નાખવાનાં કેટકેટલાં કાવતરાં, કચડી નાખવાની કેટકેટલી પ્રયુક્તિઓ છતાં કિરણ બેદી ક્યાંય ઝૂક્યાં નહીં, હાર્યા નહીં. એમણે ક્યાંય સમાધાન ન કર્યું. ભલભલા ખેરખાંઓને એમની સામે ઝૂકવું પડ્યું. કહેવાતા શક્તિશાળી નેતાઓને નમવું પડ્યું. પ્રત્યેક કસોટીએ કિરણ બેદી વધુ ઉજળાં બનતાં ગયાં.
એમના વિજયે કેટલાં ગરીબ, દુ:ખી લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો! કેટલાં પીડિતોને દમનના પંજામાંથી છોડાવ્યાં! અને કેટલા હારેલા, નિરાશ માનવીઓના મનમાં આશાનો સંચાર કર્યો!
કિરણ બેદીનો વિજય એ ભારતની અન્યાયપીડિત જનતાનો વિજય હતો.
લોકોએ પોલીસથી હંમેશાં દૂર રહેવાનું જ યોગ્ય ગણ્યું છે. પોલીસની કામગીરી રક્ષક તરીકેની છે એ વાત મહદઅંશે પોથીઓમાં જ રહી ગઈ છે. પ્રજાએ અને ખાસ કરીને ગરીબ પ્રજાએ તો પોલીસને ભક્ષક તરીકે જ ભાળી-નિહાળી જોઈ છે.
કિરણ બેદીએ પોલીસદળના વિચારોમાં પાયાનું પરિવર્તન થાય એવા પ્રયાસો કર્યા. ખાસ તો પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાય એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યાં. પોલીસ કર્મચારીઓની પોતાની પણ અનેક મુશ્કેલીઓ હતી. એમની સમસ્યાઓ વિશે કોઈ વિચારતું નહોતું. કિરણ બેદીએ એમને ન્યાય અપાવવા પ્રયત્ન કર્યો. એમના કલ્યાણ માટે નવી નવી યોજનાઓ કરી. પોતાની સાથેના આવા માનવીય વ્યવહારને કારણે પોલીસદળોએ એમને પૂરો સાથ આપ્યો. કિરણ બેદી પહેલાંના કોઈ અધિકારીએ પોલીસોની સમસ્યાઓ માટે કંઈ વિચાર્યું નહોતું. આથી પોલીસ ખાતાના નીચલા કર્મચારીઓ કિરણ બેદીને પૂજતા થઈ ગયાં.
કિરણ બેદીએ જ્યાં જ્યાં કાર્યભાર સંભાળ્યો ત્યાં એમણે લોકોનાં હદયમાં સ્થાન મેળવ્યું. સામાન્ય પ્રજાનાં એ તારણહાર હતાં. પોલીસ કર્મચારીઓ માટે એ પૂજનીય હતાં તો તિહાર જેલના કેદીઓ માટે એ દેવીરૂપ હતાં.
એમના હદયમાં ફરજનિષ્ઠા અને સમાજસેવાનું ઝરણું વહેતું હતું. સમાજસેવાની એમની તમન્નાને કારણે બે સંસ્થાનો જન્મ થયો : નવજ્યોતિ ફાઉન્ડેશન અને ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશન. આ બંને સંસ્થા કિરણ બેદીએ સ્થાપેલી છે અને એ દ્વારા તેઓ સમાજસેવાના કાર્યો કરે છે.
૧૯૮૬માં સ્થપાયેલી નવજ્યોતિ સંસ્થા વ્યસનમુક્તિનું કાર્ય કરે છે. ગુનાખોરીનું એક કારણ નશાખોરી છે. કેફી દ્રવ્યોનો બંધાણી માનવી નશો કરે ત્યારે સારાસારનો વિવેક ભૂલી જાય છે. એનામાં રહેલી દુર્વૃતિઓ બહાર આવે છે અને ખોટાં કામ તરફ વળે છે.
ગરીબ વર્ગમાં નશાખોરી ખૂબ જ ખરાબ પરિણામો લાવે છે. વ્યસની વ્યક્તિને નશા વગર ચાલતું નથી. આને સંતોષવા તે પોતાને અને પોતાના કુટુંબને બેહાલ કરતો જાય છે. પોતાના બાળકોને ભીખ માંગતા કરી મૂકે છે. બે ટંકના રોટલાના જ્યાં સાંસા હોય ત્યાં બાળકોના શિક્ષણ નો વિચાર કેવી રીતે ક્યાંથી થાય ? આમ કુટેવ બીજાં અનેક અનિષ્ટોની જનની બને છે.
દારૂ જેવાં બીજાં વ્યસનો છે- અફીણ, ગાંજો, ચરસ, બીડી, સિગારેટ, તમાકુ વગેરે. બીડી-સિગારેટ કે પાનમસાલામાં વપરાતા તમાકુને કારણે કેન્સર થાય છે. કેન્સર એક એવી જીવલેણ બીમારી છે કે માનવી અત્યંત પીડાય છે. રિબાય છે અને અંતે મરણને શરણ થાય છે. આવા અનેક કિસ્સા સમાજમાં બનતા રહે છે પરંતુ વ્યસનીઓની સંખ્યા તો વધતી જ જાય છે.
આજકાલ ગુટકા-પડીકીનું ચલણ ઘણું વધ્યું છે. એમાં તમાકુ તો હોય છે જ, ઉપરાંત સોપારી અને બીજા હલકા પ્રકારના મસાલા હોય છે. હવે વિદ્યાર્થીઓમાં આ ગુટકા ખાવાની ફેશન વધતી જાય છે જે ભાવિ પેઢી માટે અત્યંત જોખમી છે, સમાજ માટે લાલબત્તી રૂપ છે. જાણે એ ગૌરવની વાત હોય એમ ગુટકાની લલચામણી જાહેરખબરો આવે છે. સરકાર પણ એ સામે કોઈ કડક પગલાં લેતી નથી. શરૂઆતમાં વિદ્યાર્થી દેખાદેખીથી ફેશન ખાતર એ ખાતો થાય છે, પછી તેનો બંધાણી બની રોગને નોતરે છે. પોતાના ભવિષ્યને અંધકારમય બનાવે છે, પોતે જાતે જ પોતાના સ્વાસ્થ્યની કબર ખોદે છે.
નવજ્યોતિ ફાઉન્ડેશનની વેબ સાઈટ અહીં....
નવજ્યોતિ ફાઉન્ડેશન આવા વ્યસનીઓના વ્યસન છોડાવવાનું કાર્ય કરે છે. શરૂઆતમાં એક મહિનો વ્યસનીઓને એ કેન્દ્રમાં રહેવું પડે છે. યોગ્ય ખોરાક, દાક્તરી સારવાર તથા મનો વિજ્ઞાનિકોની સારવાર પણ આ કેન્દ્રમાં અપાય છે. કિરણ બેદીનું નવજ્યોતિ ફાઉન્ડેશન આ ક્ષેત્રમાં અદભુત કાર્ય કરે છે.
સમાજના સુખી-સંપન્ન વર્ગ તરફથી આ કેન્દ્રને પુષ્કળ મદદ મળે છે. વ્યસની વ્યસનમુક્ત થયા પછી પોતાના જીવનને નવેસરથી ગોઠવી શકે એ માટે પણ એને પૂરતી મદદ કરવામાં આવે છે.
આ સંસ્થા દ્વારા ગરીબ બાળકો માટે શાળાઓ ખોલવામાં આવી છે. ગરીબ નિરક્ષર સ્ત્રીઓ રોજગારી મેળવી શકે એવી મદદ પણ આ કેન્દ્ર દ્વારા થાય છે. પોતાનાં આવાં ઉમદા કાર્યો બદલ નવજ્યોતિ ફાઉન્ડેશનને અનેક એવોર્ડ મળ્યાં છે.
‘પછી તેનો બંધાણી બની રોગને નોતરે છે. પોતાના ભવિષ્યને અંધકારમય બનાવે છે, પોતે જાતે જ પોતાના સ્વાસ્થ્યની કબર ખોદે છે. આ અમારા અનુભવની વાત આવા અનેક સમાજસુધારના કામો બદલ શત વંદન